કચ્છખબરડૉટકોમ, લાકડીયાઃ લાકડીયા નજીક આવેલી ખાનગી કંપનીના સુપરવાઈઝરને અલગ અલગ ટાસ્ક પૂરાં કરવા બદલ સારું વળતર મળવાના બહાને વિશ્વાસમાં લઈ ૨.૪૭ લાખ રૂપિયાની ઠગાઈ કરવાના ગુનામાં લાકડીયા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. લાકડીયા પોલીસે યુવકે જે ૪ બેન્ક ખાતાં અને એક આઈડી પર પૈસા ટ્રાન્સફર કરાવેલા તે પૈકી ૯૦ હજાર રૂપિયા જે ખાતામાં જમા થયેલાં તે ખાતું ખોલાવનાર ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના વિશાલસિંઘ રાજપૂત નામના પ્રથમ આરોપીની ધરપકડ કરી છે. રવિ દરજી નામના યુવકને ગત મે માસમાં ટેલિગ્રામમાં લિન્ક મૂકીને સાયબર ચીટરોએ ફસાવ્યો હતો. બનાવ અંગે ૧૭-૦૬-૨૦૨૫ના રોજ રવિએ લાકડીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં આ બેન્ક ખાતું તેણે બીજાને ભાડે આપ્યું હોવાનું બહાર આવ્યું છે. પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ. જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે.
Share it on
|