click here to go to advertiser's link
Visitors :  
20-Jun-2025, Friday
Home -> Bhuj -> Gold cheater gang cheats Rs 60 Lakh in Bhuj Two Held
Thursday, 19-Jun-2025 - Bhuj 5134 views
સસ્તાં સોનાના નામે ભુજના ૩ ચીટરે રાજસ્થાનના યુવક જોડે ૬૦ લાખ રૂપિયાની ઠગાઈ કરી
કચ્છખબરડૉટકોમ, ભુજઃ સસ્તાં સોનાના નામે દેશભરના લોકો સાથે ઠગાઈ કરતા ભુજના રીઢા ચીટરોની ત્રિપુટીએ રાજસ્થાનના યુવક જોડે ૬૦ લાખ રૂપિયાની ઠગાઈ કર્યાનો બનાવ બહાર આવ્યો છે. ભુજ બી ડિવિઝન પોલીસ મથકે  ગુનો નોંધાયા બાદ LCBએ તપાસ સંભાળી છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં રહેતો ૨૯ વર્ષિય ફરિયાદી ઉમેશ શર્મા આઈટી કંપનીમાં ડિજીટલ માર્કેટીંગનું કામ કરે છે. એપ્રિલ ૨૦૨૪માં ઉમેશ અને તેના મામાના પુત્ર રીષભ કાલિયાને તેમનો પરિચિત અશ્વિની ગૌતમ (રહે. મૂળ હિમાચલ પ્રદેશ) રૂબરૂ મળેલો.
૭ લાખમાં ૧ કિલો સોનુ આપવાની લાલચ આપેલી

અશ્વિનીએ પોતાના એક સંબંધી ભુજમાં કસ્ટમ ઑફિસર તરીકે નોકરી કરતા હોવાનું અને સસ્તામાં સોનુ આપતા હોવાનું જણાવેલું. ચારેક મહિના બાદ અશ્વિની બેઉને ફરી મળેલો અને તેના સંબંધી કથિત કસ્ટમ અધિકારી સોનુ સિંધી જોડે ફોન પર વાત કરેલી. સોનુ સિંધીએ તેમને ૬૭ લાખ રૂપિયામાં ૧ કિલો સોનુ આપવાનું કહીને ભુજમાં રૂબરૂ બોલાવ્યાં હતાં.

૧૫ ઑગસ્ટના રોજ ફરિયાદી ઉમેશ તેના મામાના પુત્ર રીષભ અને અશ્વિની સાથે ૬૭ લાખ રોકડાં રૂપિયા લઈને ભુજ આવેલો અને માધાપરની હોટેલમાં રોકાયો હતો.

પોતાના મકાન પર લોન મેળવી, લગ્ન માટે કરી રાખેલી બચત અને મિત્રો-સંબંધીઓ પાસેથી હાથ ઉછીના મેળવીને ફરિયાદીએ આટલા રૂપિયા એકઠાં કર્યાં હતાં.

રૂપિયા લઈ સોનુ ના આપી નવા નવા બહાના કર્યાં

હોટેલ પર તેમને સોનુ સિંધીના બે પાર્ટનર મહેશ અને મુન્નો મળવા આવેલા અને બેઉ જણ તેમને ભુજમાં સોનુ સિંધીના ફાર્મ હાઉસ પર લઈ ગયેલાં. ફરિયાદીએ સોનુ ૬૭ લાખ રૂપિયા આપી દીધા હતા પરંતુ સોનુ સિંધીએ પોર્ટ પર ગોલ્ડ પડ્યું હોવાનું અને હાલ લઈ આવવું મુશ્કેલ હોવાનું જણાવીને પંદર દિવસની અંદર ગોલ્ડ આપી દેવાનું વચન આપેલું. તેમના પર ભરોસો રાખીને ત્રણેય જણ પરત રાજસ્થાન જતા રહેલાં. ૦૩-૦૯-૨૦૨૪ના રોજ ફરિયાદી અને રીષભ ફરી ભુજ આવીને સોનુ સિંધીને રૂબરૂ મળેલાં.

સોનુએ માલ આપવાના બદલે નવું બહાનું કરેલું કે અમારું બધુ સોનુ પોલીસે જપ્ત કરી લીધું છે, તેને છોડાવવું હોય તો તમારે બે કરોડ આપવા પડશે.

ફરિયાદી અને તેના ભાઈના નવેમ્બરમાં લગ્ન નક્કી થયેલાં અને તે પ્રસંગ માટે તે સોનુ ખરીદવા ઈચ્છતો હોઈ તેણે લગ્નની તારીખ પહેલાં કાં સોનુ અથવા રૂપિયા પરત આપી દેવા જણાવ્યું હતું. જેથી, સોનુએ પોતે દુબઈની ફરી ટ્રીપ મારીને તેમને એક કિલો ગોલ્ડ આપી દેશે તેમ કહીને પરત રાજસ્થાન રવાના કરી દીધા હતા.

ભુજના અન્ય યુવકને વાત કરતાં ચીટરોનો ભાંડો ફૂટ્યો

બે મહિના વીતી ગયાં બાદ પણ રૂપિયા કે ગોલ્ડ મળ્યા નહોતાં. આ મામલે ફરિયાદીએ રાજસ્થાનમાં રહેતા તેના મિત્ર ઈમરાન હસનને વાત કરતાં ઈમરાને ભુજમાં જાવેદ સમા નામનો પોતાનો એક મિત્ર રહેતો હોવાનું જણાવી તેની મદદ મેળવવાનું નક્કી કર્યું હતું.

જાવેદને બધી વાત કરીને ત્રણે જણના ફોટો વોટસએપ પર મોકલતાં જાવેદે જણાવ્યું હતું કે આ લોકોએ નકલી નામો ધારણ કરીને સસ્તાં સોનાના નામે તમારી જોડે ચીટીંગ કર્યું છે.

સોનુ સિંધી નામનો શખ્સ હકીકતે અકીલ આમદ નોડે (રહે. મહેરુન પાર્ક, આત્મારામ સર્કલ નજીક, ભુજ), મહેશ નામનો શખ્સ વાસ્તવમાં અનવર ઈશાક તુર્ક (રહે. ડીપી ચોક, કેમ્પ એરિયા, ભુજ) અને મુન્નો નામનો શખ્સ અસલિયતમાં અકબર અબ્બાસ કેવર (રહે. ગાંધીનગરી, એરપોર્ટ રોડ, ભુજ) હોવાનો જાવેદે ભાંડો ફોડ્યો હતો.

ફરિયાદની બીકે સાત લાખ પરત આપ્યાં, ૬૦ લાખની ટોપી

૯ ફેબ્રુઆરી ૨૦૨૫માં ફરિયાદી ઈમરાનને લઈ ભુજમાં જાવેદને મળવા આવેલો. જાવેદે અકીલને વાત કરીને જો રૂપિયા પરત ના મળે મામલો પોલીસ સ્ટેશન જવાની વાત કરેલી. જેથી અકીલે ત્રણેને નાગોર રોડ પર અનવરના ફાર્મ હાઉસ ખાતે મળવા બોલાવેલાં અને પાંચ લાખ રોકડાં રૂપિયા પરત આપીને બાકીના રૂપિયા ત્રણ માસમાં ચૂકવી દેવાનો વાયદો કરેલો. મે માસમાં અકીલે વધુ બે લાખ રૂપિયા ઓનલાઈન મોકલ્યાં હતાં. ૬૭ લાખમાંથી કેવળ ૭ લાખ પરત કર્યા બાદ અકીલે ‘હવે મારી પાસે રૂપિયા નથી, ભુજ આવીશ તો જીવતો નહીં મૂકું’ તેમ કહીને ગાળો ભાંડીને ફોન ઉપાડવાનું બંધ કરી દીધા બાદ ફરિયાદી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આશ્ચર્યની બાબત એ છે કે ચીટરો જોડે ઓળખાણ કરાવનાર અશ્વિની નામના શખ્સને પોલીસે આરોપી બનાવ્યો નથી! 

ત્રિપુટી પૈકીનો એક ઝડપાયો, વધુ એક ગુનો દાખલ

ગુનો નોંધાયા બાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે મુન્નો નામ ધારણ કરનાર ગાંધીનગરીના અકબર અબ્બાસ કેવરની ધરપકડ કરી લીધી છે. અકબર સાથે પોલીસે ફૈઈમ અબ્દુલગની ચાકી (રહે. જૂની બકાલી કોલોની, ભુજ)ની પણ ધરપકડ કરી છે. અકબર અને ફૈઈમે ફેસબૂક તથા ઈન્સ્ટાગ્રામ પર નકલી નામો ધારણ કરીને સોનાના બિસ્કીટ તથા પાંચસોની નોટોની ગડ્ડીઓના વીડિયો પોસ્ટ કરેલી છે.

આ વીડિયો અકબરના નાગોર રોડ પરના ફાર્મ હાઉસમાં બનાવ્યાં હતા.

સસ્તાં સોના અને એક કા તીન જેવા લોભામણાં વચનોની જાળ પાથરીને બેઉ જણ નિર્દોષ લોકોને લલચાવીને છેતરપિંડી કરતા હોવાના પ્રયાસ બદલ એલસીબી હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર રાવલે સરકાર તરફે બી ડિવિઝનમાં વધુ એક ફરિયાદ નોંધાવી છે.

Share it on
   

Recent News  
LPG બાટલાના ગેરકાયદે કારોબાર બદલ ગાંધીધામની નવનીત એજન્સીના જવાબદારો સામે ફોજદારી
 
ભદ્રેશ્વરમાં ખનિજ તંત્રની ટીમ જોડે ડાટી ડફારા કરીને ચાર જણે જેસીબીને ભગાડી દીધું
 
કંડલામાં ટ્રકો પાસેથી ઉઘરાણાં કરતો કસ્ટમનો હેડ હવાલદાર ACBના છટકામાં સપડાયો