કચ્છખબરડૉટકોમ, ગઢશીશાઃ માંડવી તાલુકાના પદમપર ગામે વાડીમાં ખેતમજૂરી કરતા ૪૦ વર્ષિય આદિવાસી યુવકની ખાટલામાં સૂવા જેવી નજીવી બાબતે સાથી મજૂરે ઘાતકી હત્યા કરી નાખી હોવાનો બનાવ બહાર આવ્યો છે. મૃતકના મોટા ભાઈએ ગઢશીશમાં હત્યાની ફરિયાદ નોધાવી છે. મરણ જનાર વિક્રમ ભુરસિંગ રાઠવા પંચમહાલના ઘોઘંબા તાલુકાના જીંજરી ગામનો વતની હતો અને છેલ્લાં બે માસથી માંડવીના પદમપર ગામે હિતેશ પટેલ નામના ખેડૂતની વાડીએ રહીને મજૂરી કરતો હતો. વિક્રમ જોડે પંચમહાલના હાલોલનો સંજય નાનજી નાયક નામનો આદિવાસી યુવક પણ આ જ વાડીમાં ખેત મજૂરી કરતો હતો. બેઉ વાડીએ એકલાં રહેતા હતા પરંતુ તેમની વચ્ચે મનમેળ નહોતો.
વિક્રમ અવારનવાર તેના સગાં સંબંધી અને પરિચિતોને રૂબરૂ તથા ફોન પર સંજય ખાટલામાં સૂવા જેવી નજીવી બાબતથી લઈ નાની મોટા મુદ્દે ઝઘડતો રહેતો હોવાનું કહ્યા કરતો હતો.
રવિવારે સવારે વાડીમાં ઈજાગ્રસ્ત હાલતમાં પડેલો વિક્રમનો મૃતદેહ મળી આવ્યો હતો. સાથી મજૂર સંજય ગુમ થઈ ગયો હતો. વિક્રમને તીક્ષ્ણ હથિયારથી શરીરના વિવિધ ભાગે ઈજાઓ થયેલી હતી. પાંસળી અને જડબામાં ફ્રેક્ચર પણ થયાં હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું હતું.
વિક્રમે આગલા દિવસે શનિવારે સાંજે ૬.૩૦ વાગ્યે તેના મોટા ભાઈ વિજયને ફોન કરીને સંજયે ખાટલામાં સૂવા બાબતે ઝઘડો ચાલું કર્યો હોવાનું જણાવ્યું હતું અને પછી ફોન કટ થઈ ગયો હતો.
ગઢશીશાના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર આર.બી. ટાપરીયાએ હત્યાની કલમ તળે ગુનો નોંધી ફરાર સંજય નાયકને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.
Share it on
|