click here to go to advertiser's link
Visitors :  
17-Mar-2026, Tuesday
Home -> Kutch -> 78.96 Lakh Liquor Consignment Bound for Mundra Seized in Adesar
Monday, 16-Mar-2026 - Bhuj 686 views
કેરાના અનોપે મગાવેલો ૭૮.૯૬ લાખનો શરાબ મુંદરા પહોંચે તે પહેલાં આડેસરમાં પકડાઈ ગયો
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ચોખાના કટ્ટાની ઓથે કચ્છના મુંદરા લઈ જવાતો ૭૮.૯૬ લાખના શરાબનો જંગી જથ્થો આડેસર પોલીસે ઝડપી પાડ્યો છે. ભુજના કેરા ગામના રીઢા બૂટલેગર અનોપસિંહ રાઠોડ અને તેના માણસોને હરિયાણાથી શરાબ સપ્લાય થતો હોવાનું બહાર આવ્યું છે. બાતમીના આધારે આડેસર પોલીસે આજે સવારે સાડા સાત વાગ્યે આડેસર ચેક પોસ્ટ પરથી પસાર થઈ રહેલી હરિયાણા પાસિંગની ૨૨ પૈડાંની ટ્રક અટકાવી તલાશી લીધી હતી.

તાડપત્રી ઢાંકેલી ટ્રકમાં ૭ લાખ ૯૦૮૦ રૂપિયાની કિંમતના ૬૨૨ નંગ ચોખાના કટ્ટાની આડમાં છૂપાવાયેલાં ૭૮.૯૬ લાખના શરાબ અને ક્વાર્ટરિયાની બાટલીઓ મળી આવી હતી.

પોલીસે ટ્રકમાંથી ૪૪.૭૭ લાખની કિંમતની રોયલ સ્ટેગ બ્રાન્ડનો દારૂ, ૧૩.૦૬ લાખની કિંમતના સુપર જ્યુબિલી ૭૫૦ એમએલ વ્હિસ્કીની બાટલીઓ તથા ૧૮૦ એમએલની ૨૧.૧૨ લાખ રૂપિયાની બાટલીઓ જપ્ત કરી હતી.

ટ્રક ચાલક નુરદિન ડુમ અને ક્લિનર શ્રીભગવાન ઉદયસિંહ ચમાર (બંને રહે. ચરખી દાદરી, હરિયાણા)ની પ્રાથમિક પૂછતાછમાં બહાર આવ્યું હતું કે દારૂનો જથ્થો હરિયાણાના યોગેશ સત્યવીરસિંઘ, રવિ જાટ અને ટ્રક માલિક વિક્રાંત ઈશ્વરસિંઘએ ભરી આપેલો. શરાબનો જથ્થો મુંદરા લઈ જવાતો હતો.

૨૨ ફેબ્રુઆરીના રોજ મુંદરામાં માલ સપ્લાય કરેલો 

નુરદિને આડેસર પીઆઈ વી.એ. સેંગલ સમક્ષ કબૂલાત કરતાં જણાવ્યું કે અગાઉ ૨૨ ફેબ્રુઆરીના રોજ પણ યોગેશ, રવિ અને વિક્રાંતે આ રીતે ટ્રકમાં દારૂનો જથ્થો લોડ કરાવેલો. તેમના કહેવાથી દારૂનો જથ્થો મુંદરા ઝીરો પોઈન્ટ ખાતે પહોંચાડેલો. યોગેશના કહેવા મુજબ થોડીકવાર બાદ ત્યાં અનોપસિંહ રાઠોડ, નવઘણ રાજગોર (ભુજ), દેવેન્દ્ર ઊર્ફે દેવો ખોડીદાસ કાપડી (ગાંધીધામ), ગોપાલસિંહ બનેસિંહ વાઘેલા (પાન્ધ્રો, અબડાસા) કેટલાંક મજૂરોને લઈને આવેલાં. ટ્રકને ત્યાંથી છ-સાત કિલોમીટર દૂર લઈ જવાયેલી અને ખાનગી વાહનોમાં દારૂનું કટિંગ કરી લેવાયું હતું. યોગેશ, રવિ અને વિક્રાંતે આ વખતે પણ ટ્રક ડ્રાઈવર નુરદિનને દારૂનો જથ્થો મુંદરા પહોંચાડવા માટે જણાવ્યું હતું.

પોલીસ ભલે સસ્પેન્ડ થાય, અનોપનો ધંધો બેરોકટોક

કેરાનો બૂટલેગર અનોપસિંહ જેલની અંદર હોય કે બહાર, તેના જથ્થાબંધ દારૂનો ધંધો અવિરત ચાલતો રહ્યો છે. ગત ૧૯-૨૦ ફેબ્રુઆરીની રાત્રે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ભુજના પધ્ધર પોલીસ સ્ટેશનની હદમાં આવતા વડવાળા ગામે રેઈડ કરીને અનોપનો ચાર કરોડનો દારૂનો જથ્થો જપ્ત કરેલો. તેમાં નવઘણ, દેવા અને ગોપાલ સહિત કુલ ૨૩ સામે ફરિયાદ નોંધાવાઈ હતી. દરોડાના પગલે પધ્ધર પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ સહિત ડી સ્ટાફ સામે સસ્પેન્શન અને બદલીની સામૂહિક ધોરણે કડક કાર્યવાહી કરાઈ હતી. આ ઘટનાના બે દિવસ બાદ જ અનોપનો માલ મુંદરામાં કટિંગ થયો હતો તે આજના દરોડા પરથી સ્પષ્ટ થયું છે.

આડેસરમાં ઝડપાયેલાં પોણા કરોડના દારૂ ઉપરાંત આજે કચ્છમાં વિવિધ સ્થળે પોલીસે દરોડા પાડીને વધુ ૧૦.૯૦ લાખનો શરાબ અને આરોપીઓ ઝડપ્યાં છે. આ દરોડાઓ અંગેની ટૂંક વિગતો આ મુજબ છેઃ

♦આદિપુર પોલીસે વૉર્ડ 1-બી, જીઆઈડીસી પાછળના ભાગે આવેલી ઓરડીમાં દારૂનો જથ્થો સંઘરીને દ્વિચક્રી પર છૂટક વેચાણ કરતાં શૈલેષ ઊર્ફે ભલો શામજી મહેશ્વરીને ઝડપી પાડીને ૧ લાખ ૪૬ હજાર ૬૮૦ રૂપિયાના મૂલ્યનો શરાબ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે. શૈલેષ અને તેનો ભાઈ કિશન બેઉ સાથે મળીને શરાબનું વેચાણ કરતાં હોવાનું ખૂલ્યું છે.

♦ગાંધીધામ એ ડિવિઝન પોલીસે નવી સુંદરપુરીના ધોબીઘાટ પાસે નરેશ ઊર્ફે કારો વાલજી મકવાણાના રહેણાકમાં રેઈડ કરીને ૩ લાખ ૫૧ હજાર ૬૦૦ રૂપિયાની કિંમતનો ઈંગ્લિશ દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. જો કે, દરોડા સમયે આરોપી હાજર મળ્યો નહોતો

♦રાપર પોલીસે ખેંગારપરથી સુવઈ તરફ આવી રહેલી નંબર પ્લેટ વગરની મારૂતિ એસ ક્રોસ કારનો પીછો કરીને તેમાંથી ૮૧ હજારના ૧૮૦ એમએલ ઈંગ્લિશ શરાબના ૨૭૦ નંગ ક્વાર્ટરિયા જપ્ત કર્યાં છે. પોલીસને જોઈને આરોપી કાર ભગાવી, પાંજરાપોળ પાસે મૂકીને ફરાર થઈ ગયો હતો

♦પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે મુંદરાના મોટી ભુજપુરમાં સવા ઊર્ફે સવરાજ હભુ બાતીયાની વાડીમાં દરોડો પાડી તેની ક્રેટા કાર અને વાડીના બાથરૂમમાં છૂપાવેલા ૫ લાખ ૭૭૭૬ની કિંમતની ઈમ્પોર્ટેડ વિદેશી શરાબની વિવિધ બ્રાન્ડની ૬૪ બાટલીઓ સાથે આરોપીની ધરપકડ કરી દારૂ, કાર, મોબાઈલ ફોન વગેરે મુદ્દામાલ જપ્ત કર્યો છે. બીજી તરફ, મુંદરાના પાવાપુરી પાસે વૉચ ગોઠવીને એલસીબીએ બાઈક પર થેલામાં ત્રણ હજારની કિંમતના છ નંગ ક્વાર્ટરિયા રાખીને જઈ રહેલા અજયસિંહ બળવંતસિંહ સોઢાની ધરપકડ કરી છે

Share it on
   

Recent News  
ગાંધીધામના એક્સપોર્ટરે ઉછીના રુપિયા લઈ ચાર મિત્રોને ૫૩.૮૫ લાખની ‘ટોપી’ પહેરાવી
 
વિકલાંગ પિતા અને અંધ દાદાના યુવાન પૌત્રને રહેંસી નાખનાર બે સગાં ભાઈને જન્મટીપ
 
ભુજના હોસ્પિટલ રોડ પર સાઢુ ભાઈઓની બબાલમાં વચ્ચે પડેલાં યુવકની હત્યાની આશંકા