કચ્છખબરડૉટકોમ, ભુજઃ આંખની પાંપણ પર થયેલી કેન્સરની નાનકડી ગાંઠને દૂર કરીને ભુજ જી.કે. જનરલ અદાણી હોસ્પિટલે અંજારના મખિયાણા ગામની વૃધ્ધ મહિલા દર્દીની દ્રષ્ટિને બચાવી લીધી છે. કેન્સરની આવી ગાંઠ અનેક લોકોમાં જોવા મળે છે . લોકો તેને હળવાશથી લે છે અને જો સમયસર તેનું નિદાન ઉપચાર ના કરાય તો વકરી શકે છે. તબીબી પરિભાષામાં આ ગાંઠ બેસલ સેલ કાર્સીનોમા (Basal Cell Carcinoma) તરીકે ઓળખાય છે. આ એક પ્રકારનું ચામડીનું કેન્સર છે.
આ ગાંઠ ચામડીની ઉપલી સપાટી (Epidermis) પર ઉદભવતી હોય છે. સ્કીન કેન્સરના એંસી ટકા દર્દીઓમાં આ કેન્સર જોવા મળે છે એટલે કે તે બહુ કૉમન છે.
ગાંઠ થવાનું કારણ અને લક્ષણો
આ સ્કીન કેન્સર થવાનું મુખ્ય કારણ સૂર્ય કિરણોમાંથી નીકળતાં પારદર્શી કિરણો - અલ્ટ્રાવાયોલેટ UV રેઝ છે. જે લોકો સતત સૂર્યપ્રકાશમાં રહેતા હોય તેમનામાં આ કેન્સર થવાની શક્યતા વિશેષ રહે છે. શરૂઆત ચામડી પર નાનકડી મોતીના દાણાં જેવી માંસલ (ભરાવદાર) ચમકતી કે ચળકતી ગાંઠથી થાય છે. આ દાણાં જેવી ગાંઠ ગુલાબી કે શ્યામરંગી હોય છે.
આ ગાંઠથી કોઈ પીડા થતી નથી અને તે અતિશય ધીમી ગતિએ આકારમાં વૃધ્ધિ પામે છે. જેથી, મોટાભાગના લોકો તેને હળવાશથી લઈ નિશ્ચિંત રહે છે.
ક્યારેક તે દાણાં જેવી ગાંઠના બદલે ફૂટી ગયેલી ફોડલીના જખમ (Open soar) જેવી પણ હોય છે. આ સ્કીન કેન્સર શરીરમાં બીજે ક્યાંય પ્રસરતું નથી. એકવાર તે સર્જરીથી દૂર કરી દેવાય તો દર્દી કેન્સરમુક્ત થઈ જાય છે. જો કે, ક્યારેક કેટલાંક દર્દીઓમાં સર્જરી બાદ આવી કેન્સર ગાંઠ ફરી પેદા થતી હોય (Recurrence) છે.
આ અંગો પર સવિશેષ જોવા મળે છે
મોઢું, ગળું, કાન, નાક, આંખની પાંપણ વગેરે અંગો કે જે સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતા હોય છે ત્યાં આવી ગાંઠ ખાસ જોવા મળે છે. આંખની પાંપણ પર આ ગાંઠ થાય અને તે વૃધ્ધિ પામે ત્યારપછી ધીમે ધીમે આંખમાંથી ખૂબ પાણી નીકળવું (Epiphora), પાંપણના વાળ ખરવા (Madarosis) જેવી સમસ્યા શરૂ થાય છે. મોટાભાગે તે આંખની નીચેની પાંપણ (Lower Eye Lid) પર જોવા મળે છે. જો સમયસર ઉપચાર ના થાય તો ગાંઠ વકરીને આંખની દ્રષ્ટિને પણ નુકસાન પહોંચાડી શકે છે. ચહેરાની સુંદરતા (Facial Asymatry) બગડે છે.
જી.કે.ના વિવિધ તબીબોની ટીમે જહેમત ઉઠાવી
મખિયાણાના સભીબેન રબારીની પાંપણ પરની ગાંઠ વકરી ગઈ હતી. જી.કે. જનરલમાં કાર્યરત સિનિયર આઈ સર્જન ડૉ. અતુલ મોડેસરા તેમની પાંપણ જોઈને જ પામી ગયાં હતા કે કેસ બેસલ સેલ કાર્સીનોમાનો છે. તેમણે ઓપરેશન કરી તેને દૂર કરી.
ગાંઠ દૂર થયા પછી પ્લાસ્ટિક સર્જન ડૉ. મહાલક્ષ્મી પિલ્લઈએ પાંપણ બંધ થવાની અને ખોલવાની પ્રક્રિયા યથાવત બની રહે એ માટે કપાળમાંથી સ્કીનનો ભાગ લઈ ઓપરેશનની જગ્યાએ સ્કીનનો ભાગ લઈ પ્લાસ્ટિક સર્જરી કરી દેતા પાંપણ યથાવત્ થઈ ગઈ.
રેડિયોલોજી વિભાગની ટીમે જરૂરી પરીક્ષણ તેમજ પેથોલોજી વિભાગની સમયસરની કામગીરીને કારણે ઓપરેશનને સંપૂર્ણ સફળતા મળી. સર્જરીમાં આંખ વિભાગના ડૉ. નૌરિન મેમણ, ડૉ. વૃંદા ગોગદાણી, ડૉ. ચિંતન ચૌધરી, ડૉ. ધ્રુવી શાહ ડૉ. હાર્દિક સુથાર, ડૉ. હેત્વી શાહ અને નર્સિંગ સ્ટાફની જહેમત સરાહનીય રહી હતી.
(With inputs from GKGH press brief)
Share it on
|