|
કચ્છખબરડૉટકોમ, લાકડીયાઃ લાકડીયા પોલીસ મથકની હદમાં આવતા પીપરાપાટી ગામે એક વર્ષ અગાઉ થયેલાં વાહન અકસ્માતના મામલે સર્જાયેલી અદાવતમાં બે પરિવારના છ લોકો વચ્ચે લાકડીઓ અને ધારિયાથી હિંસક બબાલ થઈ છે. ઉશ્કેરાયેલાં એક શખ્સે ટ્રેલર ચાલુ કરીને એક યુવકના બેઉ પગ કચડી નાખી મારી નાખવાનો પ્રયાસ કર્યો છે. શુક્રવારે સવારે સાત વાગ્યે પીપરાપાટી ગામે હિંસક અથડામણનો બનાવ બન્યો હતો. એક વર્ષ જૂના બનાવે સર્જાયું ધિંગાણું
અહીં રહેતો પ્રેમજી ઊર્ફે પ્રવિણ ગેલા મકવાણા (કોલી) શેઠનું ટેન્કર લઈને નીકળેલો. તે સમયે રસ્તામાં જશવંત વીરાભાઈ કોલીની બોલેરો કેમ્પર ગાડી પડેલી. બોલેરોને બચાવવા જતાં ટેન્કર પલટી મારી ગયેલું. તે સમયે પ્રવિણે ઉશ્કેરાઈને જશવંતને માર માર્યો હતો. બનાવ બાદ બેઉ પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયેલું પરંતુ પ્રવિણ ગામમાં બધાને પોતે જશવંતને સરખો કૂટ્યો હોવાનું કહેતો ફરતો હોવાનું ધ્યાને આવતા જશવંતનો મિજાજ ગયો હતો.
ગુરુવારે રાત્રે જશવંતે આ મામલે પ્રવિણના ઘરે જઈને બોલાચાલી કરી હતી. આ મુદ્દે બીજા દિવસે સવારે સાત વાગ્યે બેઉ પક્ષ વચ્ચે સામસામી લાકડીઓ અને ધારિયા ઉછળ્યાં હતા.
પ્રવિણે જશવંતને માથામાં ધારિયું મારી દેતાં તે ઢળી પડ્યો હતો. પ્રવિણ સાથે આવેલા તેના મોટા ભાઈ લાલજી અને પ્રવિણના અજાણ્યા મિત્રએ લાકડીઓ વડે જશવંતના ભાઈ મહેન્દ્ર કોલી અને મહેન્દ્રના પુત્ર જીતેન્દ્રને પણ લાકડીઓ ધારિયાથી ઈજા પહોંચી હતી.
જશવંતના બેઉ પગ પર ટ્રેલર ચડાવી કચડી નાખ્યાં
ઉશ્કેરાયેલાં પ્રવિણે ટ્રેલર ચાલું કરીને જશવંત પર ચડાવી દેતાં તેના બેઉ પગ કચડાઈ ગયાં હતા. હાલ તે બેહોશ અને ગંભીર હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સામા પક્ષે, પ્રવિણના પિતાએ જશવંત, તેના ભાઈ મહેન્દ્ર અને જીતેન્દ્રએ પોતાના પુત્ર પ્રવિણ, લાલજી અને પ્રવિણના મિત્ર પર લાકડીઓ વડે હુમલો કરી પ્રવિણને ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે પ્રવિણ એક હત્યા કેસ અને હત્યાના પ્રયાસના અન્ય એક કેસનો આરોપી છે. લાકડીયા પીઆઈ જે.એમ. જાડેજાએ તપાસ હાથ ધરી છે.
Share it on
|