|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ખાવડા નજીક મોટા ગામે ૨ વર્ષ ૧૦ માસ અગાઉ બંને પગે વિકલાંગ પિતા અને બંને આંખે અંધ દાદાના ૨૨ વર્ષિય કુળદીપકને નજીવી બાબતે છરીથી રહેંસી નાખનાર બે સગાં ભાઈને કૉર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ખાવડાથી પંદર કિલોમીટર દૂર કુરન નજીક આવેલા મોટા ગામે ૨૪-૦૫-૨૦૨૩ના રોજ બપોરે ૧ વાગ્યે હત્યાનો બનાવ બન્યો હતો. મરણ જનાર સોયેબ ઓસમાણ સમા ઘરે હતો ત્યારે તેમના જ ફળિયામાં થોડેક દૂર રહેતા અસ્લમ અભેરાજ સમા (ઉ.વ. ૨૧) અને તેનો નાનો ભાઈ અલ્તાફ અભેરાજ સમા (ઉ.વ. ૧૯) બેઉ જણે ઘરમાં ઘૂસીને સોયેબ પર હુમલો કર્યો હતો. ‘તું અમારી બહેનને શા માટે મોબાઈલ ફોન કરે છે?’ તેમ કહીને બેઉ ભાઈઓએ માથાકૂટ કરેલી.
અસ્લમે સોયેબને પકડી રાખેલો અને અલ્તાફે હાથમાં રહેલી છરી વડે સોયેબને કમર અને છાતીમાં ડાબી બાજુ છરીના બે ઘા ઝીંકી દીધા હતા.
ગંભીર ઈજાથી સોયેબ જમીન પર ફસડાઈ પડેલો. અન્ય સગાં સંબંધીઓ દોડી આવતાં બેઉ જણાં છરી લઈ બાઈક પર ત્યાંથી નાસી ગયાં હતા.
દાદાનો ખોવાયેલો ફોન શોધવા રીંગ મારેલી
પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે સોયેબના દાદા હુસેન સિધિક સમાનો મોબાઈલ ફોન બે ત્રણ દિવસથી ગુમ થઈ ગયેલો. દાદાનો ફોન શોધવા માટે સોયેબે મોબાઈલમાં રીંગ મારેલી. ફોન આરોપીઓની બહેન પાસે હતો. જેથી બેઉ જણને સોયેબના પોતાની બહેન જોડે આડા સંબંધ હોવાની શંકા ગયેલી અને આવેશમાં આવીને તેમણે હત્યા કરી દીધી હતી.
ઘટના અંગે મૃતકના ફોઈના પુત્ર સાધક હારુન ગફુર સમાએ નોંધાવેલી ફરિયાદ દાખલ કરીને તત્કાલિન પો.સ.ઈ. ડી.બી. વાઘેલાએ તપાસ હાથ ધરી હતી. ૨૬ સાક્ષીઓ અને ૪૮ દસ્તાવેજી આધારો, પુરાવા સાથે બેઉ આરોપીઓ સામે કૉર્ટમાં ચાર્જશીટ દાખલ થયેલી.
બચાવ પક્ષે ગુનાનો મોટિવ સાબિત થતો નથી તથા ફરિયાદ પક્ષે રજૂ કરેલાં સાક્ષીઓની જુબાનીમાં રહેલી નાની નાની વિસંગતતાઓના આધારે કેસ પુરવાર થતો ના હોવાની દલીલ કરેલી. જો કે, બનાવને નજરે જોનાર અનેક સાક્ષીઓની જુબાની, આરોપીઓના લુગડાં પરથી મળેલાં લોહી સાથે મૃતકના લોહીના મેચ થયેલાં નમુના સહિતના વિવિધ મજબૂત પુરાવાના આધારે કૉર્ટે બેઉ ભાઈને દોષી ઠેરવી સજા ફટકારી છે.
ભુજના સાતમા અધિક સેશન્સ જજ એન.પી. રાડિઆએ બેઉ સહોદરને ઈપીકો કલમ ૩૦૨ અને ૧૧૪ હેઠળ દોષી ઠેરવી આજીવન કેદ તથા પાંચ પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
ગુનામાં પોલીસે લગાડેલી અન્ય કલમ જેવી કે ઈપીકો કલમ ૩૨૪, ૨૯૪ (ખ), ૧૧૪ અને જીપી એક્ટ સેક્શન ૧૩૫ હેઠળ બેઉને દોષમુક્ત ઠેરવ્યાં હતા. આ કેસમાં ફરિયાદ પક્ષે અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશ એ. મહેશ્વરી અને મૂળ ફરિયાદ પક્ષના એડવોકેટ આર.એસ. ગઢવીએ દલીલો કરી હતી.
Share it on
|