કચ્છખબરડૉટકોમ, આદિપુરઃ આદિપુરમાં પત્નીના પરપુરુષ સાથે આડા સંબંધ હોવાના વહેમ-ઝઘડામાં પતિએ છરીના આડેધડ ઘા ઝીંકી પત્નીની ઘાતકી હત્યા કરી નાખી હોવાનો બનાવ બહાર આવ્યો છે. આદિપુરના બેવાળી વિસ્તારમાં આજે સવારે ૧૧ના અરસામાં પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી. ઘટના અંગે જાણ થતાં પોલીસે સ્થળ પર દોડી જઈ પતિને દબોચી લઈ વિધિવત્ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. આદિપુરના ઈન્ચાર્જ પીએસઆઈ વી.જે. પ્રજાપતિએ બનાવની પ્રાથમિક વિગતો આપતાં જણાવ્યું કે મરણ જનાર ૨૩ વર્ષિય ભાવના વાણિયા અને હત્યારા હરેશ મહેશ્વરીએ ત્રણેક વર્ષ પૂર્વે એકમેક સાથે આંખો મળી જતાં પ્રેમલગ્ન કર્યાં હતાં. બંનેનું લગ્નજીવન સુખરૂપ ચાલતું હતું પરંતુ થોડાંક દિવસોથી પત્નીના પરપુરુષ સાથે આડા સંબંધો હોવાના વહેમમાં યુગલ વચ્ચે ગંભીર ખટરાગ સર્જાયો હતો. આ મામલે આજે સવારે યુગલ વચ્ચે ફરી ઝઘડો થયો હતો જેમાં ઉશ્કેરાઈને હરેશે ભાવનાના પેટ, હાથ અને મોંઢા પર છરી વડે આડેધડ ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી છે. પોલીસે હરેશને દબોચી લીધો છે અને તેની વિરુધ્ધ ફરિયાદ નોંધવા તજવીજ ચાલી રહી છે.
Share it on
|