|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામના કલેક્ટર રોડ પર સુલભ શૌચાલય નજીક ખુલ્લી જગ્યામાં ખાટલા પર બેસીને મેફેડ્રોન (એમડી) ડ્રગ્ઝનું છૂટક વેચાણ કરતા ૬૫ વર્ષિય વૃધ્ધને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસની આંખમાં ધૂળ નાખવા આરોપી સલીમ હુસેન મોવરે જમણા પગમાં ઈલાસ્ટિક બેન્ડ (મેડિકલ બેલ્ટ) પહેર્યો હતો અને તેમાં ૭૪ હજાર ૪૩૦ રૂપિયાની કિંમતના ૨૪.૮૧ ગ્રામ એમડી ડ્રગ્ઝની પડીકી છૂપાવી હતી. પોલીસે પેન્ટ હટાવીને પગમાં ધારણ કરેલો પાટો (ઈલાસ્ટિક બેન્ડ) કઢાવતાં પડીકી મળી આવી હતી. સલીમ અહીં બપોરથી મોડી રાત સુધી ખાટલાં પર બેસીને ડ્રગ્ઝની પડીકીઓ વેચતો હોવાની બાતમીના પગલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ ઈન્સ્પેક્ટર એમ.ડી. ચૌધરી અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં સલીમે જણાવ્યું કે રાજસ્થાનના પ્રતાપગઢનો મુબારક નામનો શખ્સ તેને ગાંધીધામમાં આવી એમડી સપ્લાય કરી જતો હતો અને એક ગ્રામના એક હજાર રૂપિયા લેખે તેનું છૂટક વેચાણ કરતો હતો.
સલીમની અંગઝડતીમાંથી પોલીસને ૧૦ હજાર ૪૯૦ રોકડાં રૂપિયા, ઝીપ લૉકવાળી પ્લાસ્ટિકના ચાર ખાલી પાઉચ, એમડીનું વજન કરવા માટેનો પોકેટ ડિજિટલ વજનકાંટો, મોબાઈલ ફોન, બીડી-સિગારેટ વગેરે મળી આવ્યા હતા. પોલીસને પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે સલીમ ચાર પાંચ માસ અગાઉ અજમેરની મુલાકાતે ગયેલો ત્યારે તેને મુબારકનો ભેટો થયેલો. સલીમ અને મુબારક સામે એનડીપીએસની ધારાઓ તળે ગુનો નોંધાયો છે.
Share it on
|