click here to go to advertiser's link
Visitors :  
23-Jun-2026, Tuesday
Home -> Bhuj -> Its Unjust and One Sided Massive Muslim Protest in Bhuj Against Demolitions
Monday, 22-Jun-2026 - Bhuj 1656 views
કચ્છમાં મુસ્લિમોના મકાનો અને ધર્મસ્થાનો તોડી પાડવાની કામગીરી એકતરફી અને અન્યાયી
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ તાલુકાના નાના વરનોરા અને રાયધણપર ગામના યુવાનો વચ્ચે બબાલ બાદ વહીવટી તંત્રએ નાના વરનોરામાં મુસ્લિમ સમાજના કેટલાંક લોકોની દુકાનો અને મકાનોને ગેરકાયદે દબાણ ગણીને બુલડોઝર ફેરવી દીધું છે. વરનોરા ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ ઓપરેશન ડિમોલીશન હાથ ધરાયું છે. તંત્રની કાર્યવાહીને એકતરફી અને અન્યાયી ગણાવીને આજે મુસ્લિમ સમાજે ભુજમાં એકસૂરે ઉગ્ર વિરોધ પ્રગટ કર્યો છે.
ભુજમાં કલેક્ટર કચેરીએ મુસ્લિમોનો સૈલાબ

અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ અને અખિલ કચ્છ એહલે હદિસ હિતરક્ષક સમિતિના નેતૃત્વમાં આજે ભુજમાં કલેક્ટર કચેરી ખાતે વિશાળ સંખ્યામાં મુસ્લિમ સમાજ એકઠો થયો હતો. વિરોધ પ્રદર્શનમાં મુસ્લિમ સમાજના અનેક રાજકીય અને સામાજિક આગેવાનો જોડાયાં હતા.

‘જેલ ભરો આંદોલન’ની ચીમકી

મુસ્લિમ અગ્રણી હાજી આદમ ચાકીએ સ્પષ્ટ રજૂઆત કરેલી કે જો કચ્છમાં હવે મુસ્લિમ ધર્મસ્થાનો પર એકતરફી બુલડોઝર કાર્યવાહી થશે તો મુસ્લિમ સમાજ દ્વારા ‘જેલ ભરો આંદોલન’ છેડવામાં આવશે.

પોલીસે પાંચ નિર્દોષ સગીરને ફીટ કર્યાનો આરોપ

મુસ્લિમ સંગઠનો અને આગેવાનોએ રજૂઆત કરી છે કે મારામારીના બનાવ સાથે કંઈ લાગતું વળગતું ના હોવા છતાં પોલીસે નાના વરનોરામાંથી પાંચ સગીર બાળકો સહિત અનેક નિર્દોષ લોકોની અટકાયત કરી છે. બનાવ બાદ પોલીસે ગ્રામજનો સાથે બેઠક યોજેલી જેમાં ગ્રામજનોએ પોલીસને સંપૂર્ણ સહકાર આપીને કેટલાંક આરોપીઓને સામેથી રજૂ કરેલા છતાં પોલીસે અન્ય નિર્દોષોને અંદર કરી દીધાં છે.

પંચાયતે સર્વાનુમતે નોટિસો રદ્દ કરી છતાં બુલડોઝર ફેરવ્યું

ગામના બસ સ્ટેશન પાસે આવેલી ૨૧ દુકાનોને માત્ર ૧ દિવસની નોટિસ આપી તોડી પાડીને બનાવ સાથે કોઈ સંબંધ ના હોય તેવા નિર્દોષ પરિવારોની રોજી છીનવી લેવામાં આવી છે. ગ્રામ પંચાયતના નામે ડિમોલીશન માટે જે નોટિસો અપાયેલી તેમાં સહી સિક્કા તથા વહીવટી પ્રક્રિયા અંગે ગંભીર પ્રશ્નો ઊભાં થયેલાં.

નાના વરનોરા ગ્રામ પંચાયતે સર્વાનુમતે ઠરાવ કરીને આ નોટિસો રદ્દ કરેલી છતાં તલાટી, ટીડીઓ અને અન્ય અધિકારીઓની હાજરીમાં ૧૫ જૂને મુસ્લિમોના ૯ કાયદેસરના મકાનો તોડી પાડવામાં આવ્યાં હોવાનો ગ્રામજનોનો આરોપ છે.

જે સમયે કામગીરી કરાઈ તે સમયે મામલો હાઈકૉર્ટમાં વિચારાધીન હતો છતાં તંત્રએ સંબંધિત હકીકતો અને રજૂઆતોને અવગણીને મિલકતો પર બુલડોઝર ફેરવી દીધું હતું.

રાયધણપરમાં ભડકાઉ ભાષણો કરનારા સામે એક્શન લો

નાના વરનોરાના બનાવને ખોટી રીતે મોટું સ્વરૂપ આપવામાં આવ્યું હોવાનું તથા રાયધણપર ગામે યોજાયેલી કેટલીક સભાઓમાં ઉશ્કેરણીજનક ભાષણો કરીને ભાઈચારાપૂર્ણ વાતાવરણને નુકસાન પહોંચાડવા પ્રયાસો કરાયાં હોવાનું જણાવી આવા તત્વો સામે યોગ્ય કાનૂની કાર્યવાહી કરવા માગ કરાઈ છે.

રાજનીતિ પ્રેરિત એકતરફી કાર્યવાહી બંધ કરો

વરનોરા ઉપરાંત કચ્છમાં અનેક મસ્જિદો દરગાહોને નોટિસો પાઠવવામાં આવી છે. રાત્રિના સમયે અચાનક વહીવટી તંત્રની ટૂકડીઓ ત્રાટકીને ધર્મસ્થાનો તોડી પાડી રહી છે. જો રાજકારણ પ્રેરિત મુસ્લિમો વિરુધ્ધની એકતરફી કાર્યવાહી રોકવામાં નહીં આવે તો મુસ્લિમ સમાજ જેલભરો આંદોલન કરશે તેવી ચીમકી અપાઈ છે. રજૂઆતમાં હિન્દુ ભાઈઓ પણ જોડાયાં હતા. વિરોધ વ્યક્ત કરવા માટે માઈનોરિટી કો-ઓર્ડિનેશન કમિટીના કન્વિનર મુઝાહિદ નફિસ અમદાવાદથી ખાસ ભુજ આવ્યા હતા.

અધિકારીઓ બંધારણ મુજબ ફરજ બજાવે

પોતાના સંબોધનમાં મુઝાહિદ નફિસે જણાવ્યું હતું કે સરકારી અધિકારીઓએ રાજકારણીઓના પ્રભાવમાં આવ્યા વગર બંધારણ મુજબ પોતાની ફરજ નીભાવવી જોઈએ. જો અધિકારીઓ સત્તાની ઉપરવટ જઈને કામગીરી કરશે તો તેમની સામે હાઈકૉર્ટ સુપ્રીમ કૉર્ટ સુધી ન્યાયીક લડત આપવામાં આવશે.

બુલડોઝરરૂપી કાંકરીચાળો ખતરનાક છે

મુસ્લિમ આગેવાન હાજી જુમા રાયમાએ આ મામલે મુખ્યમંત્રીને પત્ર પાઠવીને રજૂઆત કરી છે કે આ મુદ્દો માત્ર મુસ્લિમ સમાજનો નથી, પરંતુ ન્યાય, બંધારણ અને દરેક નાગરિકના અધિકારોનો છે. ન્યાય કોઈ એક સમાજ માટે નહીં સૌ માટે સમાન હોવો જોઈએ. બુલડોઝરરૂપી કાંકરીચાળો ખતરનાક છે. કોઈ એક વ્યક્તિના કૃત્યા માટે તેના સમગ્ર પરિવારને સજા આપવી તે ન્યાય અને માનવતા બંનેના સિધ્ધાંતો વિરુધ્ધ છે.

Share it on
   

Recent News  
સગાઈ તોડી દીધી છતાં યુવક અને તેના પરિવારે લગ્નની જીદ્દ પકડી યુવતીનું અપહરણ કર્યુ
 
રીઢા બૂટલેગર અને તેની ગેંગનો પિસ્તોલ સહિતના હથિયારોથી પડોશી પરિવાર પર ઘાતક હુમલો
 
લૂંટ, ખંડણી, હુમલો, હુલ્લડના કહેવાતા ગુનામાં ફીટ થયેલી મહિલા આગેવાનોને આગોતરા