click here to go to advertiser's link
Visitors :  
13-Sep-2026, Sunday
Home -> Gandhidham -> Rajsthan Police Caught Accused Involved in 52 Lakh House break from Gandhidham
Tuesday, 02-Jun-2026 - Gandhidham 40036 views
રાજસ્થાનમાં બાવન લાખની ચોરી કરીને ગાંધીધામમાં મોસાળે આવેલો યુવક ઝડપાયો
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના આબુ રોડ પર એક રહેણાક મકાનમાંથી ૫૦ લાખના સોના ચાંદીના ઘરેણાં અને ૨ લાખ રોકડાં રૂપિયાની ચોરી કરી ગાંધીધામ આવેલો યુવક રાજસ્થાન પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. માસૂક ખાને ચોરી કરવા માટે ફૂલપ્રૂફ પ્લાન બનાવ્યો હતો. ચોરી બાદ પોતાના મોસાળ ગાંધીધામ નાસી આવેલો. પરંતુ, ગાંધીધામમાં એક ATMમાંથી તેણે રૂપિયા ઉપાડ્યાં ને સતર્ક પોલીસે તેનું લોકેશન ટ્રેસ કરી લઈને ગાંધીધામ દોડી આવીને ઉપાડી લીધો.
આબુ રોડની રીકો કોલોનીમાં બાવન લાખની ચોરી થયેલી

રાજસ્થાનના સિરોહી જિલ્લાના આબુ રોડ પર રીકો કોલોની વિસ્તારમાં એક રહેણાક મકાનમાં ગત એપ્રિલ માસમાં ચોરી થયેલી. મકાન માલિક જીતેન્દ્રસિંહ ઘરને તાળાં મારીને ૧૦ એપ્રિલના રોજ સપરિવાર ભરુચ ગયેલાં અને ૧૨ એપ્રિલે ઘરે પરત ફર્યાં ત્યારે ઘરની અંદર રાખેલી તીજોરીમાંથી મૂલ્યવાન ઘરેણાં અને રોકડ મળી બાવન લાખ રૂપિયાની માલમતાની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું.

ચોરે તાળાં ખોલીને આરામથી ચોરી કરેલી

અજાણ્યો ચોર ૧૧ એપ્રિલની રાત્રે ઘરમાં પ્રવેશેલો પરંતુ દરવાજાના તાળાં નકૂચા તૂટ્યાં નહોતા. ચોર આરામથી ઘરના મુખ્ય પ્રવેશદ્વારનું ચાવીથી તાળું ખોલીને ઘરમાં પ્રવેશેલો. પોલીસે ઘર અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરેલાં પરંતુ ક્યાંય કોઈ સંદિગ્ધ વ્યક્તિ જણાયો નહોતો. પોલીસે ખંતપૂર્વક તપાસ જારી રાખેલી. દરમિયાન આ વિસ્તારના એક સીસીટીવીમાં બનાવ સમયે બાઈક પર સંદિગ્ધ વ્યક્તિ પસાર થતો જોવા મળેલો. મકાન માલિકની પૂછપરછમાં પોલીસને જાણવા મળેલું કે માસૂક ખાન નામનો એક પર્સનલ જિમ ટ્રેઈનર અવારનવાર તેમના ઘરે આવ-જા કરતો હતો.

ચોરી બાદ માસૂક ખાન ગાંધીધામમાં મોસાળે આવી ગયેલો

પોલીસે માસૂક ખાનનો સંપર્ક કરવા પ્રયાસ કરતા તે લાપત્તા હતો. તેના પર શંકા સુદ્રઢ થયેલી. સીસીટીવીમાં બાઈક પર જતો સંદિગ્ધ યુવક માસૂક ખાન પઠાણ હોવાનું સ્પષ્ટ થયેલું. માસૂક ખાન અગાઉ અંબાજી ચેકપોસ્ટ પાસે એક જિમ ચલાવતો હતો પરંતુ આવક થતી ના હોઈ બંધ કરીને પર્સનલ જિમ ટ્રેઈનર તરીકે લોકોના ઘરે જઈ વર્ક આઉટ કરાવતો હતો. માસૂક ખાનનો કોઈ અતોપત્તો મળતો નહોતો.

ATMમાંથી પૈસા ઉપાડ્યાં ને પોલીસે લોકેશન ટ્રેસ કર્યું

મે માસના અંતિમ સપ્તાહમાં અચાનક ગાંધીધામના એક એટીએમમાંથી માસૂકે નાણાં વિડ્રો કરેલાં. માસૂકની સંભવિત તમામ ગતિવિધિ પર ચકોર નજર રાખીને બેઠેલી પોલીસને માસૂકનું લોકેશન મળી ગયેલું. વાસી ઈદના દિવસે રાજસ્થાન પોલીસે ગાંધીધામ આવીને સ્થાનિક પોલીસના સહકારથી માસૂકની અટક કરીને રાજસ્થાન લઈ આવી હતી.

ચોરી માટે પહેલાંથી ફૂલપ્રૂફ પ્લાન ઘડી રાખેલો

પોલીસની પૂછપરછમાં માસૂકે પોતાનો ગુનો કબૂલી લીધો છે. ચોરી કરવા માટે તેણે પહેલાંથી જ પ્લાન કરી રાખેલો. ઘરમાં આવતી જતી વખતે તેણે ચાવીનો એક ઝૂડો ચોરી લીધો હતો. જીતેન્દ્રસિંહ બે દિવસ માટે બહારગામ જવાના હોવાની તેને ખબર હતી. એટલું જ નહીં, ઘરની આસપાસ ક્યાં ક્યાં સીસીટીવી લગાડેલાં તેનાથી તે વાકેફ હતો. બનાવની રાત્રે સીસીટીવીની નજરથી બચીને તેણે ચોરી કરેલી.

માસૂક ગર્લફ્રેન્ડને લઈ હિલ સ્ટેશન ફરવા જવાનો હતો 

પકડાયેલો ૩૦ વર્ષિય માસૂક ખાન પરિણીત છે અને એક સંતાનનો પિતા છે. સ્વભાવે બહુ દિલફેંક છે.

પોલીસની પૂછપરછમાં તેણે ઘટસ્ફોટ કર્યો કે તેની એક ગર્લફ્રેન્ડને લઈને ગાંધીધામથી સીધો ઊટી અને નૈનિતાલ જેવા હિલ સ્ટેશનમાં ફરવા જવાનો હતો.

ઈદ પછી પોતે ફરવા લઈ જશે તેવો વાયદો તેણે ગર્લફ્રેન્ડને કરી રાખેલો, પણ પકડાઈ ગયો. માસૂક ખાનના આસપાસના વિસ્તારની અન્ય ઘણી મહિલાઓ સાથે પણ મૈત્રી સંબંધો હોવાનું બહાર આવ્યું છે. ચોરેલાં દાગીના તેણે છૂપાવી રાખેલાં, તે તમામ રીકવર કરી લેવાયાં છે. જો કે, બે લાખમાંથી દોઢ લાખ રૂપિયા મોજશોખમાં ઉડાડી ચૂક્યો છે.

Share it on
   

Recent News  
કંડલા OTB નજીક કોલસો ભરેલું વિશાળ જહાજ અન્ય શિપ સાથે ટકરાઈને જળસમાધિના આરે
 
કંડલામાં એ મજૂરનું મોત રોડ અકસ્માતમાં નહીં પણ ૩૦ ફૂટ ઉપરથી નીચે પડવાથી થયેલું
 
‘સિંઘમ સ્ટાઈલ’માં ખનિજ ચોરી પર રેઈડ કરવા નીકળેલાં IAS ખરેખર પથરાં ખાતાં બચ્યાં?