click here to go to advertiser's link
Visitors :  
06-Sep-2026, Sunday
Home -> Gandhidham -> Pharmacist booked under NDPS Act in Adipur SOG captures drugs worth Rs 11 lakhs
Sunday, 06-Sep-2026 - Gandhidham 1304 views
આદિપુરઃ ગામને નશીલી દવાના રવાડે ચઢાવનારો ‘ચાયવાલા ફાર્માસિસ્ટ’ અંતે NDPSમાં ફીટ
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ફાર્માસિસ્ટ હોવાના પ્રમાણપત્ર પર ગાંધીધામ આદિપુરના યુવાધનને નશીલી દવાઓના રવાડે ચઢાવનારા યુવકને SOGએ પૂરતી તૈયારી સાથે ત્રાટકીને રંગેહાથ ઝડપી પાડ્યો છે. હેમાંગ ગોકલાણી નામના આ યુવકે ગાંધીધામ નગરપાલિકા પાસે અગ્રસેન ભવન સામે ‘મૈત્રી અમૃતતુલ્ય ચાય’ની ફ્રેન્ચાઈઝી શરૂ કરીને ચા-કોફીની આડમાં દારૂ, બિયર અને નશીલી દવાઓ વેચવાનું શરૂ કરેલું.
અઢી મહિના અગાઉ પકડાયેલો પણ..

બાતમીના આધારે બોર્ડર રેન્જ આઈજીની ક્રાઈમ બોર્ડર-2ની ટીમે ગત ૧૯ જૂનની સાંજે તેની ચાય શોપ પર દરોડો પાડેલો. ચાય શોપમાંથી પોલીસે ૯ હજારની કિંમતના ૭૨ નંગ બિયર ટીન, વોડકાના ૭ ક્વાર્ટરિયા, વિવિધ નશાકારક ટેબ્લેટ્સ અને સિરપની શીશીઓનો જથ્થો જપ્ત કરેલો. અગમ્ય કારણોસર પોલીસે તેની વિરુધ્ધ કેવળ દારૂબંધીની ધારાઓ તળે ગાંધીધામ એ ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરેલી.

હવે SOGએ લાખ્ખોની દવાઓ સાથે પકડ્યો

એક વખત દરોડો પડવા છતાં હેમાંગ ઊર્ફે રામ પ્રવિણકુમાર ગોકલાણી (ઉ.વ. ૨૬, રહે. ધ વિલા સોસાયટી, શિણાય) સુધર્યો નહોતો. હેમાંગ એક્ટિવાની ડીકીમાં નશાકારક દવાઓ રાખીને તે ગ્રાહકોને છૂટક વેચાણ કરતો હોવાની બાતમીના આધારે ગત સાંજે SOGએ ડ્રગ ઈન્સ્પેક્ટરને સાથે રાખી તોલાણી કોલેજ પાછળ, મીડ ટાઉન હોટેલ પાસેથી તેને ઝડપી પાડ્યો હતો. હેમાંગના કબજામાંથી કોડેઈન કફ સિરપની ૪૨ હજારની ૩૬ શીશી અને ટ્રામાડોલ/નાઈટ્રાઝેપામની ૧૦.૯૮ લાખના મૂલ્યની ૫૩૨ નંગ ટેબ્લેટ મળી આવી હતી.

ફાર્માસિસ્ટને નશીલી દવા રાખવાની મંજૂરી નથી મળી જતી

હેમાંગ ગુજરાત ફાર્મસી કાઊન્સિલમાં રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ છે. SOG પીઆઈ બી.વી. બોરીસાગરને તેણે આદિપુરની મારુતિ મેડિસીન નામની કેમિસ્ટ શોપનો ઈન્ટિમેશન લેટર બતાવ્યો હતો. જો કે, આ લેટરમાં તેનું નામ નથી.

ફાર્મસી કાઊન્સિલમાં રજિસ્ટ્રેશન થવા માત્રથી કોઈ વ્યક્તિને આવી નશીલી દવા રાખવાની મંજૂરી મળી જતી નથી. તેના માટે ડ્રગ્ઝ કંટ્રોલ ઑથોરિટીમાંથી નિયત લાયન્સ મેળવવું જરૂરી છે. આરોપી પાસે આવું કોઈ લાયસન્સ નથી.

જપ્ત થયેલી દવાઓમાં નશો કરાવે તેવા ઘટક તત્વો હોઈ પોલીસ NDPS Act તળે કાયદેસર કાર્યવાહી કરી શકે છે તેવા ડ્રગ ઈન્સ્પેક્ટર અને FSL નિષ્ણાતના અભિપ્રાયના આધારે હેમાંગ સામે આદિપુર પોલીસ મથકે NDPS Actની કલમ ૮ (c) અને ૨૨ (b) તળે સરકાર તરફે ગુનો નોંધી તેની અંગજડતીમાંથી મળેલાં ૨૧૦૦ રોકડાં રૂપિયા, ૫૦ હજારનું વાહન, મોબાઈલ ફોન વગેરે મળી ૧૧.૯૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

અઢી માસ અગાઉ આ જ હેમાંગની ચાય શોપમાં દરોડા સમયે પોલીસે દારૂ બિયર સાથે આ જ પ્રકારની નશીલી દવાઓ જપ્ત કરેલી. ત્યારે, પોલીસે શા માટે તેની સામે પ્રોહિબિશનની સાથોસાથ  NDPS Act તળે ગુનો દાખલ નહોતો કર્યો તેવો સવાલ સહજપણે સર્જાય છે.
Share it on
   

Recent News  
અંજારઃ યુવકના શરીરના બે ટુકડાં કરી, બે કોથળામાં લાશ પેક કરી તળાવમાં ફેંકી દેવાઈ
 
મુંદરા કસ્ટમે જેને સૂત્રધાર ગણ્યો તેને ATSએ સાક્ષી બનાવ્યો! અંતે જામીન અરજી રદ્દ
 
કરોડોની ઠગાઈના ગુનામાં કચ્છ ભાજપના આગેવાન જીતેન ઠક્કરની ધરપકડનો માર્ગ મોકળો