click here to go to advertiser's link
Visitors :  
22-Jul-2026, Wednesday
Home -> Gandhidham -> Mundra Municipality Councillor booked and detained under cheating and intimidation
Wednesday, 22-Jul-2026 - Gandhidham 6187 views
મુંદરાના કોંગી નગરસેવક સામે ૫૦.૮૩ લાખની છેતરપિંડીની ફરિયાદઃ પોલીસે કરી અટકાયત
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ અડધા કરોડથી વધુ રકમની છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસે મુંદરા બારોઈ નગર પાલિકાના કોંગ્રેસી નગર સેવક ઈમરાન સલીમ જતની અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ગત સાંજે ગાંધીધામના વેપારી હાજી યાકુબ જંગીયા (રહે. ખારીરોહર)એ ઈમરાન વિરુધ્ધ ૫૦.૮૩ લાખની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદી યાકુબ ગાંધીધામમાં ઈનાયત કાર્ગો કેરિયર નામથી પેઢી ધરાવે છે અને કાર્ગો હેન્ડલિંગ તથા સ્ટીવડૉરીંગનું કામ કરે છે. ૨૦૧૭ ઈમરાન સાથે તેનો પરિચય અને મિત્રતા થયેલી. ઈમરાન પણ કાંકરીના હેન્ડલિંગ તથા સ્ટીવડૉરીંગનું કામ કરતો. બેઉ વચ્ચે ધંધાકીય સંબંધો બંધાયેલાં.

૨૦૨૩માં ઈમરાને ફરિયાદીને તેની પાર્ટનરશીપવાળી પેઢી વિશાલ ટ્રેડીંગ મારફતે કાર્ગો હેન્ડલિંગનું કામ આપેલું. જે પેટે ફરિયાદીએ ૯૨.૧૯ લાખનું બિલ આપેલું. તેમાંથી ઈમરાને ૪૧.૩૪ લાખ ચૂકવેલાં, બાકીના ૫૦.૮૩ લાખ પછી ચૂકવી આપવાનો વાયદો કરેલો.

બાકી રકમ મેળવવા માટે ફરિયાદી અવારનવાર રૂબરૂ ઈમરાનની ઑફિસે ગયેલો અને ફોન કરેલા પરંતુ ઈમરાન ઠાલાં વાયદા આપતો રહ્યો હતો. ત્યારબાદ એક દિવસ ઈમરાને ફરિયાદીને ધમકી આપેલી કે ‘મારા પિતા મુંદરામાં નામચીન છે અને મોટી રાજકીય વગ ધરાવે છે. પોલીસ અમારું કંઈ કરી નહીં શકે’ થોડાં સમય બાદ ઈમરાને ગાંધીધામમાં ફરિયાદીની ઑફિસે રૂબરૂ આવીને તેને ધમકાવેલો કે ‘તું અમારી મુંદરાની ઑફિસે આવીને મારી આબરુ લે છે. તારા રૂપિયા ભૂલી જા નહીંતર તને જાનથી મારી નાખીશ’

ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધીને તરત જ મુંદરાના મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી ઈમરાનની અટક કરી હતી. પોલીસ હાલ આરોપીને કૉર્ટમાં લઈ ગઈ છે.
Share it on
   

Recent News  
રાહુલની ધરપકડ, જેન ઝીના પર બર્બરતાનો વિરોધઃ ભુજમાં કોંગ્રેસના ચક્કાજામ, દેખાવો
 
ગાંધીધામમાં ધોળા દિવસે વેપારીને ગોંધી, છરીની અણીએ ૨૦ લાખનો હવાલો મેળવાયો
 
લ્યો કરો વાત! ચોરોના ભાવિનો નિર્ણય કરતા જજસાહેબનું જ બાઈક ચોરો હંકારી ગ્યા!!