કચ્છખબરડૉટકોમ, લાકડીયાઃ વર્ષોથી મુંબઈ રહેતા વાગડવાસીઓની કરોડોની જમીનોના બોગસ આધાર પુરાવા અને નકલી માણસો ઊભાં કરી બારોબાર વેચી ખાવાના કૌભાંડમાં લાકડીયા પોલીસે એક જ પરિવારના ત્રણ જણ સહિત વધુ ચાર લોકોની મુંબઈથી ધરપકડ કરી છે. તાજેતરમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે નકલી આધાર કાર્ડ અને માણસો ઊભાં કરતા પરેશ દામજી ગડા (રહે. મૂળ સામખિયાળી, હાલ રહે. મુંબઈ દહીંસર)ની ધરપકડ કરેલી. પરેશ ગડાની પૂછપરછમાં મુંબઈના આ ચાર જણની સંડોવણી સ્પષ્ટ થયેલી. નકલી માલિક બનતો મુંબઈનો દામજી નંદુ ઝડપાયો
દસ દિવસ અગાઉ બીજી જૂલાઈના રોજ લાકડીયા પોલીસ મથકે રોહિતગીરી પ્રભુગીરી ગોસ્વામી, હાસમ બાબુભાઈ મીર (રહે. સામખિયાળી), પરેશ દામજી ગડા (રહે. મુંબઈ) સામે શાંતિલાલ વીરજી છાડવા નામના જમીન માલિકનું બોગસ આધાર કાર્ડ બનાવીને, બોગસ માણસને શાંતિલાલ છાડવા તરીકે રજૂ કરીને લાકડીયાની રેવન્યૂ સર્વે નંબર ૩૭૬/૧ની જમીન રાજેશ ભગુભાઈને ૩૦ લાખમાં વેચાણ કરી હોવાની અને સુથી પેટે ૧૧ લાખ રોકડાં આપ્યા હોવાના સાટા કરાર કર્યાં હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે ગુનામાં પોલીસે દામજી ખીમજી નંદુ (રહે. બોરીવલી ઈસ્ટ, મુંબઈ)ની ધરપકડ કરી છે.
દામજીના પત્ની પુત્ર સહિત ત્રણની અન્ય કૌભાંડમાં ધરપકડ
જમીન કૌભાંડ અંગે લાકડીયા પોલીસ મથકે ૧૯-૧૧-૨૦૨૪ના રોજ લાકડીયાના મુકેશ જાટાવડિયાએ દાખલ કરાવેલી અન્ય એક ફરિયાદ અન્વયે પોલીસે દામજી નંદુની પત્ની હંસા, પુત્ર યશ ઊર્ફે દિપ તથા મીતેશ બિપીનભાઈ સોલંકી (મૂળ રહે. ભાવનગર, હાલ રહે. મહાલક્ષ્મી, મુંબઈ)ની પણ ધરપકડ કરી છે. આ ગુનામાં જે-તે સમયે રોહિત બાવાજી અને વિહાભાઈ ગેલાભાઈ ભરવાડ (રહે. થોરીયારી, રાપર) સહિતના અજાણ્યા શખ્સો સામે ફરિયાદ દાખલ થયેલી અને પોલીસે રોહિત તથા વિહાની ધરપકડ કરેલી.
રોહિત અને પરેશ જમીન કૌભાંડના સૂત્રધાર
લાકડીયા પીઆઈ જે.એમ. જાડેજાએ જણાવ્યું કે ઉપરોક્ત બંને ફરિયાદો સહિતના અન્ય જમીન કૌભાંડમાં રોહિત બાવાજી અને મુંબઈનો પરેશ ગડા સૂત્રધાર હોવાનું પૂછપરછમાં સપાટી પર તરી આવ્યું છે.
૨૦૨૪ના ગુનામાં જે-તે સમયે રોહિત અને વિહા ભરવાડની ધરપકડ થયેલી અને તેમાં પરેશનું નામ ખૂલેલું. ત્યારથી તે નાસતો ફરતો હતો. તાજેતરમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે તેને દબોચી લીધો હતો.
લાકડીયામાં રહેતો રોહિત વર્ષોથી મુંબઈ સ્થાયી થયાં હોય તેવા પરિવારોની માલિકીની જમીનોની તપાસ કરતો. જમીનોમાં છેલ્લાં દસ પંદર વર્ષ દરમિયાન કોઈ નવી નોંધ કે કાર્યવાહી ના થઈ હોય તે જાણીને તે પરિવાર વિશે પ્રાથમિક માહિતી મેળવતો.
પરેશ નકલી આધાર બનાવી નંદુ પરિવારને ઊભો કરતો
મુંબઈગરા વાગડના વતનીઓની જમીન અંગે રોહિત પરેશ ગડાને માહિતી આપતો. પરેશ જમીનના મૂળ માલિકના નામે કમિશન આપીને દામજી નંદુ તથા તેની પત્ની, પુત્રને અસલ માલિક તરીકે ઊભાં કરી બોગસ આધાર કાર્ડ બનાવડાવતો. રોહિત સ્થાનિકે ‘બકરાં’ શોધતો.
‘બકરો’ મળ્યે રોહિત અને પરેશ બેઉ જણ દામજી નંદુ એન્ડ ફેમિલીને મૂળ માલિક તરીકે સ્થાનિક રજિસ્ટ્રાર કચેરીમાં રજૂ કરીને દસ્તાવેજ બનાવડાવી લેતાં.
સારું કમિશન મળવાની લાલચે નંદુ પરિવાર નકલી આધાર સાથે જમીનના માલિક બનીને સહીઓ કરી દેતો હતો.
વિવિધ જમીન કૌભાંડમાં સામેલ છે આ ગેંગ
વાગડમાં બારોબાર વેચસાટ કરાયેલી અનેક મુંબઈગરા જૈનોની માલિકીના જમીન કૌભાંડમાં રોહિતગીરી બાવાજી, પરેશ ગડા, રાપરનો વિહો, સામખિયાળીનો હાસમ મીર, રાજેશ નામના શખ્સોની ગેંગની સંડોવણી બહાર આવી ચૂકી છે. બીજી જૂલાઈએ દાખલ થયેલી ફરિયાદમાં સાત જણની સંડોવણી સ્પષ્ટ થઈ ચૂકી છે. આજે ત્રણ પકડાયાં છે, હજુ ચાર જણ પકડાવાના બાકી છે.
ઉલ્લેખનીય છે કે, વાગડમાં બારોબાર વેચાઈ જતી જમીનો મામલે મુંબઈનો જૈન સમાજ અવારનવાર ગુજરાત પોલીસ અને સરકાર સમક્ષ રજૂઆતો કરીને ચિંતા દર્શાવતો રહ્યો છે.
Share it on
|