|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામ કંડલા નજીક ભારાપર ગામના સીમાડે મોટાં વાહનમાં ઈંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો મગાવનારા ગણેશનગરના બૂટલેગર પર કટિંગ ટાણે જ પોલીસે ત્રાટકીને ૩૭.૨૧ લાખનો માલ જપ્ત કર્યો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને ગાંધીધામ બી ડિવિઝન પોલીસે એક જ રાતમાં બે જુદી જુદી જગ્યાએ પાડેલાં દરોડા દરમિયાન બૂટલેગર અને તેનો સાગરીત પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યાં હતા. ભારાપર પાસેથી ૨૨.૩૯ લાખનો શરાબ જપ્ત
ગાંધીધામ ગણેશનગરમાં રહેતા ધીરજ પ્રેમજીભાઈ ધેડાએ ભારાપર સીમમાં એલપી ગોડાઉન પાછળ બાવળની ઝાડીમાં દારૂનો મોટો જથ્થો ઉતાર્યો હોવાનું અને હાલ તેનું કટિંગ કરી સગેવગે કરવાની ફિરાકમાં હોવાની બાતમીના આધારે મધરાત્રે પૂર્વ કચ્છ LCBએ સ્થળ પર દરોડો પાડ્યો હતો.
દૂરથી તાપણું તાપી રહેલો ધીરજ પોલીસની ટોર્ચની લાઈટ જોઈને બાવળની ઝાડીઓમાં પલાયન થઈ ગયો હતો.
પોલીસે સ્થળ પરથી રોયલ ચેલેન્જ બ્રાન્ડની વ્હિસ્કીની ૧ હજાર પેટી, રોયલ સ્ટેગ બ્રાન્ડની વ્હિસ્કીની ૨૯ પેટી અને હેવર્ડ્ઝ બ્રાન્ડના બિયરની ૪૩ પેટી મળી કુલ ૨૨.૩૯ લાખ રૂપિયાનો શરાબનો જથ્થો જપ્ત કરી કંડલા મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
સ્વિફ્ટ અને ઈનોવા કારમાંથી ૧૪.૮૨ લાખનો માલ જપ્ત
બીજી તરફ, આ જ સમયગાળા દરમિયાન ધીરજ અને તેનો સાગરીત બે જુદી જુદી કારમાં દારૂની પેટીઓ લઈને ભારાપરથી કંડલા ઝોન તરફ આવી રહ્યાં હોવાની બાતમીના આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે બેઉને ઝડપી લેવા રોડ પર વૉચ ગોઠવી હતી. પોલીસને જોઈ સ્વિફ્ટ કાર હંકારી રહેલો ધીરજ ધેડા કારને રોડની સાઈડમાં નીચે ઉતારી અંધારામાં બાવળની ઝાડીઓમાં નાસી ગયો હતો. તો પાછળ ઈનોવા કારમાં આવી રહેલો ધીરજનો સાગરીત પણ પોલીસને જોઈ કાર સ્થળ પર મૂકી અંધારામાં ફરાર થઈ ગયો હતો.
પોલીસે GJ-12 FA-5576 નંબરની સ્વિફ્ટ કારમાંથી વ્હિસ્કીની ૩૦ પેટી અને GJ-12 AK-0898 નંબરની ઈનોવા કારમાંથી વ્હિસ્કીની ૬૫ પેટી મળી કુલ ૧૪.૮૨ લાખ રૂપિયાનો શરાબ જપ્ત કર્યો હતો.
પોલીસે દારૂ ઉપરાંત ૩-૩ લાખની કિંમતની બેઉ કાર જપ્ત કરી ધીરજ ધેડા અને તેના અજાણ્યા સાગરીત સામે ગુનો દાખલ કર્યો હતો. કાર્યવાહીમાં એલસીબીના પીઆઈ એન.એન. ચુડાસમા, પીએસઆઈ ડી.જી. પટેલ તથા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ ઈન્સ્પેક્ટર એસ.વી. ગોજીયા, પીએસઆઈ એલ.એન. વાઢીયા અને સ્ટાફ જોડાયો હતો.
ધીરજ સામે અગાઉ ૨૦૨૨ અને ૨૦૨૩માં દારૂબંધી હેઠળના બે ગુના તથા મારામારી, ધાકધમકીના ત્રણ ગુના મળી પાંચ ગુના નોંધાયેલાં છે.
Share it on
|