કચ્છખબરડૉટકોમ, આદિપુરઃ તહેવારોના દિવસોમાં સક્રિય થયેલી ચોર-લૂંટારા ટોળકીએ ગળપાદર નજીક એરપોર્ટ ચોકડી પાસે છરીની અણીએ યુવાન વેપારીએ પહેરેલાં ઘરેણાં અને ફોન મળી ૧ લાખ ૧૧ હજારની મતાની લૂંટ કરી છે. શુક્રવારે રાત્રે પોણા ૧૧ના અરસામાં અંજાર તરફ જતાં સર્વિસ રોડ પર ફોર્ડ મોટર્સના શૉરૂમ સામે લૂંટનો બનાવ બન્યો હતો. અંજારના વરસામેડીમાં બાગેશ્રી- ૨માં રહેતાં અને પડાણામાં એચ.કે. ઈમ્પેક્સ નામની વેપારી પેઢી ધરાવતા ૩૦ વર્ષિય હાર્દિક કિશોરભાઈ પરમારને નંબર પ્લેટ વગરની મોટર સાયકલ પર આવેલી ત્રિપુટી છરીની અણીએ લૂંટી નાસી ગઈ હતી. મિત્રો જોડે ફટાકડાં ખરીદવાનો પ્લાન બનાવ્યો હોઈ ફરિયાદી અહીં આવીને મિત્રોના આગમનની રાહ જોતો હતો. તે દરમિયાન, બાઈક પર આવેલી ત્રિપુટી પેટ પર છરી રાખીને ગળામાં પહેરેલી સોનાની ચેઈન, હાથમાં પહેરેલું સોનાનું કડું, મોબાઈલ ફોન, પાવરબેન્ક અને ખિસ્સામાં રહેલા પાંચસો રૂપિયાની નોટ લૂંટીને અંજાર તરફ ફરાર થઈ ગઈ હતી. ઘટના બાદ ફરિયાદી ડરી ગયો હોઈ ઘરે જતો રહ્યો હતો અને બીજા દિવસે રાત્રે આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યો હતો.
Share it on
|