click here to go to advertiser's link
Visitors :  
07-Jun-2026, Sunday
Home -> Gandhidham -> Is it compulsion or Flattery of East Kutch SP? Read more
Saturday, 14-Dec-2024 - Bhuj 63077 views
BJPના નેરેટીવને સુદ્રઢ કરવા ગાંધીધામ SPનું ભ્રામક નિવેદન! મજબૂરી કે ચાપલૂસી?
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ગાંધીધામમાં નકલી ઈડી ઑફિસર બનીને જ્વેલર્સના ઘરે કથિત સર્ચ કરીને એકઠાં કરેલાં દાગીનામાંથી ૨૫ લાખના દાગીનાની ચોરી કરવાના ગુનામાં પોલીસે જેને સૂત્રધાર ગણાવેલો તે શખ્સ આમ આદમી પાર્ટીનો હોદ્દેદાર નીકળતાં રાજકારણ શરૂ થયું છે. પોલીસે જેને સૂત્રધાર ગણાવ્યો તે અબ્દુલ સત્તાર માંજોઠી અગાઉ કચ્છમાં આમ આદમી પાર્ટીનો મહામંત્રી રહી ચૂક્યો છે.
ગૃહમંત્રીનું ટ્વિટ અને આપના વળતા પ્રહારો

આ બાબત ધ્યાને આવતાં જ માંજોઠીના અરવિંદ કેજરીવાલ, ઈશુદાન ગઢવી સહિતના નેતાઓ સાથેના જૂનાં ફોટોગ્રાફ મેળવીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારે હોંશે હોંશે હિન્દીમાં ટ્વિટ કરેલું કે ‘અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનું વધુ એક કારનામું સામે આવ્યું છે. ગુજરાતમાં પાર્ટીના નેતાએ ઈડીની નકલી ટીમ બનાવી અને તેનો કેપ્ટન બની લોકોને લૂંટ્યાં’

ઈટાલિયા અને ઈશુદાને લીધો વળતો દાવ

સંઘવીની ટ્વિટ જોઈને આપના ગોપાલ ઈટાલિયા અને ઈશુદાન ગઢવી સહિતના નેતાઓએ વળતો દાવ લેવાનું શરૂ કર્યું છે. ઈટાલિયાએ સંઘવીની ગલી મહોલ્લાના ટપોરી અને ટ્રૉલરીયા સાથે સરખામણી કરીને આઠ ચોપડી પાસ સંઘવીને ફાંકા ફોજદારી કરવાના બદલે આ મુદ્દે જાહેરમાં ડિબેટ કરવા પડકાર ફેંક્યો છે. જેને આપનો કાર્યકર ગણાવી સંઘવીએ ટ્વિટ કર્યું તે માંજોઠીની કચ્છના સાંસદ વિનોદ ચાવડા સાથેની તસવીરો પણ ભારે વાયરલ થઈ છે અને લોકો સંઘવીને પૂછી રહ્યાં છે કે આનો ચાવડા જોડે શો સંબંધ છે એનો તો ખુલાસો કરો!

એસપીએ કહ્યું માંજોઠી પાર્ટી માટે વાપરતો હતો પૈસા

આપના ખુલાસા મુજબ અબ્દુલ સત્તાર માંજોઠીએ ૧-૧૦-૨૦૨૩ના રોજ પાર્ટીના મહામંત્રીપદેથી રાજીનામું ધરી દીધું હતું. રાજકીય આરોપ પ્રત્યારોપ અને ખુલાસા વચ્ચે પૂર્વ કચ્છના એસપી સાગર બાગમારે ભાજપના ‘પોલિટીકલ નેરેટીવ’ને વેગ મળે તેવી વાત જણાવતાં નવો વળાંક આવ્યો છે. બાગમારે એવું નિવેદન આપ્યું છે કે ‘માંજોઠી ગેરકાયદે પ્રવૃત્તિ મારફતે જે પૈસા મેળવતો હતો તેનો પાર્ટીના કાર્યક્રમોમાં ઉપયોગ કરતો હતો. માંજોઠીના નાણાંકીય વ્યવહારોની તપાસ કરવામાં આવશે. થોડાંક માસ અગાઉ ભુજ સર્કિટ હાઉસમા તેણે ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠીયા સાથે મીટીંગ કરેલી. તપાસકર્તા અમલદારને જણાશે તો તે બેઉની પણ પૂછપરછ કરી શકે છે.

એસપીનું ભ્રામક નિવેદન મજબૂરી કે ચાપલૂસી?

એસપી સાગર બાગમારનું નિવેદન પહેલી જ નજરે ભ્રામક જણાય છે. કારણ કે, નકલી ઈડીની રેઈડનો બનાવ પંદરેક દિવસ પૂર્વે બન્યો હતો અને પોલીસે બે દિવસમાં જ જે ૨૫ લાખના દાગીના ચોરાયાં હતા તે રીકવર કરી લીધાં હતાં. માંજોઠી સામે વર્ષો અગાઉ ભુજ અને જામનગરમાં હત્યા તથા હત્યાના પ્રયાસના બે ગુના નોંધાયેલાં છે.

માંજોઠીએ અન્ય કેવી કેવી ગુનાહિત પ્રવૃત્તિ આચરીને નાણાં મેળવેલાં કે જેનો આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં તેણે ઉપયોગ કરેલો? એ કયા અને કેવા પ્રકારના ગુના આચરેલાં? કયા સમયગાળામાં આચરેલાં? તે અંગે ક્યાં કયા પોલીસ સ્ટેશનોમાં સત્તાવાર ફરિયાદો નોંધાયેલી છે? આમ આદમી પાર્ટીના કયા કયા કાર્યક્રમો ક્યાં ક્યાં યોજાયેલાં?

શું કોઈ કાર્યકર પોતાની રાજકીય પાર્ટીના હોદ્દેદારોને મળે તેનો ગુનાહિત પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે? કારણ કે બાગમાર આઈઓના ખભે બંદૂક ફોડતી શક્યતા દર્શાવે છે કે ઈટાલિયા અને સોરઠીયાની પણ પૂછપરછ થઈ શકે છે!

સાહેબ, જો ખરેખર આવું હોય તો તમે પહેલાં પૂરેપૂરી ખરાઈ કરી લો પછી પૂરતી, સ્પષ્ટ વિગતો સાથે સ્ટેટમેન્ટ આપો. બાકી આવા ભ્રામક નિવેદન ટાળવા જોઈએ. 

ભારતીય બંધારણની ત્રીજી અનુસૂચિ મુજબ દરેક IAS, IPS સહિતના સરકારી અધિકારીઓ ભારતીય બંધારણ પ્રત્યે નિષ્ઠા રાખવાના (કોઈ રાજકીય પક્ષ કે સરકાર પ્રત્યે નહીં) શપથ લેતાં હોય છે. ત્યારે, બાગમાર જેવા યુવાન IPS ઑફિસરે આ રીતે સત્તાધારી પોલિટીકલ પાર્ટીના સંનિષ્ઠ કાર્યકરની જેમ ભ્રામક નિવેદન આપવાનું ટાળવું જોઈએ. લોકચર્ચા મુજબ શક્ય છે કે ઉપરથી દબાણ યા સૂચના મળી હોઈ તેમણે મજબૂરીમાં આવું ભ્રામક નિવેદન કર્યું હોય યા વધુ સારી જગ્યા પર પોસ્ટીંગ યા પ્રમોશન મેળવવા ચાપલૂસી કરવા માટે આવું નિવેદન કર્યું હોય. ઉલ્લેખનીય છે કે અગાઉ કચ્છમાં મુસ્લિમ વિસ્તારોને જ ટાર્ગેટ કરીને કોમ્બિંગ કરવા બદલ બાગમાર વિવાદમાં આવી ચૂકેલાં છે. 

Share it on
   

Recent News  
મોખાણાના જમીન કૌભાંડમાં વધુ એક આરોપીની આગોતરા જામીન અરજી ફગાવાઈ
 
૩.૪૭ કરોડની ઠગાઈના ફોજદારી કેસ બદલ રાપરના સેલારીના સરપંચ બીજીવાર સસ્પેન્ડ
 
ભુજની મેન્ટલ હોસ્પિટલના હેડ ક્લાર્કે સરકારી ૧.૭૬ કરોડ રૂપિયાની ઉચાપત કરતા ચકચાર