કચ્છખબરડૉટકોમ, કંડલાઃ કંડલા પોર્ટમાં મિથેનોલ ખાલી કરીને પરત જઈ રહેલા હોંગકોંગના ૨૬ વર્ષ જૂનાં ટેન્કર વેસલ (જહાજ)માં આજે બપોરે ભેદી ધડાકો થયાં બાદ જહાજ એક તરફ નમી જતાં દોડધામ મચી ગઈ છે. બનાવ અંગે જાણ થતાં કોસ્ટગાર્ડની ટીમે વેસલ પર સવાર શિપના માસ્ટર સહિત ૨૧ ક્રૂ મેમ્બર્સની રેસ્ક્યુ કામગીરી હાથ ધરી છે. તો, ભેદી ઘટના અંગે ડાયરેક્ટોરેટ જનરલ (શિપીંગ) હસ્તકના મરીન મર્કેન્ટાઈલ ડિપાર્ટમેન્ટે તપાસ હાથ ધરી છે. કંડલાની નેવિગેશનલ ચેનલ બહાર ઘટી દુર્ઘટના
કંડલા પોર્ટના પ્રવક્તા ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું કે કંડલા પોર્ટની બે નંબરની ઓઈલ જેટી પર મિથેનોલ ખાલી કરીને સવા બારના અરસામાં આ ટેન્કર વેસલ પરત રવાના થયું હતું. શિપ કંડલા પોર્ટની નેવિગેશનલ ચેનલ બહાર નીકળ્યું કે દોઢેક વાગ્યે તેમાં ભયંકર ભેદી ધડાકો થયો હતો.
તીવ્ર ધડાકા સાથે શિપ સમુદ્રમાં એકતરફ નમવા માંડ્યું હતું.
દુર્ઘટના અંગે શિપના માસ્ટરે મેરિટાઈમ રિસ્પોન્ડ કો ઓર્ડિનેશન સેન્ટરને જાણ કરતાં તરત જ કોસ્ટગાર્ડની મદદ લેવાઈ હતી.
કોસ્ટગાર્ડે ૨૧ ક્રૂ મેમ્બર્સ રેસ્ક્યુ કર્યાં
શિપમાં સવાર માસ્ટર સહિત ૨૧ ક્રૂ મેમ્બર્સ પૈકી મોટાભાગના ચાઈનીઝ છે. ધડાકા વખતે કે ત્યારબાદ કોઈ જ પ્રકારની આગ જોવા મળી નહોતી. જેથી આ ભેદી ધડાકો કેવી રીતે થયો તે અંગે રહસ્ય સર્જાયું છે. બનાવ અંગે શિપીંગ વિભાગે તપાસ હાથ ધરી છે.
૨૬ વર્ષ જૂનું આ ટેન્કર વેસલ હોંગકોંગનો ફ્લેગ ધરાવે છે.
તે ઓમાનના સોહાર પોર્ટ પરથી કંડલા આવ્યું હતું.
મિથેનોલ એટલે કે લઠ્ઠો ખૂબ ઝેરી કેમિકલ
તેમાં જે કેમિકલ ભરાયું હતું તે મિથેનોલ રંગવિહીન જ્વલનશીલ કેમિકલ છે. મિથેનોલ મિથાઈલ આલ્કોહોલ (લઠ્ઠો) તરીકે પણ ઓળખાય છે. તે ખૂબ ઝેરી છે. તેનો ઉપયોગ પેઈન્ટ્સ, પ્લાસ્ટિક્સ અને એડહિસીવ વગેરે પ્રોડક્ટ્સમાં સોલવન્ટ તરીકે થાય છે. ફ્યુઅલ, એસિટીક એસિડ વગેરે જેવી અન્ય પ્રોડક્ટમાં પણ તેનો ઉપયોગ થાય છે.
Share it on
|