કચ્છખબરડૉટકોમ, આદિપુરઃ આદિપુરમાં માલગાડીના આગમનના કારણે પાંચ મિનિટ પૂરતું રેલવે ફાટક બંધ થતાં ત્રણ યુવકે પિત્તો ગૂમાવીને ફાટકમેનને ધોકા અને મુઢ માર મારીને ઘાયલ કર્યો છે. બનાવ અંગે ગાંધીધામ રેલવે પોલીસે અજાણી ત્રિપુટી વિરુધ્ધ ફરજમાં રૂકાવટ, મારામારી સહિતની કલમો તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આદિપુર રેલવે સ્ટેશન નજીક અંજાર તરફ જતી રેલવે લાઈન પર પાંચ નંબરનું ફાટક આવેલું છે. ગત રાત્રે રેલવે લાઈન પરથી ગુડ્ઝ ટ્રેન પસાર થવાની હોઈ ફાટકમેન સૂરજકુમાર કુશ્વાહે ૨૧.૪૫ વાગ્યે ફાટક બંધ કર્યું હતું.
ફાટક બંધ થતાં એક યુવકે કેબિનમાં આવીને સૂરજકુમારને ફાટક ખોલી દેવાનું કહીને ધાક-ધમકી કરવા માંડ્યો હતો. ‘તું અહીં જ ઊભો રહેજે હું થોડીવારમાં પાછો આવું છું’ કહીને તે જતો રહેલો.
માલગાડી પસાર થયા બાદ ૨૧.૫૦ કલાકે સૂરજકુમારે ફાટક ખોલી દીધું હતું. દરમિયાન, દસ મિનિટ બાદ પેલો યુવક બીજા બે સાગરીત સાથે ફરી આવ્યો હતો. તેના હાથમાં ધોકો હતો. ત્રણે જણે સૂરજકુમારને માર માર્યો હતો. હુમલાને જોઈને ફાટક પરથી પસાર થતાં રાહદારીઓ કેબિન પાસે આવતાં ત્રણે જણ જતાં રહ્યાં હતાં. સૂરજકુમારને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો.
Share it on
|