|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ આદિપુરની પી.એમ. આંગડિયા પેઢીના સંચાલક દિલીપભાઈ ઊર્ફે ઘનશ્યામભાઈ રતિલાલ ઠક્કર (ઉ.વ. ૫૨, રહે. અરાવલ્લી સોસાયટી, શિણાય)એ ભેદી સંજોગોમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. બનાવ અંગે કંડલા મરીન પોલીસે આકસ્મિક મૃત્યુ (એક્સિડેન્ટલ ડૅથ)ની નોંધ પાડીને ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. શનિવારે બપોરે જમીને નીકળ્યાં બાદ પરત ના ફર્યાં
મરણ જનાર દિલીપભાઈના નાના ભાઈ દિનેશભાઈએ પોલીસ મથકે જાહેર કરેલી વિગતો મુજબ દિલીપભાઈ શનિવારે બપોરે અઢી વાગ્યે ઘરેથી જમીને નીકળ્યાં હતા. નિત્યક્રમ મુજબ રાત્રે ઘરે પરત ના ફરતાં મિત્રો પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી.
જોગણીનાર પાસે શેલ્ટર હોમમાં લટકતી લાશ મળી
મોડી રાત્રે સંઘડ નજીક જોગણીનાર સોલ્ટ તરફ જતાં રસ્તા પાસે આવેલા જૂના અવાવરુ શેલ્ટર હોમ બહાર તેમની મર્સિડીઝ કાર પાર્ક થયેલી જોવા મળેલી. દિલીપભાઈના મોબાઈલ ફોનની રણકતી રીંગના આધારે સૌ શેલ્ટર હોમની અંદર ગયા ત્યારે શેલ્ટર હોમના બીમના સળિયામાં દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
આંગડિયા પેઢીના વ્યવહારો પર પોલીસની તપાસ
બનાવની તપાસ કરી રહેલા કંડલાના પીએસઆઈ વાય.પી. ગોહિલે જણાવ્યું કે પ્રાથમિક તબક્કે મૃત્યુનું કારણ હેંગિંગ હોવાનું સ્પષ્ટ થયું છે. તપાસમાં તેમના આપઘાત પાછળનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. અમે આંગડિયા પેઢી મારફતે થતાં વ્યવહારો પર તપાસ કેન્દ્રીત કરી છે. દિલીપભાઈના અકાળે મૃત્યુથી કચ્છના લોહાણા સમાજમાં અરેરાટી છવાઈ ગઈ છે.
અંજાર સામખિયાળીમાં અન્ય બે આપઘાતના કિસ્સા
અંજાર અને સામખિયાળી પોલીસ મથકે આકસ્મિક મોતના બે જુદાં જુદાં બનાવ નોંધાયાં છે. ભચાઉના શિકારપુરની સીમમાં આવેલી ગ્રીન સી ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીની લેબર કોલોનીમાં રહેતા ૧૭ વર્ષિય સંજયા આરક્ષિતા બંકા (મૂળ રહે. ઓડિશા)નો રૂમની અંદર ગળેફાંસો ખાધેલો મૃતદેહ મળી આવ્યો હતો. સામખિયાળી પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે. બીજી તરફ, અંજારના અજાપરમાંથી બિપુલદાસ વિરેનદાસ નામના ૨૩ વર્ષિય યુવકે પણ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનો બનાવ અંજાર પોલીસના ચોપડે નોંધાયો છે.
Share it on
|