કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ૧૪ ફેબ્રુઆરીની સવારે ૧૧ વાગ્યાના અરસામાં કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં યુઝ્ડ ક્લૉથના બે ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ ગોડાઉનના ત્રણ કર્મચારીની ગંભીર બેદરકારીથી લાગી હોવાનો સીસીટીવી ફૂટેજમાં ખુલાસો થયો છે. ભીષણ આગમાં બંને ગોડાઉનમાં રહેલો ૧૮ કરોડનો યુઝ્ડ ક્લૉથનો માલ બળીને ખાખ થઈ ગયો હતો. ફૂટેજના આધારે ત્રણે સામે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે બેદરકારી દાખવી ૧૮ કરોડનો માલ સળગાવીને નુકસાન કર્યાની સરકાર તરફે ફરિયાદ નોંધાવી છે. આગની ઘટના જાહેર કરનાર અખિલ મોહિન્દ્ર બજાજ (રહે. હરિયાણા) કાસેઝના પ્લોટ નંબર ૨૭૨/A અને Bનું ગોડાઉનના માલિક છે અને આ ગોડાઉન તેમણે બાબુ ઈન્ટરનેશનલ કંપનીને ત્રણ વર્ષ માટે ભાડે આપેલું છે. એ જ રીતે પ્લોટ નંબર C અને Dમાં આવેલું ગોડાઉન ટેક્સપોલી ઈમ્પેક્સ નામની પેઢીને ત્રણ વર્ષ માટે લીઝ પર આપેલું છે. ૧૪ ફેબ્રુઆરીની સવારે લાગેલી ભીષણ આગ કલાકો પછી માંડ કાબૂમાં આવ્યાં બાદ પોલીસે બાબુ ઈન્ટરનેશનલ કંપનીના સીસીટીવી કેમેરાનું ડીવીઆર કબજે કર્યું હતું.
પોલીસે ડીવીઆર ચેક કરતાં બે અજાણ્યા શખ્સો કંપનીની બહાર લોખંડના બેરલમાં કપડાંના ટૂકડાં નાખીને સળગાવતાં જોવા મળ્યાં હતાં.
તપાસ કરતાં આ બેઉ શખ્સો પૈકી એક જણો દેવી કાંશી પૈટી (રહે. કાર્ગો ઝૂંપડા, ગાંધીધામ) ચોકીદાર અને બીજો શખ્સ હમીર રામજી મ્યાત્રા (રહે. અંતરજાળ) મજૂર હોવાનું સ્પષ્ટ થયેલું.
પોલીસે બંનેની પૂછપરછ કરતાં તેમણે જણાવેલું કે બાબુ ઈન્ટરનેશનલ કંપનીના સુપરવાઈઝર ક્રિશનલાલ ઊર્ફે પાજી રામલાલ શર્મા (રહે. મેઘપર કુંભારડી)એ બેઉ જણને બાબુ ઈન્ટરનેશનલ કંપનીના ગોડાઉનમાં પડેલાં વેસ્ટ લુગડાંનો જથ્થો કોઈપણ હેતુથી સળગાવી દઈને નાશ કરવા જણાવેલું.
ક્રિશનલાલની સૂચના મુજબ તેઓ ગોડાઉન બહાર પડેલાં બેરલોમાં વેસ્ટ લુગડાંનો જથ્થો સળગાવતાં હતા તે સમયે વેગીલા વાયરાના કારણે એકાએક તણખો ગોડાઉનમાં સંઘરેલાં કપડાંના જથ્થામાં જઈને પડતાં આગ ભભૂકી ઉઠી હતી. ઘટના અંગે અખિલ બજાજે આપેલી વિગતોના આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૦, ૨૮૭, ૩૨૬ (એફ) અને ૫૪ હેઠળ ત્રણે વિરુધ્ધ જાતે ફરિયાદી બની ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આગ લાગી તે બેઉ ગોડાઉનની નજીક ગલ્ફ કંપનીનું વેરહાઉસ આવેલું છે જેમાં તે સમયે જ્વેલનશીલ ઓઈલ ભરેલાં બેરલ સ્ટોર થયેલાં હતાં. જો આગ સમયસર કાબૂમાં ના આવી હોત તો ભીષણ હોનારત સર્જાઈ હોત.
Share it on
|