|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ નખત્રાણાના કોટડા જડોદરના ૫૮ વર્ષિય દેવજીભાઈ બુચિયાને ત્રાસ આપીને નાણાંની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં સંડોવાયેલી પિન્કી અને ઝોયાએ કરેલી આગોતરા જામીન અરજી સેશન્સ કૉર્ટે ફગાવી દીધી છે. દેવજીભાઈએ ભુજના ખેંગારપર ગામે રહેતા માવજીભાઈ જાદવ પાસેથી મિત્રતાના નાતે ટુકડે ટુકડે એક લાખ રૂપિયા ઉછીના મેળવ્યાં હતા. માવજીએ એક લાખ સામે ચાર લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી શરૂ કરતા મધ્યમવર્ગીય દેવજીભાઈ ભારે ચિંતામાં મૂકાઈ ગયેલાં. માવજીએ ફોન કરીને દેવજીભાઈને હબાય ગામની સીમમાં આવેલી તેની વાડીએ બોલાવીને અગાઉથી હાજર બે કિન્નરો પાસે માર ખવડાવીને ચાર લાખ રૂપિયા આપવા જ પડશે તેવું દબાણ કરેલું. ત્યારબાદ માવજી અને બેઉ કિન્નરો અવારનવાર ફોન કરીને દેવજીભાઈ પાસે રૂપિયાની ઉઘરાણી કરતાં હતા.
આ ટેન્શનમાં ને ટેન્શનમાં દેવજીભાઈએ મધરાત્રે ઘરે એસિડ પી લીધું હતું. ગંભીર આંતરિક ઈજાઓથી તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે દેવજીભાઈના પુત્ર શિવજીએ નખત્રાણા પોલીસ મથકે ૧૩-૧૧-૨૦૨૫ના રોજ માવજી જાદવ અને બે અજાણ્યા કિન્નરો વિરુધ્ધ પઠાણી ઉઘરાણી, વ્યાજખોરી, મરવા મજબૂર કરવા સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી હતી.
માવજીની પૂછપરછમાં બેઉના નામ ખૂલેલાં
માવજીની ધરપકડ અને પૂછપરછમાં દેવજીભાઈને માર મારી ત્રાસ આપી મરવા મજબૂર કરનારાં બે કિન્નર તરીકે ભચાઉના કેતન દિલીપભાઈ ભાટીયા ઊર્ફે પિન્કી (ઉ.વ. ૨૮) અને ભુજના લોડાઈ ગામનો ઈબ્રાહિમ ઈસ્માઈલ ગગડા ઊર્ફે ઝોયા (ઉ.વ. ૪૫)ના નામ ખૂલેલાં. બેઉ જણ અંડરગ્રાઉન્ડ થઈ ગયાં છે.
ગુનામાં બેઉની પ્રથમદર્શનીય સંડોવણી જણાતી હોવાનું જણાવીને ભુજના આઠમા અધિક સેશન્સ જજ તુષાર ખંધડીયાએ આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે આ કેસમાં ઝડપાયેલો માવજી હાલ જેલમાં છે અને અગાઉ કૉર્ટે તેની જામીન અરજી રીજેક્ટ કરી દીધી હતી. કેસમાં સરકાર તરફે એડવોકેટ ડી.જે. ઠક્કરે દલીલો કરી હતી.
Share it on
|