કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉ શહેર અને તાલુકામાં વિવિધ ગંભીર ગુનાઓ આચરનારાં ૨૦ આરોપીઓના રહેણાક મકાનો પર આજે PGVCL અને પોલીસની સંયુક્ત ગાજ વરસી છે. પોલીસે આ આરોપીઓએ તેમના રહેણાકમાં ગેરકાયદે મેળવેલાં વીજ જોડાણો કટ કરી નાખ્યાં છે. અમુક તો એવા માથાભારે આરોપીઓના કનેક્શનો કપાયાં છે કે પોલીસના સાથ વગર તેમણે મેળવેલાં ગેરકાયદે ‘લંગર’ કાપતાં પૂર્વે PGVCL સ્ટાફનો હાથ ધૃજતો હતો!
જેમના ગેરકાયદે વીજ જોડાણો કપાયાં છે તેમાં ખૂન, ખૂનના પ્રયાસ, અપહરણ અને પોક્સો, રાયોટીંગ વગેરે જેવા ગંભીર ગુનાના આરોપીઓનો સમાવેશ થાય છે.
હત્યા, હત્યાના પ્રયાસ કેસના ૭ આરોપીના જોડાણ કટ
જેમના કનેક્શનો કટ કરાયાં છે તેમાં ખૂન કેસના આરોપી મેહુલ લાખાભાઈ કોલી (કોલિયાસરી, ભચાઉ), ભાવેશ ચતુરભાઈ દેવીપૂજક અને તેના ભાઈ અજય (મદિનાનગર), ખૂનની કોશિષના ચાર આરોપી નાસિર દાઉદ રાજા (માનસરોવર), અરવિંદ મગનભાઈ બારોટ, સુરેશ અરવિંદભાઈ બારોટ, દેવુબેન અરવિંદભાઈ બારોટ (રહે. તમામ ભટ્ટપાળિયા)નો સમાવેશ થાય છે.
એજ રીતે, પોક્સો અને અપહરણના બે જુદાં જુદાં કેસના આરોપી અજય ઊર્ફે અજીયો બાબુભાઈ મહેશ્વરી (રોટરી ક્લબ પાસે) અને હરી નારાયણ કોલી (રહે. કોલિયાસરી)નો સમાવેશ થાય છે.
એ જ રીતે, રાયોટીંગ કેસના ૧૧ આરોપીઓ અયુબ સિધિક કુંભાર, રમજુ કરીમ ધોના, અનવર હુસેન અલી અસગર, નાઝીર રમજાન ઊર્ફે ભૈલા ફકીર, અકરમ કરીમ ધોના, વસીમ ઓસમાણ ધોના, ભચલશા ઊર્ફે ડાડા બાબુ સૈયદ (રહે. તમામ હિંમતપુરા), ગફુર આમદ અલીભાઈ કુંભાર (મદિનાનગર), મુસ્તાક ઉમર કુંભાર અને રફીક અબ્દુલભાઈ રાજા (માનસરોવર)ના રહેણાકના ગેરકાયદે વીજ જોડાણો કટ કરી દેવાયા છે.
Share it on
|