કચ્છખબરડૉટકોમ, ભુજઃ આગામી દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારોમાં રેલ પ્રવાસીઓની માંગણી અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ગાંધીધામ અને ભાવનગરથી બે વિશેષ સાપ્તાહિક ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. પ. રેલવે દ્વારા ગાંધીધામથી કોલકતાના સિયાલદહ અને ભાવનગરથી દિલ્લીના શકૂર બસ્તી વચ્ચે વિશેષ ભાડા સાથે વિશેષ ટ્રેનો દોડાવાશે. બુધવાર ૧૭ સપ્ટેમ્બરથી ૮ ઓક્ટોબર દરમિયાન ગાંધીધામથી બંગાળના સેન્ટ્રલ કોલકતાના સિયાલદહને જોડતી ટ્રેનનો પ્રારંભ થશે. 09437 નંબરની આ ટ્રેન ગાંધીધામથી દર બુધવારે સાંજે ૧૮.૨૫ કલાકે ઉપડીને ત્રીજા દિવસે સાંજે ૧૬.૧૫ કલાકે સિયાલદહ પહોંચશે. વળતી ટ્રીપમાં આ ટ્રેન દર શનિવારે પરોઢે ૫.૧૫ કલાકે ઉપડીને ત્રીજા દિવસે રાત્રે બે વાગ્યે ગાંધીધામ પહોંચશે.
આ વિશેષ ટ્રેન આવાગામન સમયે સામખિયાળી, ધ્રાંગધ્રા, અમદાવાદ અને વડોદરાના છાયાપુરી રેલવે સ્ટેશને થોભશે. ત્યારબાદ મધ્યપ્રદેશના રતલામ, રાજસ્થાનના ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, ગંગાપુર સીટી, બયાના, ઉત્તરપ્રદેશના ઈદગાહ, ટૂંડલા, કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ, મિર્ઝાપુર, પંડિત દિનદયાલ ઉપાધ્યાય, બિહારના ભભુઆ રોડ, સાસારામ, ડેહરી ઓનસોન, અનુગ્રહ નારાયણ રોડ, ગયા, ઝારખંડના કોડરમા, હઝારીબાગ, પારસનાથ, એનએસી બોઝ ગોમો, ધનબાદ અને પશ્ચિમ બંગાળના આસનસોલ, દુર્ગાપુર, બર્ધમાન રેલવે સ્ટેશન પર સ્ટોપ કરશે.
ટ્રેનમાં સેકન્ડ અને થર્ડ એસી સ્લીપર તથા જનરલ કોચ હશે.
Share it on
|