click here to go to advertiser's link
Visitors :  
15-Jul-2026, Wednesday
Home -> Bhuj -> Beyond Beauty How Plastic Surgery Restores Normalcy to Damaged Bodies
Tuesday, 14-Jul-2026 - Bhuj 568 views
GKમાં દોઢ વર્ષમાં ૩૦૦ પ્લાસ્ટિક સર્જરી થઈઃ સુંદરતા નહીં સામાન્ય જીવન માટે ઉપયોગી
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ઘણીવાર તમે વાંચ્યું હશે કે ફલાણી જાણીતી હિરોઈન કે હિરોએ વિદેશમાં પ્લાસ્ટિક સર્જરી કરાવીને તેનું નાક કે હોઠનો આકાર વધુ સુડોળ અને સુંદર બનાવ્યો. જો કે, પ્લાસ્ટિક સર્જરી કેવળ સૌંદર્યવર્ધન (કોસ્મેટીક ચેન્જ) માટે થતી નથી. હકીકત એ છે કે મોટાભાગના કિસ્સામાં લોકોને સામાન્ય જીવન જીવવા માટે પ્લાસ્ટિક સર્જરી અનિવાર્ય બની જતી હોય છે. અકસ્માતે દાઝી જવાથી કે અન્ય કોઈ ગંભીર ઈજાથી શરીરના સંબંધિત અંગનું કદ, આકાર અને બાહ્ય દેખાવ ઘણીવાર વિકૃત કે બિહામણું બની જાય છે.

ફક્ત અકસ્માત જ નહીં, ડાયાબિટીક અલ્સર અને કેન્સર જેવા રોગોમાં પણ દર્દીના જે-તે અંગને ભારે ક્ષતિ થતી હોય છે. આવા સમયે જે-તે અંગના વિકૃત દેખાવને સામાન્ય બનાવવા માટે પ્લાસ્ટિક સર્જરી કે રીકન્સ્ટ્રક્ટીવ સર્જરી અનિવાર્ય બની જાય છે.

તબીબી વિજ્ઞાનમાં ૧૫ જૂલાઈની ઉજવણી વર્લ્ડ પ્લાસ્ટિક સર્જરી ડે તરીકે કરવામાં આવે છે.

ભુજમાં અદાણી સંચાલિત GAIMS જી.કે. જનરલ હોસ્પિટલના બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના હેડ ડૉ. મહાલક્ષ્મી પિલ્લાઈએ પ્લાસ્ટિક સર્જરી ડેની પૂર્વસંધ્યાએ જણાવ્યું કે છેલ્લાં દોઢ વર્ષમાં જી.કે.માં અંદાજે ૩૦૦ જેટલા દર્દીઓની પ્લાસ્ટિક સર્જરી કરીને દર્દીઓનું જીવન સામાન્ય બનાવવામાં તેમનો વિભાગ મદદરૂપ બન્યો છે.

દાઝી જવાના કિસ્સામાં પ્રાથમિક સારવાર અને સમયસર પ્લાસ્ટિક સર્જરી વિભાગનો સંપર્ક કરવાથી ચેપ, વિકૃતિ અને કાયમી અપંગતા જેવા જોખમો નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.

આધુનિક પ્લાસ્ટિક અને રિકન્સ્ટ્રક્ટિવ સર્જરીની પદ્ધતિઓને કારણે આજે અનેક દર્દીઓ ઓપરેશન બાદ ફરી આત્મવિશ્વાસ સાથે સામાન્ય જીવન જીવી રહ્યા છે. તબીબોએ પ્લાસ્ટિક સર્જરી અંગે કોઈપણ ગેરસમજ કે અફવાઓને બદલે યોગ્ય અને વૈજ્ઞાનિક માહિતી પર વિશ્વાસ રાખી, જરૂર જણાય ત્યારે નિષ્ણાત બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જનની સલાહ લેવાથી જ જીવન સામાન્ય બનાવવાનો માર્ગ મળે છે તેમ ઉમેર્યું છે. પ્લાસ્ટિક સર્જરી શરીરના અંગોને પુનઃ સામાન્ય સ્થિતિમાં લાવવાની એક સર્જિકલ આર્ટ છે.

દાઝી જવાના કિસ્સામાં શું કરવું અને શું નહીં

સંજોગોવસાત દાઝી જવાના કિસ્સામાં દર્દીએ ધારણ કરેલા ઘડિયાળ, વીંટી, કપડાં વગેરે જોર લગાવીને કાઢવાને બદલે ધીમેથી દૂર કરવા. દાઝવાના કારણનું તત્કાલ નિવારણ કરવું. જેમ કે, ગરમ વસ્તુ, આગ અથવા વીજળી બંધ કરવી, દાઝેલા ભાગને બરફના બદલે ઠંડા વહેતાં પાણીમાં રાખવો, કપાસને બદલે સ્વચ્છ સુતરાઉ કાપડથી દાઝેલા હિસ્સાને ઢાંકી દેવો. ફોલ્લાં ફોડવા નહીં. બરફ, માખણ, હળદર, તેલ લગાવવું નહીં અને ૧૦૮ બોલાવી તરત હોસ્પિટલ પહોંચવું.

Share it on
   

Recent News  
શિણાય નજીક પ્રેમીએ પાણી ભરેલા ખાડામાં ધક્કો મારી પ્રેમિકાને ડૂબાડી દઈ હત્યા કરી
 
બોગસ દસ્તાવેજો પર બારોબાર જમીન વેચી ખાવાના ગુનામાં રીઢા આરોપીને કૉર્ટનો ઝટકો
 
ગાંધીધામમાં ધોળા દિવસે ધોકા-છરીની ધાકથી ધાડ કરનાર ૭ ધાડપાડુની ધરપકડ