કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામની નવી સુંદરપુરી વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતાં મૂળ મધ્યપ્રદેશના રતલામના શેમલીયાના વતની ૩૪ યુવકની માથામાં પથ્થર ઝીંકી અજાણ્યા શખ્સોએ હત્યા કરી હોવાનો બનાવ બહાર આવ્યો છે. મરણ જનાર સુરેશભાઈ સાગાભાઈ ચંદ્રવંશીના બાળકો સાંજે સાડા છના અરસામાં ઘરમાં રડતાં હતા તે સમયે તેના પરિચિત યુવક રાકેશે તપાસ કરતાં લોહી નીંગળતી હાલતમાં સુરેશનો મૃતદેહ પડ્યો હોવાનું માલૂમ પડ્યું હતું. રાકેશ તેને રામબાગ હોસ્પિટલે લઈ ગયો ત્યારે તબીબે તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મરણ જનાર સુરેશ નશાની હાલતમાં હતો ત્યારે હમવતની શખ્સો સાથે તેને કોઈક કારણોસર ઝઘડો થયો હતો. બનાવ અંગે જાણ થતાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસે દોડી જઈ તપાસ હાથ ધરી છે. પોલીસે મધ્યપ્રદેશના જ બે યુવકોને ઉઠાવીને સઘન પૂછપરછ હાથ ધરી છે.
Share it on
|