બુલેટ ટ્રેન શરૂ થાય ત્યારે ખરી પણ કંડલામાં દેશની પહેલી મેગ્નેટિક રેલ દોડશે
કચ્છખબરડૉટકોમ, કંડલાઃ દિનદયાળ કંડલા પોર્ટ ઑથોરીટી (DPA), દુબઈની ગ્લોબલ લોજીસ્ટીક કંપની DP WORLD અને પૉલેન્ડની નેવોમો કંપનીએ કન્ટેઈનર મૂવમેન્ટ માટે કંડલામાં મેગ્નેટિક રેલ (MagRAIL)ના પાયલોટ પ્રોજેક્ટ માટે MoU પર હસ્તાક્ષર કર્યાં છે.
Video :
અમદાવાદ મુંબઈ વચ્ચે દેશની પહેલી બુલેટ ટ્રેન ક્યારે શરૂ થશે તેની કોઈને ખબર નથી. ત્યારે, ભારતમાં મેગ્નેટિક રેલ માટે સૌપ્રથમવાર આ MoU થયાં છે. ભાવિ ટ્રાન્સપોર્ટેશનની દિશામાં લેવિટેશન મેગ્નેટિક રેલને વિશ્વ ગેમ ચેન્જર માની રહ્યું છે.
નેકસ્ટ જનરેશન સ્માર્ટ કાર્ગો મુવમેન્ટ હેતુથી કરાયેલી આ સમજૂતી અંતર્ગત પ્રાયોગિક તબક્કે નેવોમો કંપની MagRAIL માટે કંડલાના વર્તમાન રેલવે ટ્રેકનો ઉપયોગ કરીને ૭૫૦ મીટરનું ફ્રેમવર્ક તૈયાર કરશે. વર્તમાન ટ્રેકમાં જ લિનિયર મોટર ટેકનોલોજીનો વિનિયોગ કરીને ઈલેક્ટ્રીક પાવર્ડ વેગનથી સ્વયંસંચાલિત કન્ટેઈનર (ફ્રેઈટ) મૂવમેન્ટ થાય તે સુવિધા વિકસાવાશે.
આ સુવિધાથી કન્ટેનરાઈઝ્ડ અને બલ્ક કાર્ગો ફ્રેઈટ મુવમેન્ટની ક્ષમતા, ઝડપ અને કાર્યક્ષમતામાં અનેકગણો વધારો થશે. એટલું જ નહીં, સેલ્ફ પ્રોપેલ્ડ ફ્રેઈટ મુવમેન્ટના લીધે કન્ટેઈનરની હેરફેરમાં લોકોમોટિવ એન્જિનની જરૂર નહીં રહે.
જેથી કાર્બન ઉત્સર્જન ઘટવા સાથે કાર્ગો મુવમેન્ટના ખર્ચમાં પણ ઘટાડો થશે તેવો આશાવાદ ડી.પી. વર્લ્ડ અને ડીપીએએ વ્યક્ત કર્યો છે. પોર્ટમાં ટૂંકા અંતરના કાર્ગો ટ્રાન્સફરમાં આ પાયલોટ પ્રોજેક્ટના ઉત્સાહજનક પરિણામ આવશે તેવી અપેક્ષા છે.
મેગ્નેટિક રેલને લઈ યુરોપમાં છે ભારે ઉત્સુક્તા
ઉલ્લેખનીય છે કે ૨૦૧૭માં પૉલેન્ડમાં શરૂ થયેલી નેવોમો કંપનીના મેગ્નેટિક રેલના પ્રોજેક્ટે આખા યુરોપમાં ભારે ઉત્સુક્તા સર્જી છે. વર્તમાન રેલવે ટ્રેકમાં જરૂરી ટેકનોલોજીના વિનિયોગ સાથે મેગ્નેટિક રેલ કલાકના ૪૦ માઈલની ગતિ પકડે ત્યાર આપોઆપ ટ્રેકથી ઊપર થઈ જાય છે (લેવિટેશન). ટ્રેક સાથેનું ઘર્ષણ (ફ્રિક્શન) નહિવત્ થઈ જતાં તેની ગતિમાં ઓર વધારો થાય છે. વિશ્વમાં પેસેન્જર સર્વિસ અને કાર્ગો સર્વિસ બંને ક્ષેત્રે મેગ્નેટિક રેલ ગેમ ચેન્જર બની રહેવાનો આશાવાદ છે.
ત્રણ સંસ્થાએ MoU પર કર્યાં હસ્તાક્ષર
નેકસ્ટ જનરેશનના ફ્યુચરીસ્ટીક ફ્રેઈટ ટ્રાન્સપોર્ટેશનની દિશામાં આ MoU મહત્વપૂર્ણ સાબિત થશે તેમ ડીપીએના ચેરમેન સુશિલકુમાર સિંધે જણાવ્યું હતું. સિંઘ સાથે ડીપી વર્લ્ડના સીઈઓ રીઝવાન સુમાર અને નેવોમોના સીઈઓ પ્રેઝમેકે સમજૂતિ પર હસ્તાક્ષર કર્યાં છે.