કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ‘નો ડ્રગ્ઝ ઈન કચ્છ’ ઝુંબેશ છેડીને પૂર્વ કચ્છ પોલીસે નશીલા અને માદક દ્રવ્યોના વેચાણ કારોબાર પર લાંબા સમયથી ધોંસ બોલાવી છે. આ ઝુંબેશ અંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાન્ચે અંજારના વરસામેડીમાં આવેલી શાંતિધામ-01 સોસાયટીમાં ભાડે રહીને હેરોઈનનું વેચાણ કરતા પંજાબી યુવકને ૨૦.૭૨ લાખની કિંમતના ૪૧.૪૫ ગ્રામ હેરોઈન સાથે ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે LCBની ટીમે શાંતિધામમાં ભાડે રહેતા નિર્મલસિંઘ સોહનસિંઘ મજબી (શીખ) (ઉ.વ. ૪૩, મૂળ રહે. તરનતારન, પંજાબ)ને ઝડપી પાડ્યો છે.
પંજાબમાં હેરોઈન ‘ચિટ્ટા’ તરીકે પ્રચલિત
ઘરની જડતી દરમિયાન પોલીસે પૂછપરછ કરતાં નિર્મલે સોફાના ગાદલા નીચે ‘ચિટ્ટા’ છૂપાવ્યું હોવાનું કબૂલ્યું હતું. પંજાબી ભાષામાં સફેદ રંગને ચિટ્ટા કહેવાય છે. પંજાબમાં વર્ષોથી ડ્રગ્ઝની બદી ફેલાયેલી છે અને હેરોઈન, કોકેઈન, મોર્ફિન વગેરે જેવા માદક દ્રવ્યોનો રંગ પણ આછી પીળાશ સાથેના સફેદ રંગનો હોઈ બંધાણીઓમાં તે ચિટ્ટા તરીકે પ્રચલિત છે.
પંજાબના અંગ્રેજસિંઘ પાસેથી હેરોઈન મેળવેલું
પ્રાથમિક પૂછપરછમાં નિર્મલસિંઘે ડ્રગ્ઝનો જથ્થો તેના વતનના ગામ નજીક રહેતા અંગ્રેજસિંઘ જસ્સાસિંઘ મજબી (શીખ) પાસેથી મેળવ્યો હોવાનું કબૂલ્યું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં હાઈવે હોટેલો સહિત આ રીતે પંજાબીઓ દ્વારા ચાલતાં માદક દ્રવ્યોના વેચાણ અને હેરફેરના અનેક ગુના પોલીસ ચોપડે નોંધાઈ ચૂકેલાં છે. આરોપીની અંગજડતી લેતા તેની પાસેથી એક રેલવે ટિકિટ, ૧૦૫૦૦ના બે મોબાઈલ ફોન, ૪૩૪૫ રોકડાં રૂપિયા, આધાર કાર્ડ વગેરે મળી આવ્યા છે.
નિર્મલસિંઘ અને અંગ્રેજસિંઘ સામે અંજાર પોલીસ મથકે એનડીપીએસની વિવિધ ધારાઓ તળે ગુનો નોંધાવાયો છે.
પીઆઈ એન.એન.ચુડાસમા અને પીએસઆઈ ડી.જી. પટેલ સહિતની ટીમે આ સફળ કામગીરી કરી હતી.
Share it on
|