click here to go to advertiser's link
Visitors :  
22-Jul-2026, Wednesday
Home -> Gandhidham -> Businessman extorted of 20 lakhs at knifepoint in Gandhidham Read more
Tuesday, 21-Jul-2026 - Gandhidham 2183 views
ગાંધીધામમાં ધોળા દિવસે વેપારીને ગોંધી, છરીની અણીએ ૨૦ લાખનો હવાલો મેળવાયો
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ બપોરે રૂટિન કામગીરી કરતો હતો ત્યાં અચાનક એક મહિલા હાંફળી ફાંફળી હાલતમાં દોડી આવી. મહિલાએ આવીને પોલીસને કહ્યું કે ‘સાહેબ, મારા ૪૪ વર્ષિય પતિ દિલીપ મજેઠીયા ભેદી રીતે ગુમ થઈ ગયાં છે’ ‘આજે બપોરે રોજની જેમ હું ટાગોર રોડ પર આસોપાલવ આર્કેડમાં આવેલી તેમની શિપીંગની ઑફિસે ટિફિન આપવા ગયેલી પણ તે ઑફિસે નથી. તેમનો ફોન પણ બંધ આવે છે. તેઓ ક્યાં છે તેની કોઈને ખબર નથી, મને પણ કશું કહ્યું નથી. પ્લીઝ, તમે તેમને શોધવા કંઈક કરો’

અંજારના વરસામેડીમાં રીવેરા એલિગેન્સ-3માં રહેતા શિપીંગ કન્ટેઈનર લાઈનના બિઝનેસમેન દિલીપ ગોકળભાઈ મજેઠીયા (ઠક્કર)નું ભેદી સંજોગોમાં ગુમ થવું પોલીસને ગળે ના ઉતર્યું. પોલીસે મામલાને ગંભીરતાથી લઈ તત્કાળ સીસીટીવી કેમેરાના ફૂટેજના નિરીક્ષણ સહિત ટેકનિકલ સર્વેલન્સની કામગીરી હાથ ધરી.

પોલીસ ગહન તપાસ કરી રહી હતી ત્યાં થોડાંક કલાકો પછી દિલીપભાઈએ સામેથી પત્નીને ફોન કરી પોતાને લેવા આવવા માટે ઓસ્લો સર્કલ બોલાવી.

થોડીકવાર પછી તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને તેમણે જે વિગતો કહી તે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી. દિલીપે પોલીસને જણાવ્યું કે તેમનો એક મિત્ર છે હર્ષ સહેદાદ પુરી. દોઢેક વર્ષ અગાઉ હર્ષે તેના મિત્ર જાવેદ સાયચા (રહે. સપનાનગર) સાથે પરિચય કરાવેયેલો અને દિલીપ જાવેદને જોયે ઓળખતો. દિલીપ અને જાવેદે બેઉ જણે હર્ષને રૂપિયા આપ્યા હતા. જે તેણે પાછાં આપ્યા નહોતા. આજે સવારે દિલીપભાઈ નિત્યક્રમ મુજબ તેમની ઑફિસે ગયા ત્યારે ત્યાં પાર્કિંગમાં સ્વિફ્ટ કારમાં જાવેદ બેઠો હતો.

જાવેદે ગાડીમાં બેઠે બેઠે દિલીપભાઈને બોલાવીને કહેલું ‘મારે પણ તમારી જેમ હર્ષ પાસેથી રૂપિયા લેવાના નીકળે છે. ચાલો આપણે તેને મળતાં આવીએ. હાલ તે સપનાનગરમાં છે’

જાવેદની વાત પર ભરોસો કરીને દિલીપભાઈ તેની સ્વિફ્ટ કારમાં બેસી ગયેલાં. થોડેક આગળ જતા રસ્તામાં ઊભેલાં બે સાગરીતોને પણ જાવેદે કારમાં બેસાડ્યાં હતા. દિલીપભાઈ જાવેદના કાવતરાંથી અજાણ હતા. જાવેદ દિલીપને સપનાનગરમાં પોતાના ઘરે લઈ ગયો.

બંધક બનાવી ગળે છરી રાખી ખંડણી માગી

દિલીપને ઘરમાં લઈ ગયા બાદ જાવેદના બે સાગરીતોએ અચાનક દિલીપના બંને હાથ બારી સાથે બાંધી દીધેલાં. જાવેદે દિલીપને કહેલું કે મારે હર્ષ પાસેથી કોઈ રૂપિયા લેવાના નથી. જાવેદે દિલીપનું પેન્ટ કાઢી નાખેલું. ત્યારબાદ ત્રણે જણે ગાળો ભાંડીને દિલીપને ધોકાથી માર માર્યો હતો.

જાવેદે છરી કાઢીને દિલીપના ગળા પર રાખીને મારી નાખવાની ધમકી આપીને તાત્કાલિક ૨૦ લાખ રૂપિયા આપવા માંગણી કરી.

ડરી ગયેલાં દિલીપે જાવેદના કહ્યા મુજબ પી.એમ. આંગડિયા મારફતે સોહિલ નામના શખ્સના નામ અને મોબાઈલ નંબર સાથે ૨૦ લાખનો હવાલો કરાવેલો. હવાલો થયાં બાદ જાવેદે  એક જણને  રૂપિયા લેવા મોકલેલો અને બીજી ગાડીમાં દિલીપભાઈને બેસાડી તે અને તેનો સાગરીત પાછળ નીકળેલાં.

પોલીસને જોઈ ત્રિપુટી રૂપિયા લીધા વગર ફરાર

ખંડણીખોરો દિલીપની ઑફિસ પાસેથી પસાર થયાં ત્યારે તેમણે પોલીસની ગાડીઓ અને કાફલો જોયો. ત્રણે જણ ડરી ગયાં. તેમણે રૂપિયા લીધા નહીં. દિલીપને ઓસ્લો સર્કલ પાસે ઉતારી દઈને કોઈને વાત ના કરવા નહીંતર મારી નાખશું તેવી ધમકી આપી ફરાર થઈ ગયાં. તેમની ચુંગાલમાંથી છૂટ્યાં બાદ દિલીપે પત્નીને ફોન કરી ઓસ્લો સર્કલ બોલાવેલી. ઘટના અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ત્રણે આરોપીઓ સામે કાવતરું રચીને ખંડણી પડાવવા સહિતની કલમો તળે ફરિયાદ નોંધી છે.

જાવેદ સહિતની ત્રિપુટી ફરાર છે. તેમને શોધવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને અન્ય ટીમો એક્ટિવ થઈ ગઈ છે. પોલીસ ઈન્સ્પેક્ટર એમ.જે. રાઠોડે ગુનાની તપાસ હાથ ધરી છે.
Share it on
   

Recent News  
લ્યો કરો વાત! ચોરોના ભાવિનો નિર્ણય કરતા જજસાહેબનું જ બાઈક ચોરો હંકારી ગ્યા!!
 
મીઠાના કારખાનામાં ૪૭.૯૩ લાખની વીજ ચોરીના ગુનામાં બે જણને ૩ વર્ષની સખ્ત કેદ
 
ભુજના યુવકે ગાંધીનગરની લેડી પ્રોફેસરનો વિશ્વાસ કેળવીને ૧૩.૩૭ લાખની ઠગાઈ કરી