click here to go to advertiser's link
Visitors :  
13-Jun-2025, Friday
Home -> Gandhidham -> Labourer Killed in Violent Clash Over Petty Issue in Padsana Gandhidham
Friday, 06-Jun-2025 - Gandhidham 13292 views
પાણીની મોટર બંધ કરવા મુદ્દે પડાણાના બેન્સૉમાં બે મજૂરોની મારામારીમાં એકની હત્યા
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામના પડાણામાં આવેલા બેન્સૉમાં નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં બે પરપ્રાંતીય મજૂરો બાખડી પડતાં એકનું મોત નીપજ્યું છે. બનાવ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પડાણામાં આવેલા સુધીર એન્ડ સન્સ ઈમ્પોર્ટ પ્રા.લિ. નામથી ઈમારતી લાકડાંનો બેન્સૉ આવેલો છે અને તેમાં મજૂરોને રહેવાની ઓરડીઓ છે. સોમવારે રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં મજૂરોના નહાવા માટેની પાણીની ટાંકીની મોટર ચાલું હતી.

આ ટાંકી ઑવરફ્લૉ થવા માંડતા ત્યાં હાજર ગુરુદેવકુમાર પ્રમોદ શર્મા (રહે. મૂળ ખગડિયા, બિહાર)એ સંજય રતનલાલ ચૌધરી નામના મજૂરને મોટર બંધ કરવા કહેલું. સંજયે મોટર બંધ કરવાનો ઈન્કાર કરતાં બેઉ વચ્ચે જીભાજોડી થયેલી. ગુરુદેવે મોટર બંધ કરેલી.

બેઉ જણ બોલાચાલી બાદ મારામારી પર ઉતરી આવ્યાં હતા અને ત્યાં પડેલી લાકડાની પટ્ટીઓ લઈ એકમેકને ગાળો ભાંડીને મારવા માંડ્યાં હતાં. મારામારીમાં સંજય નીચે પડી ગયો હતો અને માથામાંથી લોહી નીકળવા માંડ્યું હતું.

અન્ય બે મજૂરો સંજયને બાઈક પર બેસાડી પડાણાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયેલાં. સંજય ત્યારે ભાનમાં હતો. બીજા દિવસે તબિયત લથડતાં સીટી સ્કેન કરાવાયેલું અને તબીબે વધુ સારવાર માટે સંજયને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યો હતો.

મંગળવારે રાત્રે સંજયને સિવિલમાં દાખલ કરાયો હતો. ગંભીર ઈજાના કારણે બુધવારે રાત્રે સાડા દસના અરસામાં સંજયે હોસ્પિટલમાં કાયમ માટે આંખો મીંચી લીધી હતી.

બનાવ અંગે બેન્સૉમાં કામ કરતાં સહકર્મચારી સુબોધ રામસ્વરૂપ પાસવાને આપેલી ફરિયાદના આધારે પોલીસે ગુરુદેવ શર્મા સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Share it on
   

Recent News  
નકલી નોટોથી ઠગાઈ થાય તે અગાઉ LCBએ રહેણાકમાં રેઈડ કરી ૬ ચીટરને રંગેહાથ પકડ્યાં
 
એકતરફી પ્રેમાંધ પીપરના યુવકે યુવતીની હત્યા કરીઃ જખણિયામાં ભુજના યુવકની હત્યા
 
એવું શું થયું કે અમદાવાદમાં એર ઈન્ડિયાનું ડ્રીમ લાઈનર આગનો ગોળો બની ક્રેશ થયું?