કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ માંડવી રોડ પર મેઘપર ગામ નજીક દારૂના નશામાં ચુર કારચાલકે અકસ્માત સર્જતાં પોલીસમાં દોડધામ મચી ગઈ છે. સાંજે સાતેક વાગ્યાના અરસામાં દુર્ઘટના ઘટી હતી.
Video :
દુર્ઘટના વિશે વાયરલ થયેલા વીડિયોમાં એડવોકેટના સિમ્બોલ સાથેની બલેનો કારમાં સવાર યુવકે સામેથી આવતા વાહનો સાથે અકસ્માત સર્જ્યો હોવાનુ અને યુવકની કાર પાસેથી દારૂની બાટલી અને દારૂ ભરેલો ગ્લાસ મળી આવ્યો હોવાનું વાયરલ વીડિયોમાં જણાય છે.
સૂત્રોના દાવા મુજબ નશામાં ચુર યુવકે એક મોટર સાયકલ અને બાદમાં સામેથી આવતી કારને ટક્કર મારી હતી. વીડિયોમાં દારૂ ભરેલો ગ્લાસ અને રોડ પર તૂટેલી દારૂની બાટલી જોવા મળી રહી છે.
અકસ્માતગ્રસ્ત બીજી કારમાં આધેડ વયના સ્ત્રી પુરુષને ઈજાઓ થતાં લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. એક્સિડેન્ટમાં બંને કારના બોનેટ એન્જિન સહિતનો આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો છે.
નશામાં ચકચુર યુવકે કાર સ્ટાર્ટ કરી ત્યાંથી નીકળવાનો પ્રયાસ કરતાં હાજર લોકોએ તેને ઠમઠોર્યો હોવાનું પણ વીડિયોમાં દેખાય છે. બનાવ અંગે માનકૂવાના ઈન્ચાર્જ પીઆઈ પી.પી. ગોહિલે જણાવ્યું કે સાંજે સાડા સાતના અરસામાં કોઈ જાગૃત નાગરિકે ફોન પર બનાવ અંગે જાણકારી આપતાં એક ટીમ મોકલી આપી છે. દારૂ પીને અકસ્માત સર્જનાર યુવકને ઝડપીને પોલીસ તેનું તબીબી પરીક્ષણ કરાવવા માટે હોસ્પિટલમાં લઈ ગઈ છે. દુર્ઘટના કેવી રીતે ઘટી હતી અને કોને ઈજા થયેલી તે અંગે વધુ વિગતો મેળવાઈ રહી છે.
NEWS UPDATE @ 23:55
દારૂમાં ચુર થઈ એક્સિડેન્ટ કરનાર નીતિન કાનજી ફફલની અટક
નીતિન ગાંધીધામના ફફલ અટકધારી વકીલ પરિવારનો નબીરો
ભુજથી માંડવીના રાજપર તરફ જતા પરિવારની કારને ટક્કર મારી