click here to go to advertiser's link
Visitors :  
17-Jul-2026, Friday
Home -> Gandhidham -> Nephew Accuses Uncle and Accomplice of Forgery in Varsamedi Land Dispute
Thursday, 16-Jul-2026 - Aadipur 1023 views
વરસામેડીના જમીન મામલામાં હવે ભત્રીજાએ કાકા સહિત બે સામે ફોર્જરીની નોંધાવી ફરિયાદ
કચ્છખબરડૉટકોમ, આદિપુરઃ અંજારના વરસામેડીમાં ભત્રીજાઓની માલિકીની જમીનના ડખામાં કાકા સહિત બે જણ સામે આદિપુર પોલીસ મથકે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. આદિપુરમાં રહેતા હિતેશ મહેન્દ્ર રૂપારેલ (ઠક્કર)એ કાવતરું રચીને, ખોટો સાટા કરાર ઊભો કરવા બદલ કાકા જયચંદ રમણિકલાલ ઊર્ફે મંગલજી રૂપારેલ અને ભુજના ઈશ્વર ટી. દાદલાણી સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી હિતેશે જણાવ્યું કે તેના પિતા વરસામેડીમાં સર્વે નંબર ૫૧૨/૧ અને ૫૧૨/૧/૧વાળી સ્વમાલિકીની જમીન ધરાવતા હતા. તેમના મૃત્યુ બાદ ફરિયાદી સહિતના ત્રણ ભાઈ અને બેનના નામે જમીનની વારસાઈ થયેલી.

નવેમ્બર ૨૦૨૧માં આ જમીન સહુએ લીલાવંતીબેન ઊર્ફે રેખાબેન શિવશંકર રવજી રાજગોર તે રામજી રાજગોરના પત્નીને અનુક્રમે ૨૪ લાખ અને ૫.૧૦ કરોડમાં વેચાણ કરેલી.

જમીન વેચાણ અગાઉ ફરિયાદી કે અન્ય કોઈ વારસદારોએ કદી કોઈને આ જમીન વેચાણ અંગેના સાટા કરાર લખી આપ્યાં નહોતા.

રૂપિયા પડાવવા કાકાના કાવાદાવાનો આરોપ 

જમીન વેચાણ બાદ ફરિયાદીના કાકા જયચંદ રમણિકલાલ ઊર્ફે મંગલજી રૂપારેલ, ત્રિકમભાઈ રમણિકલાલ, નરેન્દ્ર ઊર્ફે રમેશ રમણિકલાલ, નવીન રમણિકલાલે જમીન અંગે ખોટી અરજીઓ, વાંધા અરજીઓ કરવાનું શરૂ કરીને તથા જમીન ખરીદનારની બદનામી થાય તેવા સમાચારો છપાવી, વોટસએપ ગૃપોમાં વાયરલ કરાવીને, કાકાઓએ જમીન ખરીદનાર લીલાવંતીબેનના પુત્ર મેહુલ રામજીભાઈ નાકર પાસેથી પચાસ લાખ રૂપિયા પડાવેલાં. એટલું જ નહીં, વધુ દસ કરોડની માંગણી કરેલી. આ અંગે હાઈકૉર્ટે ફરિયાદ નોંધાવવા હુકમ કરતાં મેહુલ નાકરે ૩જી ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ચારે સામે ખંડણી સહિતની ગંભીર ધારાઓ તળે ફરિયાદ નોંધાવી હતી.

ખંડણીની ફરિયાદ બાદ બોગસ સાટા કરાર રજૂ કર્યો

આ ફરિયાદ દાખલ થયા બાદ માર્ચ માસમાં જયચંદે ભુજના ઈશ્વર દાદલાણી સાથે મળીને કાવતરું રચીને ભુજના સ્ટેમ્પ ડ્યુટી અધિકારી સમક્ષ ઉપરોક્ત જમીન અંગે છેકછાક સાથેની સહીઓવાળા ખોટા સાટા કરારની નકલ સાથે અરજી કરેલી. જે અન્વયે ફરિયાદી હિતેશને સરકારી કચેરીમાંથી ખુલાસો પાઠવવા જાણ કરાયેલી.

દરમિયાન, વારંવાર રજૂઆતો છતાં બેઉ જણ સ્ટેમ્પ ડ્યુટી અધિકારીને સાટા કરારની ખરી નકલ આપી શક્યા નહોતા અને અધિકારીએ તેમની અરજી દફ્તરે કરી દીધી હતી.

કાકા જયચંદનો કોઈ હક્ક હિસ્સો ના હોવા છતાં તે રૂપિયા પડાવવા માટે લાંબા સમયથી આવા કાવાદાવા કરી રહ્યો હોવાનું ફરિયાદીએ પોલીસને જણાવ્યું છે.

Share it on
   

Recent News  
જાયે તો જાયે કહાં! સાયબર માફિયા ચીરઈના વેપારીને ૪.૯૩ લાખનો ચૂનો ચોપડી ગયાં
 
ભુજમાં સૈન્ય અધિકારીની દીકરીનું ‘સાયબર સ્ટોકિંગ’ કરતા વિકૃત યુવક સામે FIR
 
GKમાં દોઢ વર્ષમાં ૩૦૦ પ્લાસ્ટિક સર્જરી થઈઃ સુંદરતા નહીં સામાન્ય જીવન માટે ઉપયોગી