click here to go to advertiser's link
Visitors :  
10-Jul-2026, Friday
Home -> Gandhidham -> Man Family Kidnap Woman After Broken Engagement Victim Sexually Harassed In Moving Car
Monday, 22-Jun-2026 - Gandhidham 31479 views
સગાઈ તોડી દીધી છતાં યુવક અને તેના પરિવારે લગ્નની જીદ્દ પકડી યુવતીનું અપહરણ કર્યુ
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ સગાઈ ફોક કરવા છતાં યુવકે તેની માતા, ભાઈ અને મિત્ર સાથે મળીને યુવતી જોડે માથાકૂટ કરી, બળજબરીથી કારમાં અપહરણ કરીને શારીરિક અડપલાં કરી લગ્ન કરવાની જીદ્દ કરી હોવાનો બનાવ બહાર આવ્યો છે. ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી યુવતીએ ચારે સામે અપહરણ, મારામારી, શારીરિક અડપલાં કરવા સહિતના આરોપ તળે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મૂળ ભુજ તાલુકાના ધરમપુર ગામની ૨૧ વર્ષની નિશા (નામ બદલેલું છે) ગાંધીધામની હોસ્ટેલમાં રહીને ગાંધીધામના ગુરુકુળ વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. ૬ માસ અગાઉ તેની સગાઈ મૂળ અંજારના ચાંદ્રાણી ગામના વતની અને હાલ ભુજની ઓધવ સોસાયટીમાં રહેતા રાકેશ ગોપાલભાઈ વાણિયા સાથે થયેલી.

રાકેશ નાની નાની વાતે રોકટોક કરતો હોઈ નિશાએ પિતાને વાત કરેલી. સ્વજનોની સંમતિથી સગાઈ તોડી નાખવાનો નિર્ણય કરાયેલો અને ગત ૭ જૂનના રોજ સગાઈ ફોક કરી દેવાયેલી. નિશાએ રાકેશનો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો હતો.

સગાઈ ફોક થયાં બાદ પણ રાકેશ જુદાં જુદાં મોબાઈલ નંબરો પરથી ફોન કરીને નિશા સાથે સતત વાત કરવા પ્રયાસો કરતો રહેતો. અચાનક ગઈકાલે રવિવારે સવારે નવ વાગ્યે નિશા હોસ્પિટલમાં નોકરી પર હતી ત્યારે રાકેશ, તેની માતા વાસુબેન અને મિત્ર ઋષભે હોસ્પિટલમાં આવીને ‘તું કેમ અમારા ફોન ઉપાડતી નથી? કેમ રીપ્લાય આપતી નથી?’ કહીને હોસ્પિટલમાં બોલાચાલી શરૂ કરેલી. ત્રણે જણ ધરાર હોસ્પિટલમાં જ બેસી રહેલાં. નિશા બપોરે સાડા બાર વાગ્યે એક્સેસ લઈ હોસ્ટેલ જવા નીકળી ત્યારે રાકેશે આવીને તેને આંતરેલી.

આ સમયે નિશાના બે મિત્રો ત્યાં આવી ચડતાં રાકેશ અને ઋષભે તેમની સાથે હાથાપાઈ કરી ઝઘડો કરેલો. ત્યારબાદ રાકેશે નિશાનો હાથ ખેંચીને પરાણે કારમાં બેસાડીને અપહરણ કરેલું.

કાર ઋષભ હંકારતો હતો. ઋષભે કાર ભચાઉ તરફ હંકારેલી અને રસ્તામાં રાકેશે આગલી સીટ પરથી પાછલી સીટ પર આવીને નિશા સાથે શારીરિક અડપલાં કરેલાં. રાકેશે ગાળો બોલીને ‘મારી સાથે લગ્ન કરી લે નહીંતર તને ભગાડીને લઈ જઈ મારી નાખીશ’ તેવી ધમકી આપેલી.

આંબાપર પાસે રાકેશનો ભાઈ દીપક કાળા કાચવાળી બીજી એક ગાડી લઈને આવેલો. ઋષભ અને રાકેશ તે ગાડીમાં નિશાને પરાણે બેસાડીને ધાણેટી લઈ આવેલા. જ્યાં હાજર રાકેશની માતા વાસુબેન અને ભાઈ દીપક પણ ગાડીમાં બેસી ગયેલાં.

આરોપીઓએ ત્યાંથી ગાડીને નાડાપાથી હબાય તરફ લીધેલી. રસ્તામાં રાકેશે નિશાને કહેલું કે ‘તું તારા માતા પિતાને સમજાવીને મારી જોડે લગ્ન કરી લે તો હું તને અત્યારે જવા દઈશ’ આરોપીઓની ચુંગાલમાંથી છૂટવા માટે ડરના માર્યાં નિશાએ હા પાડતાં આરોપીઓ તેને તેના ગામ નજીક શ્રવણ કાવડિયા પાસે ઉતારીને નાસી ગયેલાં. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
ગાંધીધામમાં ૫૨ વર્ષની મહિલા પર દુષ્કર્મ આચરનાર ૨૫ વર્ષના યુવકને ૧૦ વર્ષની કેદ
 
મુંદરા પોલીસે બિહારમાં જઈને સ્થાનિક ગ્રામજનોનો વેશ પહેરીને હત્યારાને ઝડપી પાડ્યો
 
કચ્છ કાંઠે મળેલા કરોડોના બિન વારસી ડ્રગ્ઝના ૮ કેસની તપાસ NCBએ બંધ કરી દીધી!