કચ્છખબરડૉટકોમ, ભુજઃ આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિના પ્રારંભનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ખેલૈયાઓ નવા નવા સ્ટેપ્સની પ્રેક્ટિસથી લઈ ડ્રેસીસના મેચીંગની એક્સેસરીઝની તૈયારીઓને અંતિમ ઓપ આપી રહ્યાં છે. આ વખતે કચ્છના ખેલૈયાઓ માટે ભુજ નજીક લાખોંદ ટોલનાકા પાસે ટાઈમ્સ સ્ક્વેરમાં શિવાલિકા ગૃપે મસમોટાં ખર્ચે ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કર્યું છે. વિશાળ પરિસરમાં મંદિરો સાથે ભક્તિમય વાતાવરણ
અંદાજે સાડા ચાર એકરના વિશાળ મેદાનમાં ભક્તિમય વાતાવરણ સર્જવા માટે પ્રવેશદ્વાર પર જ મા આશાપુરાનું મંદિર બનાવાયું છે. તો, દુર્ગા માતાના નવ સ્વરુપ સાથેના નવ મંદિરો આદ્યાત્મિક આકર્ષણરૂપ બની રહેશે.
પ્રાંગણમાં પ્રવેશ સાથે જ સૌનું કુમકુમ તિલક કરી સ્વાગત કરાશે. દરરોજ હવન થતો રહેશે.
મૂળ કચ્છી એવા બોલિવુડની પ્રખ્યાત હનીફ અસલમની બેલડીના તાલે ઈન્ડિયન આઈડોલ ફિનાલેના ગાયકો ખેલૈયાઓની રેડ કાર્પેટ પર ગરબે ઘૂમવાની હોંશ વધારશે. સુરક્ષા માટે ઠેર ઠેર ૪૦ બાઉન્સર્સ તૈનાત હશે. વીઆઈપી પાર્કિંગ, મલ્ટિ ક્વીઝીન ફૂડ સ્ટોલની સુવિધા સાથે રોજેરોજ ૨૦ ખેલૈયાઓને પુરસ્કાર આપીને હોંશ વધારવામાં આવશે.
ચોક્કસ આયોજન અંગે ચર્ચાઓ નિરર્થકઃ પૂર્વ VHP અગ્રણી
પહેલીવાર મોટાપાયે આયોજીત થનારી આ નવરાત્રિને લઈને કચ્છના ખેલૈયાઓમાં ભારે ઉત્સુક્તા પ્રવર્તી રહી છે. બીજી તરફ, આદ્યશક્તિની આરાધનાના આ પર્વના થઈ રહેલા વ્યાવસાયીકરણનો મુદ્દો પણ ચર્ચાની એરણે ચઢ્યો છે. વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ હોદ્દેદાર વૈભવ સંઘવી તેમનો મત દર્શાવતા કહે છે કે ‘મોટાભાગના ધાર્મિક પર્વો કે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાતાં હોય છે તેનું વ્યાવસાયીકરણ થઈ ગયેલું છે. કચ્છમાં પણ અનેક સ્થળે કૉમર્સિયલ નવરાત્રિ મહોત્સવ યોજાઈ રહ્યા છે ત્યારે કોઈ ચોક્કસ આયોજનને લઈને થઈ રહેલી ચર્ચાઓ નિરર્થક છે. બાકી, કચ્છની કોમી એકતા બેમિસાલ છે. આજે પણ માતાના મઢમાં મુસ્લિમ લંગા નોબત વગાડે છે અને નવરાત્રિમાં વપરાતાં ગરબા અને કોડિયાં પણ મોટાભાગના મુસ્લિમ કુંભારો જ તૈયાર કરે છે’
Share it on
|