કચ્છખબરડૉટકોમ, આદિપુરઃ ગેરકાયદે ઊંચા વ્યાજે નાણાં ધીરતાં વ્યાજખોરો સામે પોલીસની કડક કાર્યવાહી છતાં વ્યાજખોરો અને તેમની પઠાણી ઉઘરાણીના ત્રાસ યથાવત્ રહ્યો છે. આદિપુરનો એક કિસ્સો વાંચીને તમે પણ ચોંકી ઉઠશો. આદિપુરની સિંધુ વર્ષા સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષિય નરેશ સેવારામ ચંદારાણાએ નાણાંની અચાનક જરૂર ઊભી થતાં ગત માર્ચ માસમાં તેના પરિચિત મનીષ સોરઠીયા મારફતે મનીષના પાર્ટનર જગદીશ ઊર્ફે મુન્નાભાઈ પાસેથી વ્યાજે ૪ લાખ રૂપિયા મેળવ્યાં હતા. જગદીશે નરેશને રોજના પાંચ ટકા વ્યાજ એટલે કે રોજના ૨૦ હજાર રૂપિયા (મહિને દોઢસો ટકા વ્યાજ) ચૂકવવાની શરતે એડવાન્સમાં ૨૦ હજાર રૂપિયા વ્યાજ કાપીને ૩.૮૦ લાખ ચૂકવ્યાં હતા. રૂપિયા સામે નરેશની અર્ટિગા કાર ગીરવે રાખી લીધી હતી.
બે દિવસ બાદ નરેશે મુન્નાને ૪૦ હજાર વ્યાજ અને ૪.૨૦ લાખ રૂપિયા મુદ્દલ પેટે ચૂકતે કરી દીધા હતા. વ્યાજ અને મુદ્દલ ચૂક્તે કરી દીધા હોવા છતાં મનીષ અને મુન્નો અવારનવાર તેની પાસે વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરતાં હતા પરંતુ ફરિયાદી તેમને દાદ આપતો નહોતો.
૧૫મી ઑગસ્ટની બપોરે બે વાગ્યે ફરિયાદી નરેશ તેના મિત્રને મળવા માટે શિણાય ગામના બસ સ્ટેશન ચોક વિસ્તારમાં ગયો ત્યાં મનીષ સોરઠીયા, મુન્નાભાઈ, પાવલી સોરઠીયા અને યોગેશ રમણિક સોરઠીયા (રહે. તમામ અંજાર) તેને ભટકાઈ ગયાં હતા. આરોપીઓએ તું વ્યાજના રૂપિયા કેમ આપતો નથી કહીને નરેશ જોડે બબાલ કરેલી.
મનીષ તેની કારમાંથી લોખંડની પાઈપ અને પાવલી ધોકો કાઢીને લઈ આવેલા. ચારેય જણે નરેશને રોડ પર નીચે સૂવડાવી દઈને પીઠ અને છાતીમાં હાથ પગે ધોકા પાઈપ માર્યાં હતા. મુન્ના અને પાવલીએ તેને ગડદાપાટુ માર્યા હતા.
જાહેરમાં મારામારી થતી જોઈ ફરિયાદીના મિત્ર અને લોકોનું ટોળું એકઠું થઈ જતાં ચારે વ્યાજખોરો જ્યાં મળીશ ત્યાં મારી નાખશું તેવી ધમકી આપીને જતા રહ્યા હતા.
ફરિયાદીને સારવાર માટે હોસ્પિટલે લઈ જવાયો ત્યાં પણ મનીષે તેને ફોન કરીને વ્યાજના ૨૦ હજાર ૫૦૦ રૂપિયાનો હવાલો મુન્નાને સોંપ્યો હોવાનું અને તેને રૂપિયા આપી દેવા કહીને ધમકી આપેલી.
બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓને ઝડપી પાડીને જે સ્થળે નરેશને મારેલો ત્યાં બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવવાનું આયોજન કર્યું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
Share it on
|