કચ્છખબરડૉટકોમ, સામખિયાળીઃ કચ્છમાં ગાડાવાટથી બદતર બની ગયેલાં વિવિધ નેશનલ હાઈવેની દુર્દશા સામે હાઈવે ઑથોરીટીની નિષ્ક્રિયતાથી કંટાળી ટ્રાન્સપોર્ટરોએ છેડેલા સત્યાગ્રહનું સુખદ સમાધાન આવ્યું છે. નેશનલ હાઈવે ઑથોરીટીએ આગામી બે દિવસની અંદર તમામ જર્જરીત રોડ પર પડેલાં ખાડાં પૂરી દઈને પેચવર્ક કરવાની ખાતરી આપી સોમવાર મધરાત્રિ સુધી ચાર ટોલ નાકા પરથી પસાર થતાં કોમર્સિયલ ગુડ્ઝ વાહનો પાસેથી ટોલ નહીં વસૂલવાનો નિર્ણય લેવાયો છે. ડમ્પર એસોસિએશનના પ્રમુખ શિવજીભાઈ આહીરે જણાવ્યું કે પેચવર્ક પૂરું ના થાય ત્યાં સુધી ૧૫ સપ્ટેમ્બર રાત્રિના ૧૨ વાગ્યા સુધી સૂરજબારી, સામખિયાળી, માખેલ અને મોખા ટોલનાકાઓ પરથી પસાર થતાં ટ્રક, ટેન્કરો જેવા કોમર્સિયલ ગુડ્ઝ વાહનો પાસેથી ટોલની વસૂલાત કરવામાં નહીં આવે.
નો રોડ નો ટોલના સૂત્ર સાથે કચ્છના ટ્રાન્સપોર્ટરોએ ગઈકાલ સવારથી સત્યાગ્રહ છેડતાં કચ્છના સૂરજબારી ટોલનાકા અને મોખા ટોલનાકા સહિતના માર્ગો અને હાઈવે હોટલો પર હજારો ટ્રકોના થપ્પા લાગી ગયાં છે.
બંદરો પરની કામગીરી પણ પ્રભાવિત થવા માંડી છે. ટ્રાન્સપોર્ટરોની સતત રજૂઆત છતાં નેશનલ હાઈવે ઑથરોટી ઠાલાં વચનો આપવા સિવાય કશું કરતી નહોતી. જો કે, સત્યાગ્રહના પગલે મોડી રાત્રે નેશનલ હાઈવે ઑથોરીટીના રિજનલ ઑફિસર સુશીલ યાદવ કચ્છ દોડી આવ્યાં હતા.
અન્ય ટોલનાકા મુદ્દે સોમવારે યોજાશે બેઠક
મધરાત્રે બે વાગ્યે યાદવે સામખિયાળી ખાતે ટ્રાન્સપોર્ટરો સાથે બેઠક યોજી હતી. ટ્રાન્સપોર્ટરો તેમની માંગણી પર મક્કમ રહ્યાં હતા. તેમની માંગણી સંદર્ભે યાદવે દિલ્હીમાં ઉચ્ચ સ્તરે ચર્ચા વિચારણા કરી સવારે પ્રત્યુત્તર આપવાનું જણાવેલું. આજે સવારે ફરી સુશીલ યાદવ, કચ્છ કલેક્ટર આનંદ પટેલ, પૂર્વ કચ્છ પોલીસ અધીક્ષક સાગર બાગમાર અને ડમ્પર એસોસિએશન, કન્ટેઈનર એસોસિએશન, ટેન્કર એસોસિએશન, રતનાલ ટ્રક ઓનર એસોસિએશનના પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી. જેમાં ૧૫ સપ્ટેમ્બરની મધરાત્રિ સુધીમાં પેચવર્ક કરી દેવાની અને ત્યાં સુધી વાહનો ટોલ ફ્રી કરવાનો નિર્ણય લેવાયો હોવાનું ડમ્પર એસોસિએશનના પ્રમુખ શિવજીભાઈ આહીરે જણાવ્યું છે. આહીરે ઉમેર્યું કે ભીરંડિયારા, દેશલપર પાસે આવેલા ટોલનાકા NHAIના સબ ડિવિઝનમાં આવે છે. આ ટોલનાકાઓ ફ્રી રાખવા મુદ્દે સોમવારે કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં અંતિમ નિર્ણય લેવાશે.
ટ્રાફિક ક્લિયર કરાવવો જરૂરીઃ કલેક્ટર
બેઠકમાં હાજર કલેક્ટર આનંદ પટેલે કચ્છખબરને જણાવ્યું કે માર્ગો પર ઠેર ઠેર હજારો ટ્રકોની કતારો લાગી ગઈ છે. બંને પોર્ટ પર પણ લોડીંગ અન લોડીંગમાં સેંકડો વાહનો છે. ત્યારે, સૌપ્રથમ આ ટ્રાફિક ક્લિયર કરાવવો અનિવાર્ય છે. જે અનુલક્ષીને હાલપૂરતું જર્જરીત હાઈવે પર તત્કાળ ધોરણે પેચવર્ક કરાવવાનો નિર્ણય લેવાયો છે. જ્યાં માર્ગોની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે ત્યાં આગામી પંદર દિવસની અંદર માર્ગ સુધારણા કરી દેવાશે તેવું નક્કી કરાયું છે.
સત્યાગ્રહ છેડનારા ટ્રાન્સપોર્ટર એસોસિએશનોએ આ નિર્ણયને ઐતિહાસિક સફળતા ગણાવી તત્કાળ અસરથી આંદોલન પરત ખેંચી લીધું છે.
બેઠકમાં કન્ટેનર એસોસિએશનના મંત્રી ભગીરથસિંહ, ટેન્કર એસોસિએશનના પ્રમુખ શામજી આહીર, રતનાલ ટ્રક વેલ્ફેર ફાઉન્ડેશનના પ્રમુખ રાજેશ છાંગા વગેરે જોડાયાં હતા.
Share it on
|