કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક જ અઠવાડિયાની અંદર સતત બીજી વખત ઈંગ્લિશ દારૂ બિયરનો જંગી જથ્થો જપ્ત કર્યો છે. LCBએ ગાંધીધામના પડાણા ગામની સીમમાં મીઠાના અગરોની ખુલ્લી જગ્યામાં ટેન્કરમાં લવાયેલાં શરાબના કટિંગ ટાણે દરોડો પાડીને ૨૪.૬૪ લાખનો દારૂ જપ્ત કર્યો છે. જો કે, રાબેતા મુજબ આરોપીઓ પોલીસને હાથતાળી આપી નાસી છૂટ્યાં છે. બરાબર કટિંગ ટાણે રેઈડ પાડી પરંતુ આરોપી ફરાર
ગત ૧૬મી સપ્ટેમ્બરે LCBએ ગળપાદરમાં કટિંગ ટાણે ત્રાટકીને ૬૦.૬૪ લાખનો શરાબ ઝડપ્યો હતો. આજે પડાણાની સીમમાં વિશાલ ધરમશી મ્યાત્રા (રહે. ગળપાદર, ગાંધીધામ) અને મુકેશ ખીમજીભાઈ હુંબલ (રહે. પડાણા)એ ભેગાં મળીને ટેન્કરમાં દારૂ મગાવ્યો હોવાનું અને હાલ તેનું અન્ય વાહનોમાં કટિંગ થઈ રહ્યું હોવાની બાતમીના આધારે LCB ત્રાટકી હતી. પોલીસને જોઈ સ્થળ પર હાજર શખ્સો ફરાર થઈ ગયા હતા.
બૂટલેગરની માલિકીનું ટેન્કર સ્કોર્પિયો કાર જપ્ત
સ્થળ પર પડેલા ટેન્કર અને સ્કોર્પિયોમાંથી LCBએ ૨૪.૬૪ લાખની કિંમતના વિવિધ બ્રાન્ડના શરાબ અને બિયરની બાટલીઓ ટીન જપ્ત કર્યાં હતા. ટેન્કરમાંથી મળેલી આરસી બૂક મુજબ ટેન્કર મુકેશ ખીમજી હુંબલની માલિકીનું અને સ્કોર્પિયો કાર વિવેક ધરમશી મ્યાત્રા (રહે. નાગેશ્વર સોસાયટી, ગળપાદર)ની માલિકીનું હોવાનું સ્પષ્ટ થયું છે.
ઝડપાયેલો વ્હિસ્કીનો જથ્થો રાજસ્થાનની ડિસ્ટલરીઝનો છે.
LCBએ શરાબ ઉપરાંત ૨૦ લાખના ટેન્કર અને ૧૫ લાખની કાર મળી કુલ ૫૯.૬૪ લાખનો મુદ્દામાલ કબજે કરી વિશાલ મ્યાત્રા, મુકેશ હુંબલ, બંને વાહનોના ચાલકો, દારૂ મોકલનાર શખ્સ વિરુધ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહિબિશનની વિવિધ કલમો તળે ફરિયાદ નોંધાવી છે.
બંને બૂટલેગર અગાઉ પોલીસ ચોપડે ચઢી ચૂકેલાં છે
વિશાલ પ્રોહિબિશનના ત્રણ ગુના તેમજ મારામારી સહિતના કુલ સાત ગુનાઓમાં અગાઉ પોલીસ ચોપડે ચિતરાયેલો છે તો મુકેશ પર પણ ગાંધીધામમાં પ્રોહિબિશનના બે ગુનાની હિસ્ટ્રી છે. દરોડાની કામગીરીમાં LCB પીઆઈ એન.એન. ચુડાસમા અને પીએસઆઈ ડી.જી. પટેલ સહિતનો સ્ટાફ જોડાયો હતો.
ઉલ્લેખનીય છે કે, ૧૬ સપ્ટેમ્બરે LCBએ ગળપાદરમાં ૬૦.૬૪ લાખનો શરાબ ઝડપ્યો તે સાંજે અંજાર પોલીસે અંજાર GIDCના એક ગોડાઉનમાં રેઈડ કરીને ૮૧ લાખનો શરાબ જપ્ત કર્યો હતો.
Share it on
|