|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામના ગળપાદરમાં દુપટ્ટા વડે ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરનારી ૨૧ વર્ષિય મોનિકા દલારામ જાટના પતિ અને નણંદ વિરુધ્ધ મોનિકાના પિતાએ દહેજ માટે ઉત્પીડન કરી મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે. ૨૩ નવેમ્બરના રોજ ગળાપદરના ભાગ્યશ્રી-9માં રહેતી મોનિકાએ આત્મહત્યા કરી હતી. બનાવ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે જાણ કરતા બાડમેરથી મોનિકાના પિતા મુલારામ જાટે ગાંધીધામ દોડી આવી લાશનો કબજો સંભાળ્યો હતો. પિતાએ પોલીસને જણાવ્યું કે ૨૭-૦૭-૨૦૨૪ના રોજ મોનિકાએ ઘરેથી ભાગી જઈને દલારામ જાટ જોડે પ્રેમલગ્ન કર્યાં હતા. છેલ્લાં એકાદ માસથી દીકરીએ પિતા જોડે ફોન પર વાત કરવાનું શરુ કરેલું.
પતિ પાંચ લાખનું દહેજ માગી ત્રાસ આપતો
મોનિકા પિતા સમક્ષ પોતાની ભૂલ બદલ વ્યથા વ્યક્ત કરતા કહેતી હતી કે પતિ તેની પાસે પાંચ લાખ રૂપિયાના દહેજની માંગણી કર્યા કરે છે. તેને સતત મારઝૂડ કરી શારીરિક માનસિક ત્રાસ આપે છે. ગળપાદરમાં આવેલી ઓરડીમાં સતત કેદ કરી રાખે છે. જો દહેજ ના મળે તો મારી નાખવાની ધમકી આપ્યા કરે છે. દલારામની બહેન શાંતિ પણ અવારનવાર ફોન પર દહેજ મુદ્દે દબાણ કર્યા કરે છે.
પિતાને ફોન કરી પરત ઘરે આવતી હોવાનું કહ્યું પણ...
આત્મહત્યાના થોડાંક કલાકો પહેલાં મોનિકા માનસિક રીતે સાવ પડી ભાંગી હતી. તેણે પિતાને ફોન કરેલો અને પોતે બાડમેર પરત આવતી હોવાનું જણાવેલું. પરંતુ, ત્યારબાદ તે કદી પાછી આવી જ નહીં. પિયરમાં પગ મૂકવાના બદલે મોતને મીઠું કરી લીધું. મોનિકાના પિતાના બયાનના આધારે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે મોનિકાના પતિ દલારામ અને નણંદ શાંતિ વિરુધ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Share it on
|