કચ્છખબરડૉટકોમ, કંડલાઃ કંડલા સેઝ (સ્પેશિયલ ઈકોનોમિક ઝોન)માંથી ભાજપના હોદ્દેદારની ઈનોવા કારમાંથી વિદેશી શરાબ ઝડપાયો છે. કાસેઝના સિક્યોરીટી ગાર્ડોએ આજે પરોઢે ઈનોવા કારનો પીછો કરીને દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી. કારમાં સવાર બે શખ્સો નાસી ગયાં હોવાનું જાહેર કરાયું છે. કાસેઝમાં કસ્ટમ બોન્ડેડ લિકર વેરહાઉસમાંથી અનેક વખત વિદેશી શરાબ અને અન્ય ચીજવસ્તુઓની ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદો પ્રવર્તે છે.
આજે સવારે કાસેઝના સુરક્ષા જવાનોએ માળિયા મિંયાણા તાલુકા ભાજપ મહામંત્રી લખેલી GJ-03 IC-3333 નંબરની ઈનોવા કાર શંકાસ્પદ રીતે ફરતી હોઈ તેને અટકાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ ચાલકે કાર થોભાવી નહોતી. જેથી સિક્યોરીટી ગાર્ડોએ કારનો પીછો શરૂ કર્યો હતો. સુરક્ષા જવાનો પીછો કરતાં કારમાં સવાર બે શખ્સો કારને પાર્ક કરી સરકી ગયાં હતા.
કાસેઝના પ્રવક્તા સચિન તોમરે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે શરાબનો જથ્થો કાસેઝમાં આવેલા ભાણજી ગોવિંદજી નામના યુનિટમાંથી ચોરાયો હતો. અમે યુનિટના સંચાલકોને તેમના સ્ટોકની ગણતરી કરી અમને રીપોર્ટ આપવા જણાવ્યું છે. કારમાં કેટલો જથ્થો છે તેની ગણતરી સોમવારે વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં કર્યાં બાદ આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
Share it on
|