કચ્છખબરડૉટકોમ, રાપરઃ ઘર વપરાશના રાંધણગેસ એલપીજી સિલિન્ડરના ગેરકાયદે કારોબાર અને સંગ્રહ બદલ ગાંધીધામની નવનીત ગેસ સર્વિસ એજન્સીની મહિલા ભાગીદાર કાશ્મિરાબેન નવનીત આચાર્ય સહિત ત્રણ સામે વિવિધ કલમો તળે ગાગોદરમાં ફોજદારી ફરિયાદ દાખલ કરાઈ છે. બે માસ અગાઉ ૯ એપ્રિલના જિલ્લા પુરવઠા અધિકારી હાશ્મીએ રાપરમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરેલું. ચેકીંગ દરમિયાન રાપરના નૂતન ચિત્રોડ ગામે સરકારી દવાખાના નજીક આવેલી બિલ્ડીંગના એક રૂમમાંથી ૮.૪૬ લાખની કિંમતના કુલ ૩૦૩ ગેસ સિલિન્ડર મળી આવ્યાં હતા. આ સિલિન્ડર્સ પૈકી ૧૪.૨ કિલોગ્રામ ડોમેસ્ટિક વપરાશના ૨૦૧ સિલિન્ડર ગેસથી ભરેલાં અને ૯૯ સિલિન્ડર ખાલી હતા. ૩ ખાલી કોમર્સિયલ સિલિન્ડર પણ મળી આવ્યા હતા.
અહીં રહેતો નવીન ધરમશી માલી નામનો શખ્સ આ સિલિન્ડરનું ગેરકાયદે વેચાણ અને સંગ્રહ કરતો હતો.
નવીને તેના નિવેદનમાં જણાવ્યું હતું કે ગેસ સિલિન્ડરના વેચાણ માટે ગાંધીધામની નવનીત એજન્સીએ તેની સાથે એક વર્ષ અગાઉ કરાર કર્યો હતો.
આ બનાવ સબબ ગેસ એજન્સીને સ્ટોક રજિસ્ટર, સિલિન્ડરના ખરીદ વેચાણના હિસાબો સહિતના આધાર પૂરાવા રજૂ કરવા શૉ કૉઝ નોટિસ પાઠવાયેલી પરંતુ એજન્સીએ તે આધારો રજૂ કર્યાં નહોતા. ગેસના ગોડાઉનમાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો લગાડાયેલાં નહોતાં. એટલું જ નહીં, ગેસ સિલિન્ડરના સંગ્રહ માટે લેવા પડતા ફાયર સેફ્ટી અને એક્સપ્લોઝીવ લાયસન્સ કે એનઓસી પણ લેવાઈ નહોતી.
આ કલમો હેઠળ કાશ્મિરા સહિતની ત્રિપુટી ફીટ થઈ
જેના પગલે ગાંધીધામની એજન્સીની મહિલા ભાગીદાર કાશ્મીરાબેન નવનીત આચાર્ય, એજન્સીના મેનેજર રશેષ નવનીત આચાર્ય અને કરાર અંતર્ગત ગેરકાયદે ગેસ સિલિન્ડર્સનું વેચાણ સંગ્રહ કરતા નવીન ધરમશીભાઈ માલી સામે રાપર મામલતદારે એલપીજી (સપ્લાય એન્ડ ડિસ્ટ્રીબ્યુશન રેગ્યુલેશન્સ) ઓર્ડર, ગેસ સિલિન્ડર રૂલ્સ, એક્સપ્લોઝીવ એક્ટ, એસેન્સિયલ કૉમોડિટી એક્ટની વિવિધ જોગવાઈઓ તળે ફોજદારી ફરિયાદ નોંધાવી છે.
Share it on
|