|
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ રાપર તાલુકાના બેલા ગામ નજીક આવેલા અંતરિયાળ ધબડા ગામે ખેતરના શેઢેથી માટી ઉલેચીને ખેતરમાં નાખવા મુદ્દે આધેડ શખ્સની લાકડીઓ મારી થયેલી હત્યાના ગુનામાં ભચાઉ કૉર્ટે ત્રણ જણને દોષી ઠેરવી સજા ફટકારી છે. ૧૩-૦૨-૨૦૧૯ના રોજ સવારે પોણા આઠના અરસામાં બનાવ બન્યો હતો. જેમાં બે રબારી પરિવારો વચ્ચે લાકડીઓ ઉછળતાં ગોવા ડાયા રબારીનું માથા અને પાંસળીમાં ગંભીર ઈજાથી મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પુત્ર રાજાએ બાલાસર પોલીસ મથકે એક મહિલા સહિત એક જ પરિવારના ૬ સગાં સંબંધીઓ સામે હત્યા, મહાવ્યથા સહિતની કલમો તળે ગુનો નોંધાવ્યો હતો.
પાંચ આરોપી પૈકી ૩ને સજા, બે નિર્દોષ
આ કેસમાં ફરિયાદ પક્ષે રજૂ થયેલાં ૩૦ સાક્ષીઓ અને ૨૦ દસ્તાવેજી આધાર પુરાવા તથા બંને પક્ષના વકીલોની દલીલોને ધ્યાને રાખીને આજે ભચાઉના ત્રીજા અધિક સેશન્સ જજ અંદલિપ તિવારીએ પિતા અને બે પુત્રોને દોષી ઠેરવી સજા ફટકારી છે. કૉર્ટે ઈપીકો કલમ ૩૦૨ (હત્યા)ના બદલે આરોપીઓને ઈપીકો કલમ ૩૦૪ (સાપરાધ મનુષ્ય વધ) હેઠળ ૭૦ વર્ષિય પચાણ ધારા રબારી અને બે પુત્રો જીવા રબારી તથા મેરા રબારીને સજા ફટકારી છે. જ્યારે, ભાણીબેન સાંડા માલા રબારી અને નારણ વેલા રબારીને નિર્દોષ છોડી દીધા છે.
ગુનાના એક આરોપી મમુ ધારા રબારીનું નિધન થતાં તેની સામેનો કેસ પડતો મૂકાયો (એબેટેડ) હતો.
કૉર્ટે ઈપીકો કલમ ૩૦૪ હેઠળ પચાણ રબારીને ૩ વર્ષની સખ્ત કેદ અને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જીવા અને મેરા રબારી ગુનો બન્યો ત્યારથી જેલમાં જ છે, બેઉ જણે ૬ વર્ષ ૮ માસ અને ૨૮ દિવસ જેલમાં ગાળ્યાં હોઈ કૉર્ટે તેમને કલમ ૩૦૪ હેઠળ તેટલી સજા ફટકારી છે. ઈપીકો કલમ ૩૨૩ હેઠળ કૉર્ટે જીવાને ૧ વર્ષની સાદી કેદ અને મેરા રબારીને ઈપીકો કલમ ૩૨૫ હેઠળ ૩ વર્ષની સખ્ત કેદની સજા પણ ફટકારી છે. તમામ સજા એકસાથે ભોગવવાની હોઈ ટેકનિકલી બેઉને થયેલી બધી સજા તેમણે ભોગવી લીધી છે.
કેસની તપાસ બાલાસરના તત્કાલિન પોલીસ સબ ઈન્સ્પેક્ટર રમેશ ડી. ગોજીયાએ કરી હતી. આ કેસમાં સરકાર તરફે એડવોકેટ ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજા અને એમ.આર.જાડેજાએ દલીલો કરી હતી.
Share it on
|