|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ મુંદરાના ભદ્રેશ્વરની નદીના પટમાંથી ગેરકાયદે રેતી ખોદી ડમ્પરોમાં પરિવહન કરી રહેલા ચાર જણે ખાણ ખનિજ ખાતાની ટીમ જોડે માથાકૂટ કરી જેસીબીને ભગાડી દીધું હોવાનો બનાવ બન્યો છે. પૂર્વ કચ્છ ખાણ ખનિજ કચેરીમાં નોકરી કરતા રોયલ્ટી ઈન્સ્પેક્ટર હાર્દિક દિલીપભાઈ પટેલ બુધવારે સાંજે સરકારી જીપમાં સહકર્મચારીઓ જોડે તપાસ અર્થે નીકળ્યાં હતા. સાંજે સાડા પાંચના અરસામાં ભદ્રેશ્વર નદીના પુલ પર એક જેસીબી અને સાદી રેતી ભરેલું ડમ્પર જોવા મળતાં તેમની ટીમ ચેકિંગ કરવા નદીના પટમાં ગયેલી.
નદીના પટમાં પણ એક જેસીબી અને એક ડમ્પર જોવા મળેલું. સરકારી જીપ જોઈને ત્યાં હાજર લોકો નાસવા માંડેલાં. ડમ્પરનો ચાલક ડમ્પરને ખાલી કરી ડમ્પર લઈ નાસી ગયેલો.
જો કે, જેસીબી રેતીમાં ફસાઈ જતા તેમાં સવાર ડ્રાઈવર અને અન્ય એક શખ્સ જેસીબીને ત્યાં જ મૂકીને નાસી ગયેલાં. ખનિજ ખાતાના કર્મચારીઓએ સ્થળ પર તપાસ કરી રહ્યા હતા ત્યાં સહદેવસિંહ વિક્રમસિંહ જાડેજા નામનો શખ્સ ત્યાં આવ્યો હતો. ‘અમે પંચાયતનું કામ કરીએ છીએ’ કહીને સહદેવે ગાળાગાળી કરી ફોન કરીને તેના મળતિયાઓને સ્થળ પર બોલાવ્યાં હતા. ખનિજ તંત્રએ મુંદરા મરીન પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
દરમિયાન, સહદેવે દાદાગીરી કરીને તેના માણસોને જેસીબી લઈ જવાનું કહીને દાદાગીરીથી જેસીબી ત્યાંથી ભગાડી દીધું હતું. તેની પાસે રેતી ખનન અંગે કોઈ આધાર પુરાવા નહોતાં.
બનાવ અંગે રોયલ્ટી ઈન્સ્પેક્ટર હાર્દિક પટેલે સહદેવ અને તેના ત્રણ અજાણ્યા મળતિયા સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી છે.
વીજ લાઈન પસાર ના કરવા દેવાતાં ચાર સામે ફરિયાદ
ભુજની ભાગોળે હરીપર ગામમાં ખેડૂત પરિવારે પડોશી ખેડૂતના વીજ જોડાણ માટે પોતાના ખેતરમાંથી વીજ લાઈન પસાર કરવા ના દઈને બબાલ કરતાં વીજ તંત્રના નાયબ ઇજનેરે ચાર લોકો સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી છે. હરીપરની સીમમાં ખેતર ધરાવતા કલ્યાણભાઈ વેલજીભાઈ હિરાણીએ પોતાના ખેતરમાં વીજ જોડાણ માટે અરજી કરેલી.
પંદર દિવસ અગાઉ પીજીવીસીએલની ટીમ વીજ જોડાણ આપવા ગયેલી ત્યારે બાજુમાં ખેતર ધરાવતા પરિવારે પોતાના ખેતરમાંથી વીજ લાઈન પસાર કરવા દેવાનો ઈન્કાર કરતાં વીજ તંત્રની ટીમ પરત આવી ગયેલી.
આ મુદ્દે અરજદારે મુખ્યમંત્રી ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’માં રજૂઆત કરતાં કલેક્ટરના હુકમ અન્વયે આજે વીજ તંત્રની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે વીજ જોડાણ આપવા ગયેલી.
જો કે, પોતાના ખેતરમાંથી કોઈ કાળે વીજ લાઈન પસાર નહીં કરવા દઈએ તેમ કહીને પ્રવિણ રવજી હિરાણી, હંસાબેન પ્રવિણ હિરાણી, કસ્તુરબેન રવજી હિરાણી અને જયશ્રીબેન અરવિંદ હિરાણી ડખ્ખો કરી ખેતરમાં પાથરેલા વીજ વાયર પર બેસી ગયાં હતા.
આરોપીઓએ એકસંપ થઈને કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હોવાની ભુજ રુરલ સબ ડિવિઝનના નાયબ ઇજનેર વી.કે. સુવેરાએ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
Share it on
|