|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ તાલુકાના હાજાપર ગામના ૩૧ વર્ષિય શબ્બિર અલી જામ (મુસ્લિમ ગરાસિયા)ની ઘાતકી હત્યા કરવાના ગુનામાં ઝડપાયેલાં અરવિંદ જયંતીભાઈ સથવારા (દેવીપૂજક)એ ચાર્જશીટ બાદ કરેલી નિયમિત જામીન અરજી કૉર્ટે ફગાવી દીધી છે. હત્યાનો બનાવ ગત ૧ ઑગસ્ટના રોજ બન્યો હતો અને શબ્બિરની લાશ બીજા દિવસે ગામના તળાવ પાસેથી મળી આવી હતી. બનાવ અંગે મૃતકના ભાઈએ દસ હજાર રૂપિયાની લેતી-દેતીના મામલે મથડા ગામની સીમમાં વાડીએ મજૂરી કરતા અરવિંદ જયંતીભાઈ સથવારા સામે શંકા દર્શાવી ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં પુરાવા મળ્યાં બાદ પધ્ધર પોલીસે અરવિંદ અને તેની પત્નીની ધરપકડ કરેલી.
જુગારના નાણાંની ઉઘરાણી મામલે હત્યા કરેલી
પોલીસે આરોપ કર્યો છે કે શબ્બિરે અરવિંદને જુગાર રમવા માટે દસ હજાર રૂપિયા આપેલાં. આ નાણાંની ઉઘરાણી હેતુ શબ્બિરે અરવિંદની મોટર સાયકલ પોતાની પાસે રાખી લીધી હતી.
બનાવના દિવસે જુગારમાં પૈસા હારી જતા શબ્બિર મોટર સાયકલ લઈને રૂપિયા લેવા માટે મથડા ગયેલો અને ત્યારબાદથી તે લાપત્તા થયેલો.
અરવિંદે શબ્બિરને ચાકુના ઘા ઝીંકી મારી નાખેલો. લોહીવાળા લુગડાં ધોઈ નાખીને અરવિંદની પત્નીએ પુરાવાનો નાશ કરેલો હોઈ પોલીસે તેની પણ ધરપકડ કરેલી. અરવિંદની પત્નીને કૉર્ટે જામીન પર મુક્ત કરતા અરવિંદે સમાનતાના સિધ્ધાંતના આધારે પોતાને પણ જામીન પર છોડવા રજૂઆત કરેલી. જો કે, સરકારી વકીલ ડી.જે. ઠક્કરે દલીલ કરેલી અરવિંદ ગુનાનો મુખ્ય સૂત્રધાર છે.
હત્યાના બનાવમાં તેની પત્નીની ભૂમિકા લોહીવાળા લુગડાં ધોવા પૂરતી મર્યાદિત હતી. તેની સામે અરવિંદની ભૂમિકા વધુ ગંભીર છે.
અરવિંદ સામે સીસીટીવી ફૂટેજ સહિતના મજબૂત પુરાવા છે. વળી, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો રિપોર્ટ હજુ આવ્યો નથી. ગુનાનો પ્રકાર અને ગંભીરતા જોઈને સેશન્સ જજ દિલીપ પી. મહિડાએ અરજી ફગાવી દીધી છે.
Share it on
|