કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામની કાર્ગો પીએસએલ ઝૂંપડપટ્ટીમાં નાણાંની ઉઘરાણી બાબતે થયેલી માથાકૂટમાં ૩૭ વર્ષિય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ છે. આજે બપોરે બે વાગ્યાના અરસામાં હત્યાનો બનાવ બન્યો હતો. મરણ જનાર સુનીલકુમાર મહંતો મૂળ બિહારનો વતની હતો અને અહીં વર્ષોથી રહી મજૂરીકામ કરતો હતો. સુનીલની પત્ની મમતાદેવીએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ૩ વર્ષ અગાઉ સુનીલકુમારે આ જ વિસ્તારમાં રહેતાં મૂળ બિહારના વતની કુંદન યાદવ પાસેથી ૩૦ હજાર રૂપિયા ઉછીના લીધા હતાં.
પતિ સુનીલકુમારે ટૂકડે ટૂકડે આ નાણાં કુંદન યાદવને પરત આપી દીધા હતા છતાં કુંદન અવારનવાર તેની પાસે નાણાંની ઉઘરાણી કાઢીને બોલાચાલી કરતો હતો.
છઠ્ઠ પૂજાના પર્વના ઉલ્લાસ વચ્ચે આજે બપોરે કુંદન અને સુનીલ વચ્ચે ફરી નાણાં બાબતે માથાકૂટ થઈ હતી. જેમાં ઉશ્કેરાઈને કુંદને સુનીલને છરીના ત્રણથી ચાર ઘા મારી દેતાં ગંભીર ઈજાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે જાણ થતાં ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ એમ.ડી. ચૌધરી સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. બનાવ અંગે મમતાદેવીએ આપેલી ફરિયાદના આધારે પોલીસે કુંદન યાદવ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ કુંદન યાદવ પોલીસની હાથવેંતમાં છે.
Share it on
|