click here to go to advertiser's link
Visitors :  
29-Jul-2026, Wednesday
Home -> Bhuj -> Luni Land Scam Bhuj Court rejects to grant anticipatory bail to key accused
Wednesday, 29-Jul-2026 - Bhuj 772 views
ફેક દસ્તાવેજ પર જમીન હડપ કરવા કાવતરું ઘડનારા સૂત્રધારની ધરપકડનો માર્ગ મોકળો
કચ્છખબરડૉટકોમ, ભુજઃ મુંદરાના લુણી ગામે આવેલી કરોડોના મૂલ્યની ખેતીની કિંમતી જમીનના બોગસ સાટા કરાર બનાવી બીજાને બારોબાર વેચી મારવાની પેરવી કરી કૌભાંડ આચરવાના ગુનાના સૂત્રધારની આગોતરા જામીન અરજી ભુજ સેશન્સ કૉર્ટે ફગાવી દીધી છે. ગત ૨૨ મેના રોજ કૌભાંડના સૂત્રધાર એવા નિરોણા ગામના નીતિન ઉમરશી ભાનુશાલી, હિમાંશુ મકવાણા અને પોતાને નોટરીની કચેરીનો સ્ટાફ ગણાવનાર યોગેશ આયડી નામના શખ્સ સામે મુંદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
૧૭.૪૨ કરોડની જમીન પચાવવાનો કારસો

મુંબઈ સ્થાયી થયેલા ૬૬ વર્ષિય ફરિયાદી પ્રફુલ નરશીભાઈ શાહે ફરિયાદમાં જણાવેલું કે લુણીમાં તેમના તથા તેમના બે ભાઈ અને એક ભત્રીજાના નામે વિવિધ સર્વે નંબરની સંયુક્ત માલિકીના ખેતરો છે. મુંદરાના જમીન દલાલ હિમાંશુ અને નીતિને ફરિયાદીનો ફોન પર સંપર્ક કરીને આ જમીનો ૧૭.૪૨ કરોડમાં વેચાણ સોદો નક્કી કર્યો હતો.

વાતચીત મુજબ ૧૫-૧૨-૨૦૨૫ના રોજ નીતિન, હિમાંશુ અને યોગેશ ત્રણે મુંબઈ ગયેલા અને ૧૨ લાખ રૂપિયા ટોકન આપીને સાટા કરારમાં ફરિયાદી તથા તેમના ભાઈ ભત્રીજાઓની સહીઓ મેળવી લીધી હતી.

સાટા કરાર મુજબ નાણાં ચૂકવવા વારંવાર માંગણી કરાતાં આરોપીઓએ ટુકડે ટુકડે વધુ ૫૫ લાખ રૂપિયા આપેલાં. આરોપીઓ વેચાણની નક્કી થયેલી મૂળ રકમ આપતાં નહોતા. એટલું જ નહીં તેમણે આપેલા ત્રણ ચેક બાઉન્સ થયેલાં.

આરોપીઓએ સાટા કરારના બે પાનાં બદલીને, ફરિયાદી તથા તેમના ભાઈઓ ભત્રીજાની નકલી સહીઓ, નોટરીના ખોટા સિક્કા મારીને આ ખેતરોના ઓછાં ભાવે અન્યો સાથે સાટા કરાર બનાવેલાં.

એટલું જ નહીં, ફરિયાદી સહિતના લોકો સામે મુંદરા કોર્ટમાં ખોટા આરોપ સાથે દિવાની દાવો દાખલ કરેલો. આ ગુનાના એક આરોપી હિમાંશુ મકવાણીની ધરપકડ થઈ ચૂકી છે અને હાલ તે જામીન પર બહાર છે.

છઠ્ઠા અધિક સેશન્સ જજ વી.એ. બુધ્ધે ગુનાની તપાસ નાજૂક તબક્કે હોવાનું અને પ્રથમદર્શનીય રીતે ગુનો બન્યો હોવાનું જણાતું હોવાનું કહીને ધરપકડથી નાસતાં ફરતાં સૂત્રધાર નીતિન ભાનુશાલીની આગોતરા જામીન અરજી રીજેક્ટ કરી દીધી છે.

આ કેસમાં સરકાર તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજા અને મૂળ ફરિયાદી તરફે એડવોકેટ કુલદીપ જે. મહેતાએ દલીલો કરી હતી.

Share it on
   

Recent News  
દલિતો વિશે અપશબ્દો બોલનારને માર મારી, કપડાં ફાડી જૂતાંનો હાર પહેરાવી સરઘસ કઢાયું
 
૨.૧૦ કરોડનું હેરોઈન લઈ ભુજમાં વેચવા આવેલા પાંચ પંજાબી યુવકોને ૧૦ વર્ષની જેલ
 
ગાંધીધામના પત્રકારે ૨૦ લાખ માગી બદનક્ષીકારક લખાણ પ્રગટ કર્યાની બિઝનેસમેનની FIR