કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપર તાલુકાના ચિત્રોડ નજીક ટ્રેલરના ડ્રાઈવર અને ક્લિનરને માર મારીને છરીની અણીએ દ્વિચક્રી વાહન પર આવેલી ત્રિપુટી ૭ હજાર રૂપિયા રોકડાં અને ૧૦ હજારનો ફોન મળી ૧૭ હજારની માલમતા લૂંટી ગઈ છે. ટ્રેલરચાલક રમેશ જાટે ગાગોદર પોલીસને જણાવ્યું કે ઘટના શનિવારે મધરાત્રે ત્રણ વાગ્યના અરસામાં રાધનપુર નેશનલ હાઈવે પર ચિત્રોડના પુલ પર ઘટી હતી. રમેશ ક્લિનર સીતારામ જાટ સાથે ગાંધીધામથી ચોખાં ભરીને રાજસ્થાન જતો હતો ત્યારે મધરાત્રે રેડિયેટરમાંથી પાણી નીકળી જતાં એન્જિન ગરમ થઈ ગયેલું.
ગાડીને થોભાવીને ક્લિનર રેડિયેટરમાં પાણી ભરતો હતો ત્યારે એકાએક એક્સેસ ટૂવ્હિલર પર ટી શર્ટ પહેરેલાં ત્રણ શખ્સ આવેલાં. ત્રણે જણે છરીઓ કાઢીને ક્લિનરને માર મારીને તેની પાસે રહેલાં રોકડાં ૬ હજાર રૂપિયા ખિસ્સામાંથી કાઢી લીધાં હતાં.
બાદમાં બે જણે કેબિનમાં ચઢી આવીને રમેશને માર મારીને ખિસ્સામાં રહેલાં ૧ હજાર રૂપિયા તથા ૧૦ હજારનો ફોન ઝૂંટવી લીધો હતો. મુઢ મારના લીધે દુઃખાવો થતાં બેઉ જણે સરકારી દવાખાને પ્રાથમિક સારવાર લઈને પોલીસ ફરિયાદ નોંધાવી છે. રમેશે આરોપીઓની એક્સેસ મોપેડના નંબર સાથે એક જણના હાથમાં અંગ્રેજીમાં ક્રિષ્ના લખેલું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
Share it on
|