કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ દેશના નમક ઉત્પાદનમાં ગુજરાત અને તેમાં પણ કચ્છનો સિંહફાળો છે. ત્યારે, દેશના નમક ઉત્પાદકોના રાષ્ટ્રીય સંગઠન ‘ઈસ્મા’ના સંગઠનમાં કચ્છનો દબદબો યથાવત્ રહ્યો છે. ધી ઈન્ડિયન સૉલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ISMAની અમદાવાદમાં આવેલી મુખ્ય કચેરી ખાતે આયોજીત ૪૯મી વાર્ષિક સામાન્ય સભામાં હોદ્દેદારોની સર્વાનુમતે બિનહરીફ વરણી થઈ હતી. જાણો કોની કોની વરણી થઈ
સંસ્થાના ચેરમેન તરીકે નિરમાના આશિષ દેસાઈ, પ્રમુખ તરીકે સતત છઠ્ઠીવાર કચ્છના ભરત સી. રાવલ, ઉપ પ્રમુખ તરીકે શામજીભાઈ એસ. કાનગડ (કચ્છ) અને ઈબ્રાહિમ (સુલતાન) પટેલ (દક્ષિણ ગુજરાત), મંત્રી તરીકે પર્વિશ ધૃવ (જામનગર), સહમંત્રી પદે પ્રસન્ન ખેમકા (ભાવનગર) અને ખજાનચી તરીકે શામજીભાઈ તેજાભાઈ આહીર (કચ્છ)ની વરણી થઈ છે. મેનેજિંગ કમિટીના પાંચ સદસ્યોની વરણી પૈકી કચ્છના ત્રણ સદસ્યો રાકેશકુમાર જૈન, એન.ટી. રાયડુ અને જયંતી સોરઠીયાની વરણી થઈ છે.
૧૯૪૫થી કાર્યરત ઈસ્માના લક્ષ્યો આ છે
ઈસ્મા ૧૯૪૫થી કાર્યરત છે અને તેનું પ્રાથમિક લક્ષ્ય અગરિયાઓ પ્રત્યેની સામાજિક જવાબદારી અને મીઠા ઉદ્યોગને પર્યાવરણને અનુકૂળ બનાવવાના છે. આ સંગઠન અગરિયાના બાળકોને પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ અને આર્થિક મદદ પૂરી પાડતું રહ્યું છે. સંગઠને અપેક્ષા વ્યક્ત કરી છે તેજસ્વી છાત્રોને દરેક મીઠા ઉત્પાદક દત્તક લેશે. મીઠા ઉદ્યોગનો વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી અને સ્કીલ ડેવલોપમેન્ટ, સોલ્ટ કોન્ફરન્સ, એડિબલ સોલ્ટ, લીઝ મંજૂરી, રીન્યૂઅલ, ટ્રાન્સફર અને ટેક્સ વગેરે મુદ્દે ઈસ્મા આગામી દિવસોમાં કાર્યરત રહેશે.
ભરત રાવલ અને શામજીભાઈ કાનગડ સહિતના ઉદ્યોગકારોની સર્વાનુમતે વરણીથી નમક ઉત્પાદકોને નડતાં પ્રશ્નોના ઉકેલ અને ઉદ્યોગના વિકાસની દિશામાં નવા સોપાનો સર થવાની નમક ઉદ્યોગકારોમાં આશા સર્જાઈ છે.
Share it on
|