કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભચાઉના ચોપડવાથી લુણવા ગામ તરફ જતા રોડ પર મહાકાળી કોલસા કંપની નજીક વળાંક પર પૂરઝડપે ટ્રિપલ સવારી જતા બાઈક સવારો કંપનીની ફોલ્ડેબલ આરસીસી વૉલ સાથે ટકરાતાં બે યુવકના ગંભીર ઈજાથી તત્કાળ મૃત્યુ નીપજ્યાં છે. ૧૫મી ઑગસ્ટની સાંજે પાંચ વાગ્યાના અરસામાં દુર્ઘટના ઘટી હતી. હતભાગી મહેશ પ્રભુભાઈ કોલી (ઉ.વ. ૨૪, રહે. ભદ્રેશ્વર, મુંદરા, મૂળ રહે. ટીંડલવા, રાપર) અને તેનો સંબંધી નિલેશ વીરજી કોલી તથા પ્રકાશ ધનજી કોલી ત્રણે કબરાઉ ખાતે મોગલ ધામના દર્શને ગયેલાં. પરત ફરતી વખતે વળાંક પર બાઈક પરનો કાબૂ ગુમાવતાં મહેશે બાઈકને આરસીસી વૉલ સાથે ટકરાવી દીધી હતી. જેમાં ગંભીર ઈજાથી મહેશ અને નિલેશના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યાં હતા. પ્રકાશને ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સઘન સારવાર માટે ખસેડાયો છે. દુર્ઘટનાની તપાસ ભચાઉ પીએસઆઈ ડી.જે. ઝાલા કરી રહ્યા છે.
ડિવાઈડર પર ઊભાં ત્યાં ગાયની સાથે મોત આવ્યું
ગાંધીધામ ભચાઉ હાઈવે પર અંજારની વરસાણા ચોકડીએ રોડ પર દોડી આવેલી ગાયથી બચવા જતાં બિહારના શ્રમજીવીએ વાહન અડફેટે જીવ ગુમાવ્યો છે. ૧૫મી ઑગસ્ટની સાંજે ૭ના અરસામાં દુર્ઘટના ઘટી હતી. મરણ જનાર ધર્મેન્દ્રકુમાર રામચંદ્ર શાહ ખાનગી ફેક્ટરીમાં નોકરી કરતો હતો અને સાંજના સમયે ફેક્ટરી નજીક વરસાણા ચોકડીએ શાકભાજી તથા જરૂરી કરિયાણું ખરીદવા પગપાળા આવ્યો હતો.
ખરીદી કરીને તે પરત ફેક્ટરી પર જતો હતો અને રોડ ક્રોસ કરીને ડિવાઈડર પર ઊભો હતો. તે સમયે જ એક ગાયને નજીક આવતી જોઈ ગાયથી બચવા માટે તેણે રસ્તો ઓળંગી લેવા દોટ મૂકી હતી.
અચાનક તે રોડ પર પડી ગયો હતો અને ઊભો થાય તે પહેલાં પૂરઝડપે આવી રહેલી ટ્રક તેને કચડીને આગળ વધી ગઈ હતી. અંજાર પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આઠમના દિવસે પ્રાગપર ચોકડીએ વધુ એકનો ભોગ લીધો
મુંદરા પ્રાગપર ચોકડી પાસે આશાપુરા મંદિર પાછળ જયમલજીની હોટેલ સામે સર્વિસ રોડ પર ટ્રેલરે મોટર સાયકલને ટક્કર મારતાં નાના કપાયામાં રહેતા હિરેન ગાંગજીભાઈ સોધમનું માથા અને પગના ઘૂંટણોમાં ગંભીર ઈજાઓથી મૃત્યુ નીપજ્યું હતું. તારીખ ૧૬ ઑગસ્ટ આઠમની સવારે ૧૧.૩૦ના અરસામાં દુર્ઘટના ઘટી હતી. મૃતક હિરેન શિરાચામાં સોલાર કંપનીમાં નોકરી કરતો હતો અને આઠમની રજા હોઈ કૌટુંબિક ભત્રીજા જોડે હેર સલૂન જતો હતો ત્યારે દુર્ઘટના ઘટી હતી
આઠમની સાંજે અંજાર નજીક વધુ એક મોત
આઠમની સાંજે પાંચ વાગ્યાના અરસામાં અંજાર મુંદરા બાયપાસ રોડ પર સિનુગ્રા ગામની સીમમાં ચાપલ માના મંદિર પાસે આગળ જતા ટ્રેલરે અચાનક બ્રેક મારતાં પાછળ આવી રહેલી ટ્રક કન્ટેઈનર ટ્રેલરમાં ઘૂસી જતાં ટ્રકચાલક બાબુસિંહ ખીમસિંહ (રહે. રાજસમંદ, રાજસ્થાન)નું પગ અને માથામાં ગંભીર ઈજાથી સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું
♦૧૪ ઑગસ્ટની બપોરે ૧ વાગ્યાના અરસામાં મુંદરાના પરડઈ કબ્રસ્તાન પાછળ હરિનગર તરફ જતા માર્ગ પર અરુંધતિ નામની કંપનીની સ્ટાફ બસના ચાલકે બસને રિવર્સમાં લેતી વખતે બસ પાછળ રહેલા કિશોર સવાભાઈ સથવારા નામના ૬૦ વર્ષિય શખ્સને કચડી નાખ્યો હતો. અજાણ ચાલક મૃતકને કચડીને બસ હંકારી જતો રહ્યો હતો.
♦૧૪ ઑગસ્ટની સાંજે પોણા ૬ના અરસામાં ભીમાસર વરસામેડી હાઈ વે પર ભીમાસર નજીક ડિવાઈન પેટ્રો કેમિકલ કંપની પાસે ટ્રકે એક્ટિવાચાલકને ટક્કર મારતાં ગંભીર ઈજાઓથી ભીમાસર ગામના આધેડ માદેવાભાઈ કાનાભાઈ હુંબલનું મૃત્યુ નીપજ્યું હતું. દુર્ઘટના બાદ ડ્રાઈવર ટ્રકને સ્થળ પર મૂકીને નાસી ગયો હતો.
Share it on
|