પોલીસ વિરુધ્ધ રજૂઆત કરવા એટલાં બધા અરજદારો ઉમટ્યાં કે DGPએ બે હાથ જોડ્યાં!
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજની એક દિવસીય સત્તાવાર મુલાકાતે આવેલા ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય સમક્ષ આજે રજૂઆત કરવા કચ્છભરમાંથી એટલા બધાં લોકો ઉમટી પડ્યાં કે તેમણે ફાળવેલો એક કલાકનો સમય ઓછો પડી ગયો.
Video :
મોટાભાગે પોલીસની કામગીરીથી અસંતુષ્ઠ અરજદારોએ વિવિધ ગંભીર મુદ્દે રજૂઆતો કરી છે, તેથી આગામી દિવસોમાં ‘બેજવાબદાર’ પોલીસ અમલદારો કે કર્મચારીઓના તપેલાં ચઢી જાય તો પણ નવાઈ નહીં!
પોલીસના પ્રજાલક્ષી અભિગમ પર મૂક્યો ભાર
બોર્ડર રેન્જ અંતર્ગત પૂર્વ અને પશ્ચિમ કચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પોલીસ તંત્રની કામગીરીની સમીક્ષા ઈન્સ્પેક્શન કરવા આવેલા સહાયે પોલીસના પ્રજાલક્ષી અભિગમ પર સવિશેષ ભાર મૂક્યો હતો. પ્રજા અને પોલીસ વચ્ચેનું અંતર ઘટે તે હેતુથી ‘ત્રણ વાત તમારી અને ત્રણ વાત અમારી’ કાર્યક્રમનો ઉલ્લેખ કરીને તેમણે પોલીસ ચોકીના એએસઆઈથી લઈ પોલીસ સ્ટેશનના પીઆઈઓને દર બે મહિને એકવાર સ્થાનિક લોકો સાથે બેઠક યોજી જનતાને નડતી સમસ્યાઓ, તેમના વિચારોનું આદાન પ્રદાન કરવા પર ભાર મૂક્યો હતો.
અરજદારોની ભીડ ઉમટતાં અસમર્થતા દર્શાવી
ભુજમાં બોર્ડર રેન્જ કચેરીએ તેમણે રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સાથે આમજનતાની સમસ્યાઓ જાણવા માટે એક કલાક ફાળવ્યો હતો. જેમાં ૨૨ અરજદારોએ તેમના પ્રશ્નોની રજૂઆતો કરી હતી.
જો કે, મોટી સંખ્યામાં અરજદારો ઉમટી પડ્યાં હતા.
જેથી તેમણે બહાર આવીને પ્રત્યેકને રૂબરૂ મળી શકવામાં અસમર્થતા દર્શાવી, તેમની અરજીઓ સ્વીકારી તેના પર ગંભીરતાથી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. લગભગ મોટાભાગની રજૂઆતો સ્થાનિક પોલીસ ફરિયાદ દાખલ ના કરતી હોવાની કે ગુનેગારો સામે કડક કાર્યવાહી ના થતી હોવાને લગતી હતી.
અરજદારે ગંભીર આરોપ કર્યો છે કે ભુજના માધાપર અને મિરજાપરની પોલીસ ચોકીઓનું નિર્માણ ભૂમાફિયા અને બૂટલેગરે કરાવ્યું છે!
પોલીસ દળના પાકા સંકુલોના નિર્માણ માટે ખાસ પોલીસ આવાસ નિર્માણ બોર્ડ હોવા છતાં ભૂમાફિયાઓ અને બૂટલેગરો પોલીસ ચોકીઓ બનાવડાવે તે જાણીને સૌ ચોંકી ઉઠ્યાં છે.
વિવિધ પોલીસ અમલદારો વિરુધ્ધ ગંભીર રજૂઆતો
અંજારના એક અરજદારે ૨૦૨૩માં પોતે દારૂ-જુગાર અને ચરસ ગાંજા જેવી પ્રવૃત્તિઓ સામે રજૂઆત કરવા ગયો ત્યારે તત્કાલિન પોલીસ ઈન્સ્પેક્ટરે અરજી લેવાના બદલે હડધૂત કરીને કાઢી મૂકી ધાક ધમકી કરી હોવાનું જણાવ્યું હતું.
રાપરના એક અરજદારે પોતાના ઘરમાં ત્રીસ લાખની ચોરી થઈ હોવા છતાં, અંગત અદાવતમાં એક મહિલાએ માથામાં ધોકો મારી ઈજા કરી હોવા છતાં પોલીસ ફરિયાદ દાખલ કરવાના બદલે ઉલટી તેને દબડાવતી હોવાનો આરોપ લગાવ્યો હતો.
એક અરજદારે દેશી દારૂના માથાભારે બૂટલેગરે બાતમી આપતા હોવાની શંકા રાખીને પોતાના પિતાના માથામાં ધોકો મારીને ગંભીર રીતે ઘાયલ કર્યા હોવા છતાં પોલીસ એફઆઈઆર રજિસ્ટર કરતી ના હોવાની રજૂઆત કરી હતી.
સહાયે તેમની રજૂઆત સાંભળીને સાંજ સુધીમાં ફરિયાદ દાખલ થઈ જશે તેવું આશ્વાસન આપ્યું હતું.
ભુજના પોસ્ટ બચત કૌભાંડ અને આદિપુરના એસઆરસીને લગતાં કૌભાંડ અંગે પણ પોલીસ કાર્યવાહી ના કરતી હોવાની રજૂઆતો થઈ હતી.
એટ્રોસીટીમાં પોલીસ સ્ટેશનમાંથી જામીન અપાય છે
જ્ઞાતિ નિર્મૂલન સમિતિ નામની સંસ્થાએ એટ્રોસીટી એક્ટમાં સુધારા કરાઈ કેન્દ્ર સરકારે તેને વધુ કડક બનાવ્યો હોવા છતાં પોલીસ સ્ટેશનમાંથી જ આરોપીને જામીન આપી દેવાતા હોવા સહિતની રજૂઆત કરી હતી.
બોર્ડર વીંગમાં ભરતી કરો, હેડ ક્વાર્ટર અહીં જ રાખો
અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ પોતાનો મત વિસ્તાર અંતરિયાળ સરહદી વિસ્તાર હોઈ બોર્ડર વીંગ જવાનોની નવી ભરતી કરવા, બોર્ડર વીંગ બટાલિયનની કચેરી ભુજના બદલે પાલનપુર ખસેડવા થઈ રહેલી તજવીજ અટકાવવા મુદ્દે રજૂઆત કરી હતી.
વાતો ડાયલોગની પણ પત્રકારો સમક્ષ મોનોલોગ!
અરજદારોની ભીડ અને ગંભીર રજૂઆતો જાણીને પત્રકારોના સંભવિત પ્રશ્નોના મારાથી બચવા પત્રકારોને કોઈ જ પ્રશ્નોત્તરી કર્યાં વગર ડીજીપીનું એકતરફી બયાન (બાઈટ) જ રેકોર્ડ કરવા સ્થાનિક અધિકારીઓએ આગોતરી સૂચનાઓ આપી હતી! એકતરફ, ડીજી પોતાના બયાનમાં લોકો સાથે સંવાદ સાધવા પર ભાર મૂકી રહ્યાં હતા ત્યાં બીજી તરફ પ્રજાના પ્રતિનિધિ સમાન પત્રકારો ડીજીપી જોડે ડાયલોગ કરી શક્યા નહોતા. તેમને ડીજીના મોનોલૉગથી સંતોષ માનવો પડ્યો હતો!
ઓપરેશન સિંદૂર સમયના સંકલનની કરી પ્રશંસા
ડીજીપી વિકાસ સહાયે પોલીસ અધિકારીઓ, આર્મી, એરફોર્સ, સેન્ટ્રલ આઈબી, બીએસએફ વગેરે સહિતની રાજ્ય અને કેન્દ્ર સરકારની એજન્સીઓ સાથે બેઠક યોજીને ઓપરેશન સિંદૂર સમયે સંકલનભરી થયેલી કામગીરીનો તાગ મેળવીને તે સમયે રખાયેલાં આંતરિક સંકલનની પ્રશંસા કરી હતી.