કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ રાપરના ત્રંબૌ ગામની સીમમાં ઘેટાં ચોરવાના ઈરાદે ગયેલાં ત્રણ શખ્સોએ વાડામાલિક જોડે માથાકૂટ કરીને કુહાડી અને પથ્થરમારામાં હત્યાના ૧૪ વર્ષ ૮ માસ બાદ કૉર્ટે એક આરોપીને પાંચ વર્ષની સખ્ત કેદ સાથે પાંચ હજાર દંડ ફટકાર્યો છે. કૉર્ટે હત્યા સહિતની કલમો મુજબ ગુનો સાબિત થતો ના હોવાનું જણાવીને આરોપીને ઈપીકો કલમ ૩૨૫ (સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા પહોંચાડવી) બદલ દોષી ઠેરવી સજા ફટકારી છે. ગુનામાં સામેલ સહઆરોપીને નિર્દોષ છોડી દીધો છે. ઘેટાં ચોરવા જતા માલધારી જાગી જતાં હુમલો થયેલો
૨૨-૦૧-૨૦૧૧ના રોજ રાત્રિના અઢી વાગ્યાના અરસામાં ત્રંબૌ ગામની સીમમાં દિનેશ લાધા પટેલના ભેડીયા નજીક આવેલા ભુંગા પાસે બનાવ બન્યો હતો.
આરોપી અમરસિંહ ઊર્ફે માયાભાઈ મોતીભાઈ કોલી (ઉ.વ. ૪૨), ડાયા વેરશી કોલી અને રામજી વેરશી કોલી ઘેટાં ચોરવાના ઈરાદે મધરાત્રે અઢી વાગ્યે બાઈક પર અમરાભાઈ કોલીના ભુંગા પર ગયેલાં.
અમરસિંહે કુહાડી વડે દરવાજો ખોલતાં તેના અવાજથી અમરાભાઈની પત્ની ડાહીબેન જાગી જઈને બહાર આવેલી. આરોપીઓએ ઘેટાં લેવા આવ્યા હોવાનું જણાવીને તેની પાસે ઘેટાં માગેલાં. વાતચીતના પગલે અમરાભાઈ પણ બહાર દોડી આવેલો.
અમરાએ ઘેટાં આપવાનો ઈન્કાર કરતા ઉશ્કેરાઈને અમરસિંહે તેના પર કુહાડીથી હુમલો કરેલો. ત્યારબાદ ત્રણે જણાં છૂટાં પથરાં ઝીંકી બાઈક પર નાસી ગયેલાં.
હુમલામાં અમરાને માથામાં ઈજા પહોંચી હતી અને થોડાંક કલાકો બાદ તેનું મૃત્યુ નીપજ્યું હતું.
હત્યાના બદલે મહાવ્યથાની કલમ હેઠળ સજા
આ ગુનામાં રાપર પોલીસે ત્રણે આરોપી સામે ઈપીકો કલમ ૩૦૨, ૩૯૪, ૩૯૭, ૩૩૭, ૩૪ હેઠળ ફરિયાદ નોંધી હતી. આજે ભચાઉના ત્રીજા અધિક સેશન્સ જજ અંદલીપ તિવારીએ પોલીસે લગાડેલી કલમો મુજબ ગુનો સાબિત થતો નથી તેમ જણાવી ઈપીકો કલમ ૩૨૫ હેઠળ મુખ્ય આરોપી અમરસિંહ સામે ગુનો સાબિત થતો હોવાનું જણાવીને તેને કેદ અને આર્થિક દંડ ફટકાર્યા છે.
હુમલા બાદ અમરાને પત્નીએ હોસ્પિટલે જવાની વાત કરેલી પરંતુ અમરાએ પત્નીને કહેલું કે ‘તે બરાબર છે અને સવારે દવાખાને જઈશું’ ત્યારબાદ તે સૂઈ ગયેલો અને મૃત્યુ નીપજ્યું હતું.
કૉર્ટે જણાવ્યું કે તે ઈજા તરત જ જીવલેણ કે અતિ જોખમી પ્રકારની નહોતી. આરોપીઓનો ઈરાદો હત્યા કરવાનો હતો કે નહીં તે સાબિત કરવા માટે કોઈ પુરાવો રજૂ થયો નથી. સહઆરોપી ડાયા કોલીનું ટ્રાયલ દરમિયાન નિધન થતાં તેની સામેનો કેસ પડતો મૂકાયો હતો અને રામજી કોલીને કૉર્ટે નિર્દોષ છોડી મૂક્યો છે. આ કેસમાં સરકાર પક્ષે એજીપી ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજાએ દલીલો કરી હતી.
માંડવીના હુમલા કેસમાં આરોપીને એક વર્ષની કેદ
માંડવીમાં નાસ્તાના પૈસાની માંગણી મુદ્દે થયેલી માથાકૂટમાં યુવક પર છરીથી હુમલો કરવાના કેસમાં આરોપીને માંડવીના અધિક ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ એમ.એસ. ગેલોદે એક વર્ષની સાદી કેદની સજા અને પાંચ હજારનો દંડ ફટકાર્યો છે.
હુમલાનો બનાવ ૩૦-૧૧-૨૦૧૮ની સવારે સાડા નવ વાગ્યે માંડવી કલવાણ રોડ પર વિનોદ અજીતસિંહ ચુડાસમાની નાસ્તાની દુકાને બન્યો હતો.
વિનોદની દુકાનેથી નાસ્તો કરીને આરોપી અબ્બાસ સુલેમાન પારા (રહે. રામેશ્વર ઝૂંપડપટ્ટી, માંડવી) ઊભો થતાં વિનોદે નાસ્તાના પૈસાની માંગણી કરેલી. જેથી અબ્બાસે આપણે મિત્રો છીએ, નાસ્તાના પૈસા ના હોય તેમ કહેલું. વિનોદે ફરી પૈસાની માંગણી કરતાં અબ્બાસે ઉશ્કેરાઈને છરી વડે તેના કપાળ અને હોઠના ભાગે ઘા મારી ગંભીર ઈજા પહોંચાડેલી.
આ ગુનામાં આજે કૉર્ટે આરોપીને અબ્બાસ પારાને ઈપીકો કલમ ૩૨૪ હેઠળ દોષી ઠેરવી ૧ વર્ષની સાદી કેદ અને પાંચ હજાર રૂપિયાનો દંડ તથા ઈપીકો કલમ ૩૨૩ હેઠળ ૬ માસની સાદી કેદ સાથે પાંચસો રુપિયાનો દંડ ફટકાર્યો છે.
આ કેસમાં મદદનીશ સરકારી વકીલ ડી.સી. ઠાકોરે દલીલો કરી હતી.
Share it on
|